ઉનાળાની ગરમીની બપોરે શેરીમાં વાગતી ઘંટડી એ માત્ર કુલ્ફીની એક રીમાઇન્ડર છે. આમ જોવા જઈએ તો કદાચ એવી કોઈ વ્યક્તિ જ નથી કે જેણે મટકા કુલ્ફીનો સ્વાદ ન ચાખ્યો હોય. ગમે તેટલી ગરમી હોય, કુલ્ફીનું એક ટીપું પણ પીગળી જાય તેવો આનંદ જીભ પર અનોખો અનુભવ કરાવે છે. તેવામાં દૂધ અને રબડીથી ભરપૂર જયપુરની સ્વાદિષ્ટ એવી કુલ્ફીની વાત કરીએ કે જેને ખાવા માટે મુખ્યમંત્રીથી લઈને મંત્રી-ધારાસભ્ય તથા રાજપરિવારના સભ્યો પણ આવતા હોય છે.
આજે પણ જયપુર આવતા બોલિવૂડથી લઈને ક્રિકેટ સ્ટાર્સ આ ખાસ કુલ્ફીનો સ્વાદ લેવાનું ભૂલતા નથી. એક સમયે હાથલારી પર વેચાતી કુલ્ફી આજે પંડિત નામથી બ્રાન્ડ બની ગઈ છે. જેનું વાર્ષિક ટર્નઓવર કરોડોમાં છે. રાજસ્થાની ફ્લેવરના આ એપિસોડમાં, ચાલો તમને હવા મહેલ રોડની તે ગલીઓમાં લઈ જઈએ, જ્યાંની એક કુલ્ફીએ દિગ્ગજો સહિત સ્થાનિકોને દિવાના કરી દીધા છે.
વર્ષ 1947માં રામેશ્વર પ્રસાદ શર્માએ 19 વર્ષની ઉંમરે સિટી પેલેસ પાસે એક ગાડી મૂકીને કુલ્ફી વેચવાનું શરૂ કર્યું હતું. ત્યારપછી આસપાસ વધુ લોકો કુલ્ફી વેચતા હતા, પરંતુ ઉત્તમ સ્વાદને કારણે લોકો રામેશ્વર પ્રસાદની ગાડી પર ભેગા થવા લાગ્યા હતા. આ ભીડ રામેશ્વર શર્માને પંડિતજી કહીને બોલાવવા લાગી. થોડા સમયમાં ધંધોએ રીતે ચાલ્યો કે તેના પુત્રે હવા મહેલ રોડ પર જ્યાં રામેશ્વર પ્રસાદ લારી મૂકતા હતા તેની સામે એક દુકાન ખરીદી લીધી. રામેશ્વર પ્રસાદની કુલ્ફી બનાવવાની રેસીપી એક રહસ્ય હતી, જે પાછળથી તેમના પુત્ર ઘનશ્યામને જાણવા મળી હતી. આજે ત્રીજી પેઢી પણ આ વ્યવસાય સાથે જોડાયેલી છે.
સમય બદલાયો, પંડિતજી વેરાયટી વધારતા ગયા,
પંડિત ઘનશ્યામ શર્માએ જણાવ્યું કે તેમના પિતા ભેંસ અને ગાયના દૂધના મિશ્રણમાંથી કુલ્ફી બનાવતા હતા. કુલ્ફી બનાવવા માટે દૂધને લગભગ 8 કલાક ઉકાળવું પડે છે. તેમાંથી તેના રબડી લચ્છા તૈયાર કરવામાં આવે છે. પછી, પરંપરાગત રીતે તૈયાર દૂધને માઈનસ 40 ડિગ્રી પર બરફ અને મીઠાની વચ્ચે કુલ્ફીના મોલ્ડમાં ભરવામાં આવે છે. જેથી કુલ્ફીમાં દેશી ફ્લેવર જળવાઈ રહે. તેમણે વધુમાં કહ્યું કે સમયની સાથે કુલ્ફીની વિવિધતા વધી છે. અગાઉ માત્ર મલાઈ કુલ્ફી બનાવવામાં આવતી હતી. પરંતુ હવે ડાયાબિટીસના દર્દીઓ માટે કેસર પિસ્તા બદામ, ચોકલેટ, કેરી, પાન, સીતાફળ અને સુગર ફ્રી સ્પેશિયલ કુલ્ફી બનાવવામાં આવી રહી છે.
