તમિલનાડુની સ્ટાલિન સરકારના એક આદેશથી રાજ્યમાં નવો વિવાદ ઊભો થયો છે. મયિલાદુથુરાઇ જિલ્લા વહીવટીતંત્રે ધર્મપુરમ અધીનમ મઠના સ્વામીને પાલખીમાં લઇ જવાની પ્રથા પર રોક લગાવી છે. તેના માટે કાનૂન વ્યવસ્થા તેમજ માનવાધિકાર ઉલ્લંઘનનો હવાલો આપવામાં આવ્યો છે. જોકે મઠે આ નિર્ણયનો વિરોધ કરતા તેને રાજકારણથી પ્રેરિત પગલું કહ્યું છે.
વાસ્તવમાં, ધર્મપુરમ અધીનમ શૈવ મઠવાસી સંસ્થા છે. તેના 27માં પ્રમુખ માસિલામણિ દેસિકા પરમચાર્ય સ્વામીગલને 22 મેના રોજ ‘પટ્ટિના પ્રવેશમ’માં સામેલ થવાનું હતું. તેમાં ભક્તો અધીનમ પ્રમુખને પાલખીમાં બેસાડીને લઇ જાય છે. તેની સાથે હજારો ભક્તો પણ જોડાય છે. મદુરાઇ અધીનમ મઠના 293માં ધર્મગુરુ શ્રી ધનસમંથા દેસિક પરમાચાર્ય સ્વામીગલે કહ્યું કે, આ રોક રાજ્યપાલના પ્રવાસ બાદ 27 એપ્રિલના રોજ લગાવાઇ છે. અમે ‘પટ્ટના પ્રવેશમ’ દરેક રીતે યોજાય, એ ચોક્કસપણે સુનિશ્વિત કરીશું, પછી ભલે ને મૃત્યુ પણ થઇ જાય.
સ્વામીગલે સરકારને અપીલ કરી હતી કે આ સદીઓ જૂની પરંપરા સાથે કોઇ બાંધછોડ ના કરી શકાય. હું મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનને અનુમતિ આપવા માટે અપીલ કરું છું. જો આવું શક્ય નહીં બને, તો તો હું સ્વયં પાલખી યાત્રામાં જોડાઇશ.
મયિલાદુથુરાઇના આરડીઓએ ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આયોજનની અનુમતિ નહીં અપાય. કેટલાક જૂથો વિરોધ કરી રહ્યા છે. તેનાથી કાનૂન-વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે. આ પહેલાં 20 એપ્રિલે મઠ પહોંચેલા રાજ્યપાલ આર.એન. રવિનો વિવિધ પક્ષો જેમ કેમ વીસીકે, સીપીઆઇ, સીપીએમ, ડીવીકે, એસડીપીઆઇએ વિરોધ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.