13 દિવસ પહેલાં શરૂ થયેલી ઉદેપુર-અમદાવાદ રેલવે લાઇન પરના પુલ પર શનિવારે મોડી રાત્રે અજાણ્યા લોકોએ બ્લાસ્ટ કર્યો હતો. બદમાશોએ પુલને ઉડાવી દેવાનું અને બ્લાસ્ટ કરીને રેલવે ટ્રેકને તોડી પાડવાનું કાવતરું ઘડ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબરે જ આ લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું.
સૌથી પહેલા તો સ્થાનિક લોકોએ અહીં જોરદાર ધડાકાનો અવાજ સાંભળ્યો હતો. ઘટના સ્થળેથી દારૂગોળો પણ મળી આવ્યો છે. બ્લાસ્ટના કારણે પાટા પર તિરાડો પડી ગઈ છે. બ્લાસ્ટના લગભગ 4 કલાક પહેલાં ટ્રેન પાટા પરથી પસાર થઈ ગઈ હતી. આ ઘટના બાદ અમદાવાદથી ઉદેપુર જતી ટ્રેનને ડુંગરપુર સુધી જ અટકાવી દેવામાં આવી છે. બ્લાસ્ટ સ્થળ ઉદયપુરથી લગભગ 35 કિમી દૂર છે.
જિલ્લા કલેક્ટર તારાચંદ મીણાએ કહ્યું- ડિટોનેટર વડે પુલને ઉડાવી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. ટૂંક સમયમાં આરોપીઓ ઝડપાઈ જશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોલીસ મહાનિર્દેશક ઉમેશ મિશ્રાને પણ વિગતવાર તપાસ માટે સૂચના આપી છે.
રાજસ્થાન પોલીસની એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એટીએસ આતંકવાદી ષડ્યંત્રના એંગલથી તપાસ કરી રહી છે. ઉદયપુરના એસપી વિકાસ શર્માએ કહ્યું કે શરૂઆતમાં એવું લાગે છે કે સંપૂર્ણ પ્લાનિંગ બાદ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. ડિટોનેટર સુપર 90 શ્રેણીનું છે. બોમ્બ સ્કવોડ અને ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પહોંચીને પુરાવા એકત્ર કર્યા હતા.
સ્થાનિક લોકો સતર્ક થયા, માહિતી આપીને અનેક જીવ બચાવ્યા
જણાવવામાં આવી રહ્યું છે કે સ્થાનિક ગ્રામજનોની સતર્કતાને કારણે આ નવા માર્ગ પર મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના ઉદયપુરથી લગભગ 35 કિમી દૂર બની હતી. આ ઘટના ઉદયપુર-સલુમ્બર રોડ પર કેવડાનાં નાળા નજીક ઓડા રેલવે પુલ પર બની હતી.જ્યાં શનિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ ગામલોકોએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. આ પછી કેટલાક યુવકો તુરંત ટ્રેક પર પહોંચ્યા અને ત્યાંની સ્થિતિ જોઈને હેરાન થઈ ગયા હતા.
તેમણે જોયું કે રેલવે લાઈન પર દારૂગોળો પડ્યો હતો. લોખંડના પાટા અનેક જગ્યાએથી તૂટી ગયા હતા. ટ્રેક પર પાટામાં નટ-બોલ્ટ પણ નહોતા. ગ્રામજનોએ આપેલી માહિતી બાદ ટ્રેક પર ટ્રેનની અવર-જવરને એટકાવી દેવામાં આવી હતી.
રેલવેએ આ ટ્રેક પર બંને ટ્રેનોની અવર-જવર અટકાવી દીધી
રેલવે તંત્રએ આ ટ્રેક પર ચાલતી ટ્રેનોને અટકાવી દીધી છે. રેલવે તંત્ર દ્વારા ટ્રેકનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. જો કે ટ્રેનની અવર-જવર ક્યારે શરૂ થશે તે બાબતે રેલવેના અધિકારીઓએ કંઈ જણાવ્યું નથી.
અધિકારીએ કહ્યું- ષડ્યંત્ર પાછળ કોણ છે, તપાસ કરવામાં આવી રહી છે
ઉદયપુર રેલવે એરિયા મેનેજર બદ્રી પ્રસાદે જણાવ્યું કે, ઉદયપુર-અમદાવાદ લાઇન પર બંને ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. વહેલી તકે લાઇનનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ષડ્યંત્ર પાછળ કોનો હાથ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
વિસ્ફોટ સબંધિત કેટલીક તસવીરો...
6 વર્ષની રાહ જોયા બાદ ટ્રેક શરૂ થયો હતો
ઉદયપુર-અમદાવાદ ટ્રેનને પીએમ નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2022ના રોજ અસારવા સ્ટેશનથી લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેક માટે 6 વર્ષ લાંબો સમય રાહ જોવી પડી. અગાઉ મીટરગેજ (નાની લાઇન) હતી, તેને દૂર કરીને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવી છે.
મોદીએ કહ્યું હતું - આ લાઇન ઔદ્યોગિક વિકાસને વેગ આપશે
1 નવેમ્બર, 2022 ના રોજ, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંસવાડાના માનગઢ આવ્યા હતા, ત્યારે તેમણે પણ તેમના ભાષણમાં આ રેલવે લાઇનના મહત્વ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ઉદયપુર અને તેની આસપાસના જિલ્લાના લોકો માટે ગુજરાતમાં અવર-જવરની સુવિધા તો થશે, આ સાથે જ આ ટ્રેક આ વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસને પણ વેગ આપશે.
હવે ડુંગરપુરથી અસારવા સુધી જ ટ્રેનો દોડશે
ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી કેપ્ટન શશિ કિરણના જણાવ્યા અનુસાર, ટ્રેકને નુકસાન થવાના કારણે આ રૂટ પર ટ્રેનોનું સંચાલન પ્રભાવિત થયું છે.
1. અસારવા-ઉદયપુર સિટી ટ્રેન (19704) આજે અસારવાથી ડુંગરપુર સુધી દોડશે એટલે કે ટ્રેન ડુંગરપુર-ઉદયપુર સિટી સ્ટેશનો વચ્ચે રદ રહેશે.
2. ઉદયપુર શહેર - અસારવા ટ્રેન (19703) આજે ડુંગરપુરથી અસારવા સુધી દોડશે, એટલે કે આ ટ્રેન ઉદયપુર શહેર - ડુંગરપુર સ્ટેશનો વચ્ચે રદ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.