• Gujarati News
  • National
  • Breaking News LIVE Updates; Jammu Kashmir Earthquake | Nepal Road Accident, Uddhav Thackeray, Odisha Cyclone

ભાસ્કર LIVE અપડેટ્સ:સુપ્રીમ કોર્ટના જજ તરીકે ગુજરાત હાઈકોર્ટેના જસ્ટિસ જે.બી પારડીવાલાના નામની ભલામણ, કોલેજિયમ દ્વારા ગૌહાટીના જજના નામનું પણ સુચન

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત હાઇકોર્ટના સિનિયર જમશેદ બી.પારડીવાલાના નામની ભલામણ સુપ્રીમ કોર્ટના જજ તરીકે કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગૌહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુધાંશુ ધુલિયા અને ગુજરાત હાઇકોર્ટના જજ જે.બી પારડીવાલાના નામની ભલામણ કરી છે. ભારતના ચીફ જસ્ટીસના નેતૃત્વ હેઠળના 5 સભ્યોની કોલેજિયમે એનવી રમણાને ભલામણ કરી છે. જો તેમના નામ પર અંતિમ મહોર વાગે તો તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે ચોથા પારસી જજ બનશે.

સુપ્રીમ કોર્ટમાં હાલ 32 જજ કાર્યરત છે. સુપ્રીમ કોર્ટ માટે મંજુર થયેલ કુલ જજની સંખ્યા 34 છે. એટલે કે હાલ કુલ સંખ્યાના સામે 2 જજની ઘટ છે. સાથે જ આવનાર દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં હાલ કાર્યરત સિનિયર જજ પણ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટમાંથી પૂર્વ ચિફ જસ્ટિસ જસ્ટિસ વિક્રમનાથ, જસ્ટિસ એમ.આર.શાહ, જસ્ટિસ બેલાબેન ત્રિવેદી સુપ્રીમ કોર્ટના જજ તરીકે ચાર્જ સંભાળ્યો હતો.

જો સરકાર કોલેજિયમની ભલામણ માની લેશે તો 2028માં જસ્ટિસ પારડીવાલા દેશના ચીફ જસ્ટિસ બની શકે છે.

કોણ છે જસ્ટિસ પારડીવાલા?
જસ્ટિસ જે બી પારડીવાલાનો જન્મ મુંબઇમાં થયો હતો. જસ્ટિસ જમશેદ પારડીવાલાએ વર્ષ 1988માં કેએમ લૉ કોલેજ, વલસાડથી લૉની ડિગ્રી લીધી હતી, અને 1989માં પ્રેકટિસ શરૂ કરી હતી. જસ્ટિસ પારડીવાલા 1994માં ગુજરાતની બાર કાઉન્સિલના સભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2002માં ગુજરાતના હાઇકોર્ટ માટે સ્ટેન્ડિંગ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 17 ફેબ્રુઆરી 2011ના રોજ ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. પારડીવાલા વકીલના પરિવારમાંથી આવે છે. તેમના પરદાદા નવરોજજી પારડીવાલાએ 1894માં પ્રેકટિસ શરૂ કરી હતી. તો દાદાએ 1929 અને તેમના પિતા વલસાડ અને નવસારીના જિલ્લાઓમાં 52 વર્ષ વકીલાત કરી હતી.

શિરડીના સાંઈબાબા મંદિરમાં પણ લાઉડસ્પીકર પર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સનું પાલન થશે, ટ્રસ્ટીઓએ લીધો નિર્ણય

મહારાષ્ટ્રમાં મસ્જિદ અને અન્ય ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરના ઉપયોગને લઈને ઉઠેલા વિવાદ વચ્ચે શિરડી સાંઈબાબા મંદિરના ટ્રસ્ટીઓએ ગુરુવારે કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન કરશે. ગુરુવારની સવારે વિસ્તારના મંદિર અને મસ્જિદમાં પણ લાઉડસ્પીકરનો ઉપયોગ બંધ કરાયો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશ મુજબ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા વચ્ચે લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ છે. અમે સાંઈબાબા મંદિર ટ્રસ્ટ સહિત વિભિન્ન ધાર્મિક સ્થળોની સાથે તેને લઈને બેઠક કરી.

બેઠકમાં તેમને આ નિયમની જાણ કરવામાં આવી. તેમને કહ્યું કે બેઠક પછી ગુરુવારની સવારે સાંઈબાબા મંદિરમાં કાકડ આરતી દરમિયાન લાઉડસ્પીકરનો ઉપયોગ કરાયો ન હતો. આ રીતે શિરડી શહેરની કોઈ પણ મસ્જિદમાં સવારની અઝાન દરમિયાન લાઉડસ્પીકરનો ઉપયોગ કરાયો ન હતો.

