મોદીને ઘમંડી કહેનાર મલિક એકલા નથી:જાણો આ પહેલાં અણ્ણા હઝારે, સુબ્રહ્મણ્યમ સ્વામી, કેશુભાઈ સહિત કોણે કોણે ક્યારે મોદીને કહ્યા ઘમંડી

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકનો એક વીડિયો આજે ખૂબ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે વડાપ્રધાન મોદીને ઘમંડી કહ્યા છે. આ વાઇરલ વીડિયોમાં મલિક કૃષિ કાયદાનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન મોદીને ઘમંડી કહી રહ્