હાઇસ્પીડ બોલેરોએ રોડની સાઈડમાં ચાલી રહેલા એક વૃદ્ધ દંપતી સહિત 3 લોકોને કચડી નાખ્યા. અથડામણને કારણે પતિ-પત્ની લગભગ 25 ફૂટ દૂર પટકાયા. આ અકસ્માતમાં દંપતીનું મોત થયું અને એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ. આ ઘટના અલવરના NEB પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ 200 ફૂટ રોડ સ્થિત હનુમાન સર્કલ પાસે બની. આ બોલેરો નિવૃત ASI ચલાવી રહ્યા હતા.
વૃદ્ધ દંપતી મોહનલાલ (ઉં.વ. 70) અને ધર્મવંતી (ઉં.વ. 68) ખુદાનપુરી વિસ્તારમાં રહેતા. બંને બપોરે લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના બુટોલી બાઈ ગામમાં પુત્રીને મળ્યા બાદ પરત ફરી રહ્યા હતા. બંને અહીં હનુમાન સર્કલ પર ઉતર્યા હતા. જ્યાંથી તેમનું ઘર માત્ર 500 મીટર દૂર હતું. આવી સ્થિતિમાં બંને પગપાળા ઘરે જવા નીકળ્યા. પતિ-પત્ની રસ્તાની સાઈડમાં ચાલી રહ્યા હતા. તેમની સાથે સફાઈ કામદાર મહિલા ગુલાબ (ઉં.વ. 66) પણ હતી. જ્યાં નમન હોટલ પાસે પાછળથી આવતી ઝડપી બોલેરો ત્રણેયને કચડી નાખ્યા. અથડામણને કારણે દંપતી સહિત ત્રણેય જણા ઉછળીને 25 ફૂટ દૂર પડ્યા હતા.
સ્થાનિક લોકો ત્રણેયને એમ્બ્યુલન્સમાં અલવરની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં તબીબોએ પતિ-પત્નીને મૃત જાહેર કર્યા. જ્યારે ગુલાબની હાલત નાજુક છે. ખુદાનપુરીના રહેવાસી વિજય કુમારે જણાવ્યું કે, દુર્ઘટનાની જાણકારી મળતા જ તેઓ હોસ્પિટલ પહોંચ્યા. વૃદ્ધ દંપતી તેમના પડોશી હતા. જે બંનેના 5 બાળકો છે.
અકસ્માત બાદ બેકાબૂ બોલેરો પલટી ખાઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું કે નિવૃત્ત ASI કૈલાશ મીણા બોલેરો ચલાવી રહ્યા હતા. કૈલાશ મીણા બે વર્ષ પહેલા 2021માં અલવર પોલીસ લાઇનમાંથી જ નિવૃત્ત થયા હતા. વાહન ઓવર સ્પીડમાં હતું. નિવૃત્ત પોલીસકર્મીને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં તે દારૂના નશામાં હોવાનું બહાર આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.