ભાજપની રાષ્ટ્રીય કારોબારીની 2 દિવસની બેઠક 2-3 જુલાઇએ હૈદરાબાદમાં મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ બેઠકમાં જોડાશે. બેઠકનો મુખ્ય એજન્ડા મોદી સરકારનાં 8 વર્ષ પૂરા થવા પર દેશભરમાંથી મળેલા ફીડબેકનો સમીક્ષા અહેવાલ રજૂ કરવાનો છે. સાથે જ આ વર્ષે યોજાનારી ગુજરાત અને હિમાચલની વિધાનસભા ચૂંટણીની રણનીતિ પણ ઘડાશે.
કારોબારીમાં અંદાજે 300 લોકો ભાગ લેશે. સૂત્રોના જણાવ્યાનુસાર મોદી કારોબારીને 3 જુલાઇએ સંબોધશે અને તે સાંજે હૈદરાબાદમાં રેલી પણ યોજી શકે છે. 5 વર્ષ બાદ કારોબારીની બેઠક દિલ્હી બહાર મળી રહી છે. છેલ્લે 2017માં ભુવનેશ્વરમાં મળી હતી.
કારોબારીની બેઠક હૈદરાબાદમાં યોજવા પાછળ એવો તર્ક અપાય છે કે ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે પહેલીવાર તેલંગાણામાં 4 બેઠક જીતી હતી. હૈદરાબાદ મ્યુનિ. કોર્પો.ની ચૂંટણીમાં પણ ભાજપે સારી સફળતા મેળવી હતી. તે ચૂંટણીમાં ગૃહમંત્રી અમિત શાહે પ્રચાર કર્યો હતો. ભાજપ તેલંગાણામાં જનાધાર મજબૂત કરવા માગે છે. હિન્દુત્વના એજન્ડાને ધાર આપવા હૈદરાબાદની સ્થિતિ ભાજપને સૌથી સાનુકૂળ જણાઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.