કોલકાતાસ્થિત સ્ટ્રેન્ડ રોડ પર એક બહુમાળી ઈમારતમાં 17મા માળે લાગેલી આગને લીધે ભારે હડકંપ મચી ગયો છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 7 લોકોનાં મોત થયાં છે. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ઘટનાસ્થળ પર મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ પહોંચ્યાં હતાં. આગ લગભગ 6.10 વાગે લાગી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગ લાગી એ અગાઉ એક વિસ્ફોટ થયો હતો.
પશ્ચિમ બંગાળના ફાયર મિનિસ્ટર સુજિત બોઝે જણાવ્યું હતું કે સાંકડી અને ઓછી જગ્યા હોવાથી આગ પર અંકુશ મેળવવામાં મુશ્કેલી પડી હતી.આ ઈમારતમાં ઈસ્ટર્ન અને સાઉથ ઈસ્ટર્ન રેલવેની ઓફિસ છે. મૃતકોમાં 4 ફાયર ફાઈટર, એક ASI અને એક RPFના જવાનનો સમાવેશ થાય છે. સાતમી વ્યક્તિની ઓળખ થઈ શકી નથી.
ફાયરબ્રિગેડના કર્મચારીઓએ આગ પર અંકુશ મેળવી લીધો છે. જોકે કૂલિંગ પ્રોસેસ કરવામાં આવી રહી છે. મમતા બેનર્જીએ મૃતકોના પરિવારને રૂપિયા 10 લાખ વળતર આપવાની જાહેરાત કરી છે.
આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી
આ ઈમારતમાં આગ કેવી રીતે લાગી એ અંગે ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું. એના ગ્રાઉન્ડ ફ્લોર પર એક કમ્પ્યુટરાઈઝ્ડ ટિકિટ બુકિંગ સેન્ટર હતું. આગ લાગ્યા બાદ પૂર્વ રેલવેના તમામ ઝોનમાં ટિકિટનું ઓનલાઈન બુકિંગ અટકાવી દેવામાં આવ્યું છે. આ ઈમારતમાં રહેલા મોટા ભાગના ફ્લોરને ખાલી કરાવવામાં આવ્યા હતા.
જગ્યા ઓછી હોવાના કારણે આગ ઓલવવામાં તકલીફ પડી
ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે, આગ સાંજે 6.10 વાગે લાગી હતી. ત્યારપછી કોલકાતા નગર નિગમના મહાપૌર ફિરહાદ અને ફાયર મિનિસ્ટર સુજીત બોઝ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બોઝે જણાવ્યું કે, ઓછી જગ્યા હોવાના કારણે આગ ઓલવવામાં ઘણી તકલીફ થઈ હતી. તેમ છતાં ફાયર બ્રિગેડની ટીમ તેના કામ સાથે જોડાયેલી રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.