રાયપુરના VIP રોડ વિસ્તારનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં રોડ પર અમુક છોકરા છોકરીઓ જબરજસ્ત મારઝૂડ કરતા દેખાય છે. તેમાં છોકરીઓ પણ છોકરાઓ પર હુમલો કરતી હતી અને છોકરાઓ પણ છોકરીઓને મારતા હતા. વીડિયોમાં બધા એક બીજાને ગાળો આપતા હતા. 8થી 10 છોકરા છોકરીઓનું ગ્રુપ એક બીજા પર હુમલો કરતા પણ દેખાય છે.
ઘટના શનિવાર રાતની હોવાનું જાણવા મળ્યું છે. આ વીડિયો હોટલ ગ્રાન્ડ ઈમ્પીરિયાના બહારનો છે. તેમાં છોકરા-છોકરીઓ એકબીજા સાથે મારા મારી કરતા દેખાય છે. આ મારામારીમાં અમુક છોકરા છોકરીઓને ઈજા પણ થઈ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટી કરીને પરત આવેલા આ છોકરા-છોકરીઓમાં અંદર અંદર ઝઘડો થયો હતો. અમુક છોકરાઓએ નશાની હાલતમાં છોકરીઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું. ત્યારપછી છોકરીઓએ પણ તેમના પર હુમલો કર્યો હતો. અમુક સ્થાનિક લોકોએ આ વિશેની માહિતી પોલીસ પેટ્રોલિંગ ટીમને આપી હતી. જોકે પોલીસને જોઈને અમુક છોકરીઓ ગભરાઈને ભાગવા લાગી હતી. કોઈએ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નથી નોંધાવી.
આંતરે દિવસે થાય છે આવા ઝઘડા
રાતના બે વાગ્યા સુધી VIP રોડ પર ગેરકાયદેસર પાર્ટી ચાલતી હતી. તેમાં પ્રશાસન દ્વારા કોઈ મંજૂરી લેવામાં આવતી નથી. આ પહેલી ઘટના નથી જ્યારે વીઆઈપી રોડ પર કોઈ હોટલની બહાર આ રીતનો ઝઘડો થયો હોય. આ પહેલાં પણ અહીં આવી ઘણાં પ્રકારની ઘટનાઓ થયેલી છે. લોકડાઉન સમયે ક્વિંસ ક્લબમાં ગોળીબાર પણ થયો હતો. શીતલ ઈન્ટરનેશનલમાં પાર્ટી પછી ચપ્પાથી હુમલો કરાયો હતો. પબમાં તોડફોડ કરવામાં આવી હતી. પરંતુ આજ સુધી પોલીસે મોડી રાત સુધી પાર્ટી કરનાર હોટલોના માલિકો પર કોઈ કાર્યવાહી કરી નથી.
અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાઈ
જ્યારે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉભા થયા હતા. પોલીસ સામે સવાલ ઉભા થતાં જોઈને મોડી રાતે પોલીસે આ વિવાદમાં કલમ 160 અંતર્ગત અજાણ્યા યુવક-યુવતીઓ સામે ફરિયાદ નોંધી હતી. રાયપુર પોલીસનો દાવો છે કે, આ વિવાદમાં કોઈએ ફરિયાદ નથી કરી. તેથી અમે અજાણ્યા યુવક-યુવતીઓ સામે ફરિયાદ નોંધીને સીસીટીવી અને વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.