કોમેડિયન કૃણાલ કામરા પર 7 વર્ષના બાળકને ટ્રોલ કરવાનો આરોપ, NCPCRએ મોકલી નોટિસ

વડાપ્રધાન મોદીએ જર્મનીમાં દેશભક્તિ ગીત સંભળાવનાર 7 વર્ષના આશુતોષના વીડિયોને એડિટ કરવાના મામલે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ટ્વિટરને નોટિસ મોકલી છે. આયોગે ટ્વિટરને કોમેડિયન કૃણાલ કામરાના એકાઉન્ટ પર કાર્યવાહી કરવા અને વીડિયો હટાવવાના નિર્દેશ આપ્યા છે. ટ્વિટરને મોકલવામાં આવેલી નોટિસમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે કહ્યું કે સગીર બાળકને રાજનૈતિક વિચારધારા માટે ઉપયોગ કરવો ગેરકાયદેસર છે અને જુવેનાઈલ એક્ટ 2015નું ઉલ્લંઘન છે.

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ટ્વિટરને કૃણાલ કામરા દ્વારા 7 વર્ષના આશુતોષનો એડિટેડ વીડિયોને હટાવવા અને કૃણાલ કામરાના ટ્વિટર એકાઉન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરીને 7 દિવસમાં રિપોર્ટ સોંપવાના નિર્દેશ આપ્યા છે. કૃણાલ કામરા હવે આ ટ્વિટ ડિલીટ કરી ચુક્યો છે.

ઉમર અબ્દુલ્લાએ પાર્ટી સાસંદ અકબર લોનના મોતને લઈને ખોટું ટ્વિટ કર્યું, પછી માફી માગી​​​​​​​

નેશનલ કોન્ફરન્સના નેતા અબ્દુલ્લાએ પાર્ટી સાંસદ અકબર લોનના મોતને લઈને ખોટું ટ્વીટ કર્યું હતું જે બાદ માફી માગી છે. ઉમરના ટ્વીટ પર ન્યૂઝ એજન્સીએ પણ સમાચાર જાહેર કરી દીધા. જે બાદ ઉમરે ટ્વીટ હટાવી લીધું અને કહ્યું કે લોનના મોતના સમાચારને લઈને માફી માગુ છું. તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. તેમને લોનના પરિવારની પણ માફી માગી છે.

ચીનમાં બિલ્ડિંગ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 26નાં મોત
ચીનના હુનાન પ્રાંતમાં બિલ્ડિંગ દુર્ઘટનામાં ગુરુવાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. દુર્ઘટના વાંગચેંગ જિલ્લામાં 29 એપ્રિલે થઈ હતી. આ દુર્ઘટનામાં જવાબદાર 9 લોકોને અત્યાર સુધીમાં પકડવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે બિલ્ડિંગના માલિક સુરનામેડ વૂ અને અન્ય ત્રણને મુખ્યરીતે જવાબદાર ગણાવવામાં આવ્યા છે.

દિલ્હીમાં હવે ફ્રીમાં વિજળી નહીં મળે, કેજરીવાલે કહ્યું- હવે માત્ર જે માગશે તેમને જ મળશે

​​​​​​​દિલ્હીમાં 1 ઓક્ટોબરથી વિજળી સબસિડી માત્ર તે લોકોને જ મળશે જેઓ તેની માગ કરશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે લોકોને વિકલ્પ આપીશું કે વિજળી સબસિડીની તમને જરૂરિયાત છે કે નહીં. જે લોકો નહીં ઈચ્છે તેમને વિજળીની સબસિડી નહીં મળે. એટલે કે તમામને ફ્રી વિજળી નહીં મળે. કેજરીવાલે જણાવ્યું કે તેમને અનેક લોકો મળે છે જેઓ કહે છે કે અમને વિજળી સબસિડી નથી જોઈતી. તમે આ પૈસાનો ઉપયોગ સ્કૂલ ખોલવા, હોસ્પિટલ બનાવવામાં કરી શકો છે. આ પછી દિલ્હી સરકારે આવો નિર્ણય લીધો છે.

