તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • BJP Word Play Politics, Gupkar Gang Now After Piecemeal; Putting Rivals On The Defensive By Calling Them 'gangs' Special Story In Divya Bhaskar

ભાજપનું વર્ડ પ્લે પોલિટિક્સ:ટુકડે ટુકડે પછી હવે ગુપકાર ગેંગ; હરીફોને 'ગેંગ' કહીને બચાવની સ્થિતિમાં મૂકી દેવા અને પોતે આક્રમણ કરતાં જવું એ ભાજપની કાયમી ફાવટ

10 મહિનો પહેલાલેખક: ધૈવત ત્રિવેદી
  • કૉપી લિંક
  • લગભગ દર વર્ષે મોદી, શાહ વિરોધીઓ માટે એક નવા શબ્દ વાપરતા રહ્યા છે અને પછી ભાજપનું જબ્બર પ્રચારતંત્ર એ શબ્દને લોકજીભે ચડાવતું રહે છે
  • અવૉર્ડ વાપસી ગેંગથી ગુપકાર ગેંગ સુધીનાં એ વર્ડ પ્લેનાં મૂળિયાં ખરેખર તો ગુજરાતમાં નેવુંના દાયકાના ખજૂરિયા શબ્દ સુધી નીકળે છે

નવા વરસના આરંભે દેશની રાજનીતિએ એક નવા શબ્દને જન્મ આપ્યો છેઃ ગુપકાર ગેંગ. ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરમાં કાર્યરત વિવિધ રાજકીય પક્ષોના સંગઠનને ગુપકાર ગેંગ કહીને કોંગ્રેસના તેમાં જોડાવાની ઝાટકણી કાઢી એ સાથે ઠંડીની ચડતી મોસમમાં ગરમાવો આવી ગયો છે.

કાશ્મીરમાં સક્રિય રાજકીય પક્ષો નેશનલ કોન્ફરન્સ, પીડીપીએ રચેલા સંગઠનને ગેંગ કહીને અમિત શાહે વધુ એક વખત પ્રતિસ્પર્ધીઓને આડકતરી રીતે દેશદ્રોહી ગણાવી દીધા છે. આ ભાજપની કાયમી સ્ટ્રેટેજી રહી છે. અગાઉ પણ ગેંગ શબ્દ યોજીને ભાજપે વિરોધીઓને બચાવની સ્થિતિમાં મૂકી દીધા હતા.

ખજૂરિયાથી ગેંગ સુધીની ભાજપની વર્ડ પ્લે સ્ટ્રેટેજી
હરીફોને તુચ્છકાર સૂચક શબ્દો વડે લોકનજરમાં ઉતારી પાડવા એ ભાજપની રાજનીતિનો કાયમી હિસ્સો રહ્યો છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને તેમાં જોરદાર ફાવટ છે. ગુજરાત ભાજપમાં શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો અને પોતાના સમર્થક ધારાસભ્યોને ખજૂરાહો લઈ ગયેલા ત્યારે એ દરેકને ખજૂરિયા કહેવામાં આવતા હતા અને એ શબ્દ આજસુધી ગુજરાતના માધ્યમોમાં ચર્ચાતો રહ્યો છે.

જવાબમાં ખજૂરિયાઓએ ભાજપના કહ્યાગરાઓને જીહજુરિયા અને અદના કાર્યકરો માટે મજૂરિયા શબ્દ પણ વાપર્યો હતો. પરંતુ 'પહેલો ઘા રાણાનો' એ ન્યાયે વારંવાર સભાઓમાં ઉચ્ચારીને ભાજપના નેતાઓએ ખજૂરિયા શબ્દને લોકજીભે ચડાવી દીધો હતો. એ જ નીતિ મોદી અને અમિત શાહ હવે રાષ્ટ્રીય રાજનીતિમાં પણ આગળ વધારી રહ્યા છે, જેની શરૂઆત થઈ હતી અવૉર્ડ વાપસી ગેંગથી, જે આજે ટુકડે ટુકડે, જેએનયુ ગેંગ, ખાન માર્કેટ ગેંગથી આગળ વધીને ગુપકાર ગેંગ સુધી પહોંચી છે.

અવૉર્ડ વાપસી ગેંગ:
સમયઃ મે-જુન 2015
ઘટનાઃ દક્ષિણના સાહિત્યકાર અને કર્મશીલ એમ.એમ. કલબુર્ગીની હત્યા પછી કેટલાક સાહિત્યકારો, બુદ્ધિજીવીઓએ અસહિષ્ણુતાના મુદ્દે વિરોધ કરીને પોતાને મળેલા પુરસ્કારો પરત કર્યા હતા. મોદી સત્તા પર આવ્યા પછી એ પહેલો સૌથી મોટો અને દેશવ્યાપી અસર કરનારો વિરોધ હતો. બૌદ્ધિકોના એ વિરોધને ભાજપના પ્રચારતંત્રે 'અવૉર્ડ વાપસી ગેંગ' કહીને ખારિજ કરી દીધો હતો. સ્વયં વડાપ્રધાન મોદીએ પણ વિવિધ સભાઓ સંબોધતા આ શબ્દનો પ્રયોગ કરીને તેને વધુ ચલણી બનાવ્યો હતો.
નિશાન પર કોણ: ભાજપવિરોધી મનાતા લેખકો, કર્મશીલો, કલાકારો સહિતના બૌદ્ધિકો

