મહારાષ્ટ્રમાં રાજકારણનું સ્તર દિવસે ને દિવસે આક્રમક બની રહ્યું છે. NCP ચીફ શરદ પવાર વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ પોસ્ટ કરવા બદલ તેમની પાર્ટીના કાર્યકરોએ રવિવારે ભાજપના પ્રદેશ પ્રવક્તાને થપ્પડ મારી દીધી હતી અને મારપીટ કરી હતી. મહારાષ્ટ્રમાં ભાજપના પ્રવક્તા વિનાયક આંબેકરે આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકોએ તેની ઓફિસમાં ઘૂસીને તેને ધમકાવીને માર માર્યો હતો. આંબેકરની ફરિયાદ પર NCPના 4 કાર્યકર સામે કેસ નોંધવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
પાટીલે કહ્યું- NCPનાં ગુંડાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ
મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે પાર્ટીના પ્રવક્તા આંબેકર પર હુમલાની ઘટનાની સખત નિંદા કરી છે. પાટીલે થપ્પડ મારતો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. તેમણે લખ્યું છે કે મહારાષ્ટ્ર પ્રદેશ બીજેપી પ્રવક્તા વિનાયક આંબેકર પર NCPના ગુંડાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને BJP તરફથી હું આ હુમલાની સખત નિંદા કરું છું. NCPના આ ગુંડાઓ પર તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ.
વીડિયોમાં NCP કાર્યકર થપ્પડ મારતો જોવા મળ્યો
જે વીડિયો સામે આવ્યો છે તેમાં કેટલાક લોકો બીજેપી નેતા વિનાયક આંબેકર સાથે દલીલ કરતા જોઈ શકાય છે. તેઓ ખુરશી પર બેઠા છે અને પોતાનો ફોન બતાવીને કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલામાં એક વ્યક્તિ તેમને થપ્પડ મારે છે. તે NCPનો કાર્યકર હોવાનું કહેવાય છે.
મરાઠી અભિનેત્રી પર કાળી શાહી અને ઈંડાં પણ ફેંકવામાં આવ્યાં હતાં
શનિવારે મરાઠી અભિનેત્રી કેતકી ચિતલે અને એક વિદ્યાર્થી નિખિલ ભામરેની શરદ પવાર પર વાંધાજનક પોસ્ટ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રની એક કોર્ટે અભિનેત્રીને 18 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી છે. થાણે ક્રાઈમ બ્રાન્ચે ચિતલેની ધરપકડ કરી હતી, જ્યારે ભામરેની નાસિકમાં ધરપકડ કરવામાં આવી હતી. ચિતલે પર માનહાનિ અને લોકોમાં દુશ્મનાવટ ફેલાવવાનો આરોપ છે. ધરપકડ પછી NCPનાં કાર્યકર્તાઓએ કેતકી પર કાળી શાહી અને ઈંડા ફેંક્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.