જેટના વિમાને 3 વર્ષ પછી ફરી ઉડાન ભરી, ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે નિયમિત સર્વિસ

દેવાળું ફુંકી ગયેલી જેટ એરવેઝના વિમાને 3 વર્ષ પછી એક વખત ફરી ઉડાન ભરી હતી. નાણાકીય સંકટમાં ફસાયા બાદ એરલાઈને એપ્રિલ 2019માં સેવાઓ બંધ કરી દીધી હતી. ગુરુવારે કંપનીએ ટેસ્ટ ફ્લાઈટથી તેની શરૂઆત કરી હતી. આ વિમાન સિક્યોરિટી ચેકિંગ માટે ઉડાવવામાં આવી. જેટ એરવેઝે દેવાળિયું ફુંક્યા બાદ સંજીવ કુમારને કંપનીના નવા CEO બનાવવામાં આવ્યા હતા. કપૂરે કહ્યું હતું કે ઓક્ટોબરથી વિમાન કંપની એક નવા ક્લેવરની સાથે ફરીથી આસમાનમાં હશે. કંપનીની બોલી UKની ક્લરોક કેપિટલ અને UAEની મુરારીલાલ જાલા કન્સોર્ટિયમે જીતી હતી.

કંપનીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કરી આ ખુશી શેર કરી છે. કંપનીએ લખ્યું- આજે 5 મે અમારો 29માં જન્મદિવસ જેટ એરવેઝે ફરી ઉડાન ભરી. અમારા બધા માટે આ એક ભાવનાત્મક દિવસ છે જેની પ્રતીક્ષા કરી રહ્યાં હતા, કામ કરી રહ્યાં છીએ અને પ્રાર્થના કરી રહ્યાં છીએ. સાથે જ તે ગ્રાહકો માટે જે જેટને ફરીથી સંચાલિત થાય તેની રાહ જોઈ રહ્યાં હતા.

ન્હાવાના સાબુથી લઈને ક્રીમ-પાવડર થયા મોંઘા, હિન્દુસ્તાન યુનિલીવરે 15% સુધી પ્રોડક્ટ્સના ભાવ વધાર્યા

ભારતના સૌથી મોટા FMCG બ્રાંડ હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડ (HUL)એ 5 મેથી પોતાની પ્રોડક્ટ્સની કિંમતમાં 15% સુધીનો વધારો કર્યો છે. મીડિયા રિપોટ્સ મુજબ પિયર્સ સાબુની 125 ગ્રામ સાબુની કિંમતમાં 2.4% અને મલ્ટીપેકમાં 3.7%નો વધારો કરાયો છે. લક્સ સાબુની કિંમત 9% વધી ગઈ છે.

કંપનીએ સનસિલ્ક શેમ્પૂની કિંમતોમાં પણ 8થી 10 રૂપિયાનો વધારો કર્યો છે. ક્લિનિક પ્લસ શેમ્પૂ 100mlની કિંમતમાં 15%નો વધારો કરાયો છે. સાબુ અને શેમ્પુ ઉપરાંત સ્કિન ક્રિમ ગ્લો એન્ડ લવલીની કિંમતમાં 6-8%નો વધારો કરાયો છે. પોન્ડ્સના ટેલ્કમ પાવડરની કિંમતમાં પણ 5-7%નો વધારો કરાયો છે.

ઉત્તરાખંડના CM પુષ્કર ધામી ચંપાવતથી ભાજપના ઉમેદવાર જાહેર, 31 મેનાં રોજ વોટિંગ

ઉત્તરાખંડના CM પુષ્કર ધામી ચંપાવતથી ભાજપના ઉમેદવાર જાહેર કરાયા છે. અહીં 31 માર્ચે ચૂંટણી યોજાશે. 3 જૂન મતગણતરી થશે. 4 મેનાં રોજ નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. 11 મે સુધી ઉમેદવાર પત્ર ભરી શકાશે. ઉત્તરાખંડના CM પદે યથાવત રહેવા માટે ધામીને છ મહિનાની અંદર વિધાનસભા સભ્ય બનવું જરૂરી છે.

24 મે સુધી એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનના 1000થી વધુ ફેરા રદ, કોલસા સંકટને કારણે નિર્ણય

દેશમાં કોલસાનું સંકટ વધી રહ્યું છે, ત્યારે આના નિવારણ માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક મહત્વના પગલાં ઉઠાવવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે રેલવેએ 1 હજારથી વધુ ટ્રેનને રદ કરવાનો નિર્ણય કર્યો છે. કોલસા રેકના પરિવહન માટે 24 મે સુધી લગભગ 1050 ટ્રેનને રદ કરી દેવાઈ છે. રદ કરવામાં આવેલી ટ્રેનમાં એક્સપ્રેસ, મેલ અને પેસેન્જર ટ્રેન સામેલ છે.

