ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ભાજપે પ. બંગાળમાં દરેક બૂથ પર અત્યારથી જોર વધારતાં હિંસા વધી

કોલકાતાએક વર્ષ પહેલાલેખક: ધર્મેન્દ્રસિંહ ભદૌરિયા
  • કૉપી લિંક
  • ભાજપની સક્રિયતા વધી તો તૃણમૂલે પણ કમર કસી
  • ભાજપે દરેક બૂથ પર ઓછામાં ઓછો એક સભ્ય ગોઠવ્યો છે, તૃણમૂલના 10-10 કાર્યકર
  • રાજ્યમાં હાલ પક્ષપલટાનો દોર ચાલી રહ્યો છે, જે ભવિષ્યમાં તેજ થશે

કોલકાતાના મુક્તારામ બાબુ સ્ટ્રીટ સ્થિત રામ મંદિર ચોકથી થોડા આગળ મુખ્ય માર્ગે શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમા લગાવાઈ છે. તેની આગળ અને પાછળની દુકાનોમાં તૃણમૂલના ચૂંટણી ચિહ્નો ધરાવતા ઝંડા ફરકી રહ્યા છે. સ્થાનિક ભાજપ સમર્થક બિક્રમ દાસ કહે છે કે, અમે અહીં ભાજપના ઝંડા લગાવવા ઈચ્છીએ છીએ, પરંતુ તૃણમૂલ કાર્યકરો વારંવાર તે હટાવી દે છે.

બંગાળમાં આવા અનેક ઉદાહરણો છે. અહીં મોટા ભાગના સ્થળોએ તૃણમૂલ અને ભાજપ સમર્થકો આમનેસામને એક જ ઘરમાંથી મત મેળવવા ઝઝૂમી રહ્યા છે. રાજ્યના અનેક હિસ્સામાં આ સંઘર્ષે હિંસક રૂપ ધારણ કર્યું છે.

તૃણમૂલ દરેક બૂથ પર 10 કાર્યકરની નિમણૂક કરી ચૂકી છે, જ્યારે ભાજપે અત્યાર સુધી 81 હજારમાંથી 65 હજાર બૂથ પર ઓછામાં ઓછો એક કાર્યકર તહેનાત કર્યો છે. તમામ દાવા અને તૈયારી વચ્ચે તૃણમૂલ એકમાત્ર મમતાના ચહેરાના ભરોસે છે, તો ભાજપ મુખ્યમંત્રી વિના ફક્ત મોદીના નામે ચૂંટણી લડી રહ્યા છે.

આ દાવા-પ્રતિદાવા વચ્ચે કોંગ્રેસ અને ડાબેરીઓ મુખ્ય મુકાબલામાંથી બહાર દેખાઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીની હાલની સ્થિતિની વાત કરતા એક વરિષ્ઠ પત્રકાર કહે છે કે, ‘2006માં એ સ્પષ્ટ હતું કે, તૃણમૂલ આગળ વધશે, પરંતુ બુદ્ધદેવ ભટ્ટાચાર્ય જ મુખ્યમંત્રી બન્યા. 2011માં સિંગુર-નંદીગ્રામ આંદોલનના કારણે તૃણમૂલે મોટી જીત હાંસલ કરી, પરંતુ અત્યારે એવું નથી. આ વખતે સત્તા કોને મળશે એ વિશે કશું ના કહી શકાય.’

રવિન્દ્ર ભારતી યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર અને રાજકીય વિશ્લેષક વિશ્વનાથ ચક્રવર્તી કહે છે કે, ‘લોકસભાની ચૂંટણીમાં ભાજપે 18 બેઠક જીતી હતી. બાદમાં બિહારમાં એનડીએની સરકાર બની. તેનાથી અહીંના ભાજપના કાર્યકરોનું મનોબળ વધ્યું. હવે આગળ કોંગ્રેસ અને ડાબેરીઓનો આધાર તૂટતો દેખાઈ રહ્યો છે.

