• Gujarati News
  • National
  • BJP's Victory In Diwali, Madhya Pradesh, Assam, Telangana And Karnataka, Congress In Himachal Pradesh, Rajasthan And Trinamool Congress In West Bengal

પેટા ચૂંટણી:બધાના ‘ઘરે’ દિવાળી, મધ્ય પ્રદેશ, આસામ, તેલંગાણા અને કર્ણાટકમાં ભાજપનો વિજય, હિમાચલ, રાજસ્થાનમાં કોંગ્રેસ અને પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે ક્લિન સ્વિપ કરી

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 રાજ્યની 3 લોકસભા, 13 રાજ્યની 29 વિધાનસભા બેઠકોનું પરિણામ જાહેર
  • અમે મોંઘવારીના કારણે હાર્યા- જયરામ ઠાકુર, હિમાચલના CM

લોકસભાની ત્રણ અને 13 રાજ્યોની 29 વિધાનસભા બેઠકો પરની પેટા ચૂંટણીના પરિણામ મંગળવારે જાહેર થયા હતા. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનું વિજય અભિયાન જારી રહ્યું હતું. મમતા બેનરજીની પાર્ટીએ એકતરફી જીત મેળવી હતી. જ્યારે આગામી વર્ષે જ્યાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે એ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે ક્લિન સ્વીપ કર્યો છે. રાજસ્થાનમાં આંતરિક ખેંચતાણનો સામનો કરે રહેલી કોંગ્રેસે વિધાનસભાની બન્ને બેઠકો જીતીને સ્થિતિ મજબૂત કરી હતી. બિહારમાં જનતા દળ (યુનાઇટેડ)એ વિધાનસભાની બન્ને બેઠકો જીતી હતી.

મધ્ય પ્રદેશ અને આસામમાં સત્તારુઢ ભાજપની લહેર યથાવત રહી હતી. બન્ને રાજ્યોની વિધાનસભાની આઠ બેઠકોમાંથી 5 ભાજપને, 2 તેના સાથી પક્ષે અને 1 કોંગ્રેસે જીતી હતી. ખંડવા લોકસભા બેઠક પર ભાજપનો કબજો યથાવત રહ્યો હતો. આ તરફ શિવસેનાએ મહારાષ્ટ્રની બહાર પહેલીવાર લોકસભાની બેઠક અંકે કરી છે. દાદરા-નગર-હવેલી લોકસભા બેઠક શિવસેનાને ખાતે ગઈ છે.

મોહન ડેલકરની આત્મહત્યા બાદ ખાલી પડેલી આ બેઠક તેમના પત્ની કલાબેન ડેલકરે શિવસેનાની ટિકિટ પર જીતી લીધી છે. 13 રાજ્યોની વિધાનસભાની 29 બેઠકો પરની પેટા ચૂંટણીમાં ભાજપે 5 બેઠકો કોંગ્રેસ પાસેથી આંચકી છે. તો સામે કોંગ્રેસે પણ ભાજપ પાસેથી પાંચ સીટો આંચકી લીધી છે.

આસામ: વધુ મજબૂત થયા હિમંતા
આસામની વિધાનસભાની 5 બેઠકો સત્તારુઢ ભાજપ અને તેના સાથી પક્ષોએ જીતી છે. ભાજપે 1 સીટ કોંગ્રેસ તથા એક એઆઇયુડીએફ પાસેથી આંચકી છે. ભાજપના સાથીપક્ષ યુપીપીએલએ એક સીટ જાળવી રાખી છે. આ સાથે હિમંતા બિસ્વા સરમા વધુ મજબૂત થયા છે.

રાજસ્થાન: ગેહલોતનો જાદુ યથાવત
કોંગ્રેસે ધારિયાવદ અને વલ્લભનગર એમ બન્ને બેઠકો જીતી છે. ધારિયાવદ બેઠક ભાજપ પાસેથી આંચકી છે. જ્યારે વલ્લભનગર સીટ જાળવી રાખી છે. આ જીત સાથે રાજ્યમાં અશોક ગેહલોતનો જાદુ યથાવત રહ્યો છે.

બિહાર: નીતિશની તાકાત વધી
બિહાર વિધાનસભાની પેટા ચૂંટણી મુખ્યમંત્રી નીતિશ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. જેડીયુએ બન્ને બેઠકો જીતીને સ્થિતિ મજબૂત કરી છે. તારપુર અને કુશેશ્વર અગાઉ જેડીયુ પાસે જ હતી. જેલમાંથી જામીન મેળવીને પેટા ચૂંટણીમાં પ્રચાર કરનાર આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવનો દાવ કારગર નિવડ્યો નહીં.

હરિયાણામાં ઇનલો, તેલંગાણમાં ભાજપ
હરિયાણામાં ઇનલોના વડા ઓમપ્રકાશ ચૌટાલાના પુત્ર અભય ચૌટાલાએ એલનાબાદ વિધાનસભા બેઠક સતત ચોથી વખત જીતી છે. તો આંધ્રપ્રદેશની બડકલ સીટ વાયએસઆર કોંગ્રેસ અને મહારાષ્ટ્રની દેગુલર એસસી સીટ કોંગ્રેસે જીતી છે. તેલંગાણાની હજુરાબાદ સીટ પર ટીઆરએસ છોડીને ભાજપમાં આવેલા એટાલા રાજેન્દ્ર જીત્યા હતા.