હરિયાણાના કરનાલમાં 4 ખાલિસ્તાની આંતકવાદીની ધરપકડ, ડ્રોનથી પહોંચાડવામાં આવતાં હતાં હથિયારો​​​​​​​

​​​​​​​હરિયાણાના કરનાલ જિલ્લામાં પોલીસે ગુરુવારે સવારે 4 વાગે ખાલિસ્તાની આતંકવાદીઓની નેશનલ હાઈવેથી ધરપકડ કરી છે. તેઓ ઈનોવા ગાડીમાં હાઈવે પરથી પસાર થતા હતા. ઈન્ટેલિજન્સ બ્યૂરો (IB)ને આ વખતે ગુપ્ત સૂચના મળી હતી. આ વિશે કાર્યવાહી કરતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ મળીને બાંસતાડા ટોલ પ્લાઝા પાસે નાકા બંધી કરી હતી તથા ઈનોવા ગાડીને ચેકિંગ દરમિયાન રોકી હતી. ગાડીની તપાસ કરતાં દારૂગોળો મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આતંકીઓને ડ્રોન દ્વારા હથિયારો પહોંચાડવામાં આવતાં હતાં. પોલીસે તરત પગલાં લઈને ચારેય આતંકવાદીની ધરપકડ કરી લીધી છે.

યુરોપ યાત્રાથી વડાપ્રધાન મોદી દેશ પરત ફર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસની યુરોપ યાત્રા પરથી દેશમાં પરત ફર્યા છે. તેમણે કાલે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી હતી. પેરિસ પહોંચતાં પહેલાં તેઓ ડેનમાર્કમાં બીજા ભારત-નોર્ડિક સંમેલનમાં સામેલ થયા હતા. સંમેલન સિવાય PM મોદી નોર્ડિક દેશોના વડાપ્રધાન સાથે ભારતના સંબંધો વિશે ચર્ચા કરી હતી. એ સાથે જ યુક્રેન-રશિયા સંઘર્ષ સહિત વૈશ્વિક સ્થિતિ પર નજર રાખવાની વાત પણ કરી હતી. વડાપ્રધાને આ પહેલાં ડેનમાર્ક અને જર્મનીની મુલાકાત કરી હતી.

17 દિવસમાં ફરી જમ્મુ-કાશ્મીરમાં આવ્યો ભૂકંપ, રિક્ટર સ્કેલમાં ભૂકંપની તીવ્રતા 5.3 નોંધાઈ

જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે સવારે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 નોંધવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર તાજિકિસ્તાન દેખાડવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં સવારે 5 વાગે ને 35 મિનિટે ભૂકંપ આવ્યો હતો. આ પહેલાં 18 એપ્રિલે જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપ આવ્યો હતો.

નેપાળમાં બસ અને જીપ વચ્ચે ટક્કર, ઘટનામાં 5નાં મોત, 2 ઘાયલ

નેપાળના કાભ્રરે જિલ્લામાં વીપી હાઈવે પર એક બસ અને જીપનો એક્સિડન્ટ થયો હતો. એમાં 5 લોકોનાં મોત થયાં છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. નેપાળ પોલીસના DSP હરિ ખાતીવાડાએ એક્સિડન્ટની માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે બુધવારે કાઠમંડુથી ભારત સોનૌલી જતી એક બસ સિંધુલીથી કાઠમંડુ જતી હતી ત્યારે નેપાળી જીપ સાથે અથડાઈ ગઈ હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મુંબઈના પૂર્વ મેયરના રાજ ઠાકરે પર પ્રહાર, કહ્યું- તે ભાઈ ઉદ્ધવના CM બનવાને કારણે નારાજ

મુંબઈના પૂર્વ મેયર કિશોરી પેડનેકરે રાજ ઠાકરે પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે રાજ ઠાકરે તેમના ભાઈ ઉદ્ધવના મુખ્યમંત્રી બનવાના કારણે નારાજ છે. કિશોરી પેડનેકરે રાજ ઠાકરેનું નામ લીધા વગર કહ્યું હતું કે તેઓ ગેરવર્તણૂક કરી રહ્યા છે. નોંધનીય છે કે રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને રાજ્યની દરેક મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનું અલ્ટિમેટમ આપ્યું છે. મનસે-પ્રમુખે કહ્યું હતું કે જો મસ્જિદોથી લાઉડસ્પીકર નહીં હટાવે તો અમે તેમની સામે હનુમાન ચાલીશા વાંચીશું.

અન્ય સમાચારો પણ છે...