ભારત-ઇઝરાયેલ દોસ્તીની 29મી એનિવર્સરી પર બ્લાસ્ટ:દિલ્હીમાં ઇઝરાયેલ દૂતાવાસ નજીક IED બ્લાસ્ટ, 63 એરપોર્ટ, અયોધ્યામાં અલર્ટ, ઇઝરાયેલે આતંકી કૃત્ય ગણાવ્યું, અમિત શાહનો બંગાળ પ્રવાસ રદ

નવી દિલ્હી10 મહિનો પહેલા
દિલ્હીમાં ઇઝરાયેલના દૂતાવાસની બહાર શુક્રવારે સાંજે બ્લાસ્ટ થયો છે, જેને કારણે દૂતાવાસની બહાર ઊભેલી પાંચ ગાડીના કાચ તૂટી ગયા.

રાજધાની દિલ્હીમાં શુક્રવારે ઇઝરાયેલના દૂતાવાસ નજીક વિસ્ફોટ થયો. જોકે, એમાં કોઈ જાનહાનિ નથી થઈ, પણ 4-5 વાહનના કાચ તૂટી ગયા. વિસ્ફોટ સાંજે 5:06 વાગ્યે થયો. જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ, ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ વગેરેની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ. દિલ્હી પોલીસે કહ્યું કે વિસ્ફોટ ઓછી તીવ્રતાનો હતો પણ આ આતંકી હુમલો નથી. તપાસ કરાઇ રહી છે. તે વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચેક કરાઇ રહ્યો છે. ઇઝરાયેલનું દૂતાવાસ એપીજે અબ્દુલ કલામ રોડ પર છે. ઘટનાસ્થળથી લગભગ અઢી કિ.મી. દૂર રાજપથ પર શુક્રવારે બીટિંગ રિટ્રીટ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તેથી વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા હોવા છતાં આ ઘટના બની. બ્લાસ્ટના પગલે દેશના 63 એરપોર્ટ પર અને અયોધ્યામાં એલર્ટ જાહેર કરાયું છે.

દૂતાવાસના તમામ અધિકારીઓ, કર્મચારીઓ સુરક્ષિત
બીજી તરફ ઇઝરાયેલે કહ્યું, તેના દૂતાવાસના તમામ અધિકારીઓ, કર્મચારીઓ તથા અન્ય સ્ટાફ સુરક્ષિત છે. ઘટના અંગે દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જાણ કરી છે. ગૃહ મંત્રાલયે એરપોર્ટ્સ, મેટ્રો સ્ટેશનો, સરકારી ઇમારતો તથા અન્ય સંસ્થાનોની સુરક્ષા કરતી સીઆઇએસએફને એલર્ટ કરી છે. વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે ઘટના પાછળ જે કોઇ હશે તેને પકડી લેવાશે.

જોકે, હજી સુધી આ વિસ્ફોટની જવાબદારી કોઈ દ્વારા લેવામાં આવી નથી. પોલીસે વિસ્ફોટ પછી તરત જ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરી છે, પરંતુ હજી સુધી કંઈ હાથ લાગ્યું નથી.

દૂતાવાસની પાસેથી IED ડિવાઈસ મળ્યોઃ સૂત્ર
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એવું લાગે છે કે તેને ચાલતી ગાડીમાંથી ફેંકવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે, 'ઇઝરાયેલના દૂતાવાસની પાસે એક લો ઈન્ટેસિટી બ્લાસ્ટ થયો છે. હાલ તેના કારણની ભાળ મેળવવાના પ્રયાસ થઈ રહ્યાં છે. ઘટનાસ્થળેથી કાચના ટૂકડાઓ મળ્યા છે.'

દેશભરમાં એરપોર્ટ-સરકારી ઈમારતોની સુરક્ષા વધારવામાં આવી
CISFએ કહ્યું, 'દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ પછી દેશના તમામ એરપોર્ટ, મહત્વપૂર્ણ સંસ્થાઓ, સરકારી ઈમારતોની સુરક્ષાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તમામ જગ્યાએ સુરક્ષા વધારી દેવામાં આવી છે.' દિલ્હીના અતિ સુરક્ષિત વિસ્તારમાં થયેલા વિસ્ફોટ પછી ગુપ્તચર વિભાગ અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બોમ્બ ડિસ્પોઝેબલ ટીમને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. આસપાસના વિસ્તારને સુરક્ષા એજન્સીઓએ સીલ કરી દીધો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ બ્લાસ્ટની તપાસ શરૂ કરી છે.

ઘટનાસ્થળેથી 1.7 કિમીના અંતરે જ હતા VVIP
લુટિંયસ ઝોનમાં ઇઝરાયેલના દૂતાવાસની પાસે જ્યાં બ્લાસ્ટ થયો, તે જગ્યા વિજય ચોકથી લગભગ 1.7 કિલોમીટરના અંતરે જ છે. વિજય ચોક પર જ બીટિંગ રિટ્રીટ ચાલી રહ્યું હતું, જેમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રક્ષા મંત્રી સહિત અનેક VVIP હાજર હતા.

9 વર્ષ પહેલાં પણ ઇઝરાયેલ દૂતાવાસને ટાર્ગેટ કરાયું હતું આ પહેલાં ફેબ્રુઆરી 2012માં પણ ઇઝરાયેલના દૂતાવાસની એક કારને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. ભારતમાં ઇઝરાયલના રાજદૂતની કારમાં 13 ફેબ્રુઆરી 2012નાં રોજ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં રાજદૂતના ડ્રાઈવર સહિત 4 લોકો ઘાયલ થયા હતા. ઇઝરાયલે ઈરાન પર આ હુમલાનો આરોપ લગાવ્યો હતો.

ભારત - ઇઝરાયેલના ડિપ્લોમેટિક સંબંધોની 29મી વર્ષગાંઠ
ભારત અને ઇઝરાયેલના ડિપ્લોમેટિક રિલેશનશિપની આજે 29મી વર્ષગાંઠ છે. આ પ્રસંગે ઇઝરાયેલના દૂતાવાસે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આજના જ દિવસે 1992માં બંને દેશ વચ્ચે કૂટનીતિક સંબંધોની શરૂઆત થઈ હતી. ઇઝરાયેલના PM નેતન્યાહૂની સાથે વડાપ્રધાન મોદીની મિત્રતા પણ ઘણી ચર્ચામાં રહી હતી.

અન્ય સમાચારો પણ છે...