2007માં બ્રાન્ડ નામને પેટન્ટ કરાવ્યું
ઘનશ્યામે કહ્યું કે છેલ્લા 75 વર્ષથી અમારી કુલ્ફીનો સ્વાદ બદલાયો નથી. જયપુર સહિત દેશભરમાં અનેક લોકોએ આનું અનુકરણ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પણ એ સ્વાદ ન મેળવી શક્યા. વર્ષ 2007માં પંડિત કુલ્ફી નામની પેટન્ટ કરવામાં આવી હતી. જેથી કરીને દેશભરમાં કોઈ દુકાનદાર આપણા નામે જનતાને મૂર્ખ બનાવી ન શકે. જયપુરમાં પંડિત કુલ્ફીના નામે કેટલીક દુકાનો ચાલી રહી છે. પરંતુ તેની શાખા માત્ર બે જગ્યાએ છે, સિલ્વર મિન્ટ અને માનસરોવર ચોપાટી.
25 થી 120 રૂપિયા સુધીની કુલ્ફી
પંડિત ઘનશ્યામને જણાવ્યુ કે મોંઘવારી વધવાની સાથે કુલ્ફીની કિંમત પણ વધી ગઈ છે. જે કુલ્ફી પહેલા 5 થી 20 રૂપિયામાં વેચાતી હતી. આજે તેની કિંમત 25 થી 120 રૂપિયા થઈ ગઈ છે. કેસર પિસ્તા બદામ મિક્સ 35 રૂપિયા, બોક્સ નાનું (સાદા)- 50 અને મોટું 80 રૂપિયાનું છે.
અહીં ઉનાળાની ઋતુમાં દૈનિક 5 હજાર કુલ્ફીનું વેચાણ થાય છે. પરંતુ કેટલીકવાર સપ્તાહના અંતે 7 હજાર કુલ્ફી પણ વેચાય છે. વળી લગ્નની સિઝન દરમિયાન બલ્ક ઓર્ડર અલગથી ઉપલબ્ધ છે. એક અંદાજ મુજબ કુલ્ફીમાંથી બંને બ્રાન્ચનો વાર્ષિક કારોબાર લગભગ 2 કરોડનો છે.
રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ આ કુલ્ફીના દિવાના
છેલ્લા કેટલાક વર્ષોમાં પંડિત કુલ્ફી પિંક સિટીની ઓળખ બની ગઈ છે. પરકોટ વિસ્તારમાં બનેલી પંડિત કુલ્ફી ખાનારા સામાન્ય લોકો જ નહીં પરંતુ ખાસ લોકોની પણ લાંબી યાદી છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટીલ, ઉપરાષ્ટ્રપતિ ભૈરોન સિંહ શેખાવત સાથે મુખ્યમંત્રી અશોક ગેહલોત, પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, ક્રિકેટર સચિન તેંડુલકર સહિત બોલિવૂડ કલાકારો અને ઘણા ખાસ વિદેશી મહેમાનોએ પણ પંડિત કુલ્ફીનો સ્વાદ ચાખ્યો છે. તેંડુલકરે કારમાં પરિવાર સાથે દુકાનની બહાર કુલ્ફી ખાધી હતી અને 10 પેક પણ લીધા હતા.
વર્ષ 1986 પહેલા પંડીત કુલ્ફી લારીમાં વેચાતી હતી. ત્યારે મુખ્યમંત્રી, ધારાસભ્ય અને મંત્રીઓ લારી સુધી કુલ્ફી ખાવા આવતા હતા. ત્યારપછી આજના સવાઈ માનસિંહ ટાઉન હોલમાં જ્યારે જ્યારે એસેમ્બલી ચાલતી ત્યારે પંડિત કુલ્ફી નજીક હોવાથી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૈરોન સિંહ શેખાવતની સાથે, ઘણા મજબૂત નેતાઓ, પ્રધાનો અને ધારાસભ્યો કુલ્ફીનો સ્વાદ લેવા માટે લારી સુધી આવતા હતા. પંડિત ઘનશ્યામે જણાવ્યું કે ચીન અને ઈંગ્લેન્ડના કેટલાક વિદેશી પ્રવાસીઓએ તેમને લાખો રૂપિયાની ઓફર કરીને વિદેશમાં દુકાન ખોલવા વિનંતી કરી છે. પરંતુ ઘનશ્યામે તેના પિતાનો વારસો આજ સુધી સાચવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.