કર્ણાટક: કોંગ્રેસે ભાજપ પાસેથી એક સીટી આંચકી
કર્ણાટકમાં બે સીટો પર પેટા ચૂંટણી થઈ હતી. ભાજપ અને કોંગ્રેસે 1-1 સીટ જીતી છે. સિંદગી વિધાનસભા બેઠક ભાજપે જેડીએસ પાસેથી આંચકી છે. તો કોંગ્રેસે હંગલ સીટ ભાજપ પાસેથી જીતી છે. કર્ણાટકમાં 2023માં વિધાનસભાની ચૂંટણી થશે.

મુંબઈની હોટલમાં આપઘાત કરનાર મોહન ડેલકરનાં પત્ની કલાબેને ભાજપને હરાવ્યો

સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીમાં પહેવી વાર શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર મહિલા સાંસદ બન્યા હતા. કલાબેને ભાજપના ઉમેદવાર મહેશ ગાંવિતને 51,269 મતોથી હરાવ્યા હતા. આ સાથે શિવેસનાએ મહારાષ્ટ્રની બહાર પહેલીવાર લોકસભાની બેઠક જીતી હતી. શિવસેનાના નેતા સંજય રાઉતે આ જીતને દિલ્હી તરફની કૂચની દિશામાં પહેલું મોટું પગલું ગણાવ્યું હતું. પતિ મોહન ડેલકરના નિધન બાદ કલાબેને પુત્ર અભિનવ તથા સેંકડો કાર્યકર્તાઓની સાથે શિવસેનામાં જોડાયા હતા.

દાનહ બેઠક પર સાત ટર્મથી સાંસદપદે ચૂંટાતા મોહન ડેલકરે મુંબઈની હોટેલમાં આત્મહત્યા કરી હતી દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં કુલ 1,98,264 લોકોએ મતદાન કર્યું હતું. જેમાં ઈવીએમ વોટ 1,97,600 અને બેલેટ પેપર વોટ 664 થયા હતા.

જેમાં શિવસેના ઉમેદવાર કલાબેને કુલ 1,18,035, ભાજપ ઉમેદવાર મહેશ ગાંવિતને કુલ 66766, કોંગ્રેસ ઉમેદવારને કુલ 6,150 તેમજ બીટીપી ઉમેદવાર ગણેશ ભુજાડાને કુલ 1,782 અને નોટામાં કુલ 5,531 મતદાન થયું હતું. 4 ઉમેદવારો પૈકી બે ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ છે. મોહન ડેલકરના નિધન બાદ 30 ઓક્ટોબરે પેટા ચૂંટણી યોજાઈ હતી.

જેમાં પ્રદેશમાં કુલ 76.35 ટકા મતદાન થયું હતું. પેટા ચૂંટણીની મતગણતરી કરાડ પોલીટેક્નિક કોલેજમાં થઇ હતી. શરૂઆતથી શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર લીડ જાળવી રાખી હતી જે છેક છેલ્લા 22માં રાઉન્ડ સુધી યથાવત રહી હતી. પહેલા રાઉન્ડ સાથે ઉમેદવાર કલાબેન ડેલકર ભાજપના ઉમેદવાર મહેશ ગાંવિતથી 400 મતની લીડ સાથે સતત વૃદ્ધિ થઈ છેલ્લા રાઉન્ડમાં વધીને 51269 થઇ હતી.

હિમાચલ: ભાજપ માટે ચેતવણીની ઘંટડી
ભાજપ માટે સૌથી નિરાશાજનક પરિણામ હિમાચલ પ્રદેશમાંથી મળ્યા છે. અહીં 1 લોકસભાની અને 1 વિધાનસભાની બેઠક પર પાર્ટીની હાર થઈ છે. કોંગ્રેસે વિધાનસભાની 1 સીટ જાળવી રાખી છે તો 2 સીટ ભાજપ પાસેથી આંચકી લીધી છે. મંડી લોકસભા બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી જીતી છે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાના ગૃહ રાજ્યમાં 2022ના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.

પશ્ચિમ બંગાળ: ત્રણ બેઠકો પર ભાજપની ડિપોઝિટ ડૂલ
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસે પોતાની સીટ જાળવી રાખી છે. એટલું જ નહીં ભાજપ પાસેથી બે સીટ આંચકી લીધી છે. ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારોએ ડિપોઝિટ સુદ્ધા ગુમાવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી નિશિથ પ્રમાણિકના રાજીનામા બાદ ખાલી પડેલી ધિનાતા સીટ તૃણમૂલે 1.63 લાખ મતોથી જીતી છે.

મધ્ય પ્રદેશ: ભાજપની જીત, કોંગ્રેસે 31 વર્ષ પછી રૈગાંવ બેઠક જીતી
મધ્ય પ્રદેશમાં ભાજપે વિધાનસભાની બે સીટો કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. ખંડવા લોકસભા બેઠક ભાજપ પાસે યથાવત રહી છે. તો કોંગ્રેસે 31 વર્ષ પછી રૈગાંવ વિધાનસભા બેઠક ભાજપ પાસેથી જીતી છે.

અન્ય સમાચારો પણ છે...