આગામી દિવસોમાં તૃણમૂલ, કોંગ્રેસ અને ડાબેરીઓમાં ફાટફૂટ વધશે. એક વરિષ્ઠ તૃણમૂલ નેતા અને રાજ્યના મજબૂત મંત્રીઓ સહિત અનેક નેતાઓ ભાજપમાં જોડાશે એવું પણ કહેવાઈ રહ્યું છે. જો શુભેન્દુ અધિકારી ભાજપમાં જાય છે, તો અનેક ધારાસભ્યો તેમની સાથે જઈ શકે છે.’

રાજ્યના મુદ્દાને લગતા સવાલ પર પ્રો. ચક્રવર્તી કહે છે કે, ભાજપ તૃણમૂલના ભ્રષ્ટાચાર, સીએએ-એનઆરસી, બેકારી જેવા મુદ્દાની વાત કરે છે. જ્યારે તૃણમૂલ સ્થાનિક વિરુદ્ધ બહારી અને કેન્દ્રના ભેદભાવની વાત કરે છે. હવે ધ્રુવીકરણ વધી રહ્યું છે. એટલે ભાજપનો કોઈ પણ નેતા અહીં આવે તો મંદિરોમાં જાય છે.

તૃણમૂલ નેતાઓનું ભાજપમાં સ્વાગત જારી, ઉપાધ્યક્ષે કહ્યું- કચરો સાફ થઈ રહ્યો છે
તૃણમૂલ, કોંગ્રેસ અને ડાબેરીઓના 100થી વધુ નેતાઓ ભાજપમાં જોડાઈ શકે છે. પાર્ટીના રાજ્ય પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ દરેક વિધાનસભા બેઠકની બે વાર મુલાકાત લીધી છે. તેઓ કહે છે કે, 81 હજારમાંથી 65 હજાર પોલિંગ બૂથો પર ભાજપે કાર્યકરો નિમ્યા છે.

તૃણમૂલ નેતાઓ ત્રસ્ત થઈને ભાજપમાં આવવા ઈચ્છે છે. એટલે અમે તેમનું સ્વાગત કરીશું. બીજી તરફ, તૃણમૂલ ઉપાધ્યક્ષ પ્રો. સૌગત રોય કહે છે કે, અમે ચૂંટણીના બે મહિના પહેલા ઉમેદવારો જાહેર કરીશું. અમારા 218 ધારાસભ્ય છે, બે-ચારથી વધુ લોકો પક્ષ છોડીને નહીં જાય. થોડા લોકો જવાથી કચરો સાફ થઈ રહ્યો છે.

125 બેઠક પર મુસ્લિમ મતની અસર, હવે ઓવૈસી અને સિદ્દિકીની એન્ટ્રીની પણ તૈયારી
બંગાળમાં 125 બેઠક પર 20%થી વધુ મુસ્લિમ મતદાર છે. 43 બેઠક એવી છે, જ્યાં 50%થી વધુ મુસ્લિમ મત છે. અસદુદ્દીન ઓવૈસીનો પક્ષ એઆઈએમઆઈએમ અને મૌલાના અબ્બાસ સિદ્દિકી અહીં ઉમેદવાર જાહેર થવાની તૈયારીમાં છે.

રાજકીય વિશ્લેષક દિવ્યજ્યોતિ બસુ કહે છે કે, ‘ઓવૈસી અને સિદ્દિકીના ચૂંટણીમાં ઉતરવાથી ભાજપને ફાયદો થશે કારણ કે, મુસ્લિમો તૃણમૂલની મજબૂત મત બેંક છે અને તે તૂટશે. રાજ્યમાં ઓવૈસીથી વધુ સિદ્દિકીનો પ્રભાવ છે.’ જોકે, શહેરી વિસ્તારોમાં ઓવૈસીની થોડી અસર જરૂર હોઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...