ટુકડે ટુકડે ગેંગ
સમયઃ ફેબ્રુઆરી, 2016
ઘટનાઃ 2014માં ભાજપે કેન્દ્રમાં સત્તા મેળવી ત્યારથી લઈને આજસુધી સૌથી વધુ વિવાદાસ્પદ અને લોકજીભે ચડેલો શબ્દ છે. ભાજપની નીતિ-રીતિનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનું જૂથ કાશ્મીરમાં સૈન્ય દ્વારા દમન થઈ રહ્યું હોવાના મુદ્દે સૂત્રોચ્ચાર કરી રહ્યું હોવાનો વિડિયો વહેતો થયો હતો. આ મુદ્દો ભાજપે જોરશોરથી ચગાવ્યો હતો. મોદી, શાહ સહિતના ભાજપના દરેક સ્તરના નેતાઓએ, સમર્થકોએ ટ્વિટર પર, જાહેર સભાઓમાં અને ટીવી ચેનલ્સની ડિબેટમાં હરીફોને ટુકડેટુકડે ગેંગ કહીને ગદ્દાર સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

શાહીનબાગના પ્રદર્શનકારીઓ માટે પણ આ શબ્દપ્રયોગ થતો રહ્યો છે. જોકે સાંકેત ગોખલે નામના આરટીઆઈ એક્ટિવિસ્ટે ગૃહ મંત્રાલયને પૂછેલા સવાલોના જવાબમાં સ્વયં અમિત શાહ હસ્તકના ગૃહ મંત્રાલયે એવો જવાબ આપ્યો હતો કે ટુકડે ટુકડે નામની ગેંગનું કોઈ અસ્તિત્વ નથી.
નિશાન પર કોણ: કન્હૈયાકુમાર સહિતના ડાબેરી સંગઠનોના વિદ્યાર્થી નેતાઓ

અફઝલ ગેંગ અથવા જેએનયુ ગેંગ
સમયઃ માર્ચ, 2017
કારણઃ
જેએનયુ વિદ્યાર્થી સંઘના તત્કાલીન અધ્યક્ષ કન્હૈયાકુમારે યોજેલી સભામાં ભારતવિરોધી સૂત્રોચ્ચાર થયાનો આરોપ મૂકવામાં આવે છે. એ જ સભામાં સંસદભવન પર હુમલાના ગુનેગાર અને ફાંસીએ ચડાવી દેવાયેલા કાશ્મીરી અલગતાવાદી અફઝલ ગુરુના સમર્થનમાં પણ સૂત્રોચ્ચાર થયા હોવાનો આક્ષેપ થતો રહે છે. આ વિવાદમાં સંડોવાયેલા દરેકને ભાજપના નેતાઓ દ્વારા અફઝલ ગેંગ તો ક્યારેક જેએનયુ ગેંગ તરીકે સંબોધવામાં આવે છે.
નિશાન પર કોણઃ કન્હૈયાકુમાર, ઉમર ખાલિદ, અનિર્બાન ભટ્ટાચાર્ય વ. ડાબેરી વિદ્યાર્થી નેતાઓ

ખાન માર્કેટ ગેંગ અથવા લુટિયન્સ ગેંગઃ
સમયઃ મે, 2019
કારણઃ
વિભાજન વખતે પાકિસ્તાનથી આવેલા મુસ્લિમોના આશ્રય માટે આ વિસ્તાર ફાળવાયો હતો. લુટિયન્સ દિલ્હી (નવી દિલ્હી)ની લગોલગ આવેલા આ વિસ્તારમાં આજે દિલ્હીનું સૌથી મોંઘું અને ધમધમતું બજાર ગણાય છે. અહીંની કોફી શોપ્સમાં અંગ્રેજી માધ્યમમાં ભણેલા અને પોતાને લિબરલ ગણાવતા રાજકીય ચિંતકોની બેઠકો બહુ જાણીતી છે. આથી વડાપ્રધાન મોદીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું લોકપ્રિય હોઉં તો એ મારી 45 વર્ષની મહેનતનું પરિણામ છે, હું કોઈ ખાન માર્કેટ ગેંગ કે લુટિયન્સ ગેંગના સર્ટિફિકેટનો મોહતાજ નથી.
નિશાન પર કોણઃ ડાબેરી બુદ્ધિજીવીઓ

ગુપકાર ગેંગ
સમયઃ નવેમ્બર, 2020
કારણઃ બંધારણની વિવાદાસ્પદ કલમ 370 કેન્દ્ર સરકારે હટાવી દીધી અને જમ્મુ-કાશ્મીરનું વિભાજન કરી નાખ્યું, એ પછી કાશ્મીરની સ્વાયત્તતાના મુદ્દે કેટલાક રાજકીય પક્ષો એકજૂટ થયા હતા. આ પક્ષો શ્રીનગરના ગુપકાર રોડ સ્થિત ફારુક અબ્દુલ્લાના નિવાસસ્થાને એકઠા થયા હતા અને ત્યાં તેમણે કલમ 370 યથાવત કરીને કાશ્મીરની સ્વાયત્તતા જાળવી રાખવાની માગણી સંદર્ભે ઠરાવ કર્યો હતો. આ ઠરાવ ગુપકાર ડિક્લેરેશન તરીકે માધ્યમોમાં ઓળખાયો હતો.
નિશાન પર કોણઃ ફારુક, ઓમર, મહેબૂબા સહિત તમામ કાશ્મીરી નેતાઓ