• Gujarati News
  • National
  • BJP Want Up Assembly Elections Pm Narendra Modi Jewar Airport Foundation Stone western Up Election

મોદી સરકારનો નવો દાવ:જેવર એરપોર્ટનો શિલાન્યાસ પશ્ચિમ યુપીમાં ભાજપનું ફરી સેફ લેન્ડિંગ કરાવશે? શું ઉદઘાટન અને શિલાન્યાસથી UPમાં મળશે જીત?

8 દિવસ પહેલા
  • પૂર્વાંચલ, બુંદેલખંડ પછી હવે જેવર એરપોર્ટથી 'પશ્ચિમ યુપી' કબજે કરવા મોદી સરકારની કવાયત

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીની મુલાકાત વધારી દીધી છે. 15 વર્ષ પછી મળેલી સત્તાને મોદી સરકાર કોઈપણ રીતે જવા દેવા માગતી નથી. પૂર્વ ઉત્તરપ્રદેશમાં કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટના ઉદઘાટન, પૂર્વાંચલ એક્સપ્રેસ-વેના લોકાર્પણ અને બુંદેલખંડને વિવિધ યોજનાઓની ભેટ આપ્યા પછી હવે વડાપ્રધાન મોદીએ પશ્ચિમ યુપી પર કબજો કરવાનાં સોગઠાં ગોઠવ્યાં છે. નોઈડામાં જેવર એરપોર્ટનો શિલાન્યાસ એમાંનું જ એક પાસું માનવામાં આવે છે.

વડાપ્રધાન મોદીએ પહેલાં કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી અને હવે આજે નોઈડાના જેવરમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કરશે. 34 હજાર કરોડના ખર્ચે બનાવવામાં આવેલું આ એરપોર્ટ ઉત્તરપ્રદેશને ઔદ્યોગિક, આર્થિક અને પર્યટનના વિકાસ માટે ખૂબ મહત્ત્વનું સાબિત થશે. આ એરપોર્ટ દિલ્હી, નોયડા, ગાઝિયાબાદ, અલીગઢ, આગરા, ફરીદાબાદની આસપાસના વિસ્તારો માટે મોટી ભેટ સાબિત થશે.

જેવર એરપોર્ટ 1 લાખ લોકોને રોજગારી આપશે
અત્યારસુધી પશ્ચિમ યુપીના લોકોને હવાઈ મુસાફરી માટે દિલ્હી આવવું પડતું હતું, પરંતુ હવે તે લોકોને વધારે સમય બગાડવો નહીં પડે અને ટ્રાફિકની મુશ્કેલીઓ પણ સહન નહીં કરવી પડે. આ નવું ઈન્ટરનેશનલ એરપોર્ટ બની ગયા પછી હવે દિલ્હી એરપોર્ટ પર પણ લોકોનો ધસારો ઘટશે. અહીં ઈન્ટરનેશનલ એરપોર્ટ બનવાથી અંદાજે અન્ય 100 ઈન્ડસ્ટ્રીઝ, જેવી કે મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ, હોટલ-શોપિંગ મોલ, કન્વેન્શન સેન્ટર બનવાથી અંદાજે 1 લાખ લોકોને રોજગારી મળશે. જેવર એરપોર્ટથી પશ્ચિમ યુપીના અંદાજે 30 જિલ્લા સહિત હરિયાણાના ત્રણ જિલ્લાનો પણ વાયુવેગે વિકાસ થશે.

જેવર એરપોર્ટનો ડ્રાફ્ટ.
જેવર એરપોર્ટનો ડ્રાફ્ટ.

69 ફર્મને 146 હેક્ટર ઔદ્યોગિક જમીન અપાઈ
જેવર એરપોર્ટ નજીક 69 ફર્મને અંદાજે 146 હેક્ટર ઔદ્યોગિક જમીન આપવામાં આવી છે. બુલંદશહરના ખુર્જાને પૉટરી ઉદ્યોગ, અલીગઢના તાળા, મેરઠની કાતર અને સ્પોર્ટ્સ, મુરાદાબાદનો પિત્તળ ઉદ્યોગ, મુઝફ્ફરનગરનો ગોળ, સહારનપુરની કાષ્ઠ કળા જેવા વેપારનો ઘણો વિકાસ થશે. માત્ર દેશના જ નહીં, પરંતુ વિદેશી વેપારીઓને પણ ત્યાં આવવા-જવાની સુવિધા મળતાં યુપીનો વિકાસ ચોક્કસ છે.
વન અને પર્યાવરણ વિભાગના રાજ્યમંત્રી અનિલ શર્માનું કહેવું છે કે ઐતિહાસિક જેવર એરપોર્ટના કારણે પશ્ચિમ યુપીને વિશેષ લાભ મળશે. પશ્ચિમ યુપી માટે વિકાસના દરવાજા ખૂલી જશે. અહીં વેપાર-રોજગારી વધશે. બુલંદશહરના સાંસદ ડોક્ટર ભોલા સિંહનું કહેવું છે કે જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ એક ઐતિહાસિક ઉપલ્બધિ છે. એના નિર્માણથી માત્ર સુવિધાઓ જ નહીં, પરંતુ આર્થિક વિકાસ પણ વધશે. રોજગારી વધશે અને સાથે સાથે વેપારનો પણ વિકાસ થશે.

પશ્ચિમ યુપીના રાજકીય સમીકરણો
15 વર્ષ પછી બીજેપી 2017માં યુપીમાં સત્તામાં પરત ફરી છે. એમાં પશ્ચિમ યુપીનો પણ મહત્ત્વનો રોલ રહ્યો છે. ઉત્તરપ્રદેશની કુલ 403 સીટમાંથી 136 સીટ પશ્ચિમ યુપીમાં આવે છે. આ રીતે રાજ્યની એક તૃતીયાંશ સીટો આ વિસ્તારમાંથી આવે છે અને બીજેપી એમાંથી 80 સીટ જીતવામાં સફળ રહી છે.
2017 વિધાનસભા ચૂંટણીમાં પશ્ચિમ યુપીની કુલ 136 સીટમાંથી 109 સીટ બીજેપીએ જીતી હતી, જ્યારે 20 સીટ સપાને મળી હતી. કોંગ્રેસ બે સીટ અને બસપાએ ત્રણ સીટ જીતી હતી. જ્યારે એક સીટ આરએલડીએ જીતી હતી. જોકે આરએલડી પછી બીજેપી સાથે જોડાઈ ગઈ હતી. આ પ્રથા 2019ની લોકસભા ચૂંટણીમાં પણ ચાલુ રહી હતી, પરંતુ ખેડૂત આંદોલન પછી જાટ-મુસ્લિમ એકસાથે આવી ગયા અને આરએલડી-સપાનું ગઠબંધન ફરી એકવાર બીજેપીની ચિંતાનો વિષય બન્યો છે.

મોદીએ જ સંભાળી પશ્ચિમ યુપીની સુકાન
પશ્ચિમ યુપીની રાજનીતિને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ જાતે જ હવે 2022ની ચૂંટણીની કમાન સંભાળી છે. આ કડીમાં તેમણે પહેલા ખેડૂતોની નારાજગી દૂર કરવા કૃષિ કાયદા રદ કરવાનો માસ્ટક સ્ટ્રોક માર્યો હતો અને હવે પશ્ચિમ યુપીમાં યોજનાઓની ભેટ આપવાની શરૂઆત કરી છે. આ રીતે ભાજપને ફરી પશ્ચિમ યુપીમાં ભગવો લહેરાવાની આશા વધી ગઈ છે.

બીજેપી ચૂંટણી એજન્ડા સેટ કરવા માગે છે
ઉત્તરપ્રદેશમાં બીજેપી તેની રાજકીય સત્તા જાળવી રાખવા માટે વિપક્ષના વિરોધ હિન્દુત્વ, રાષ્ટ્રવાદ, ખેડૂત અને વિકાસના મુદ્દા ઊભા કરીને રાજકીય એજન્ડા સેટ કરી રહી છે. કૃષિ કાયદા રદ કર્યા પછી માનવામાં આવે છે કે હવે બીજેપીને પશ્ચિમ યુપીમાં ચૂંટણીના મેદાનમાં ઊતરવામાં સરળતા રહેશે. એની સાથે સાથે જેવર એરપોર્ટ અને પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં ફિલ્મસિટી અંતર્ગત મોટી યોજનાઓની ભેટ સત્તામાં પરત ફરવામાં સરળતા લાવી શકે છે.

હકીકતમાં આ વિસ્તારમાં ખેડૂતોનો દબદબો છે અને અહીંના ખેડૂતોએ કૃષિ કાયદામાં ખૂબ વિરોધ કર્યો હતો. બીજી બાજુ, મિહિર ભોજની પ્રતિમાના અનાવરણ દરમિયાન ગુર્જર સમાજે બીજેપી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. આ સંજોગોમાં એરપોર્ટ દ્વારા પશ્ચિમ યુપીમાં વિકાસની રાજનીતિ જ આગળની સફર સરળ બનાવી શકે છે.

પશ્ચિમ યુપીની આ સીટોનો સીધો લાભ મળશે બીજેપીને
ગૌતમબુદ્ધનગર જનપદના જેવરમાં બનતા આ એરપોર્ટના કારણે પશ્ચિમ યુપીના બુલંદશહર, ગાઝિયાબાદ, હાપડ, મેરઠ, અલીગઢ, ગૌતમબુદ્ધનગર, બાગપત, બિજનૌર, મુઝફ્ફરનગર, સહારનપુર, સંભલ, બદાયુ, મુરાદાબાદ, એટા, કાસંગજ, મૈનપુરી, મથુરા વગેરે વિસ્તારના લોકોને ખાસ લાભ થશે, તેથી ચૂંટણીમાં આ સીટ પર બીજેપીને પણ સીધો ફાયદો થશે એવું કહી શકાય. એ ઉપરાંત હરિયાણાથી જેવર સાથે જોડાયેલા સીધા જિલ્લા ફરીદાબાદ, પલવલ અને વલ્લભગઢના લોકોને પણ આ એરપોર્ટનો સીધો ફાયદો મળશે.

અન્ય સમાચારો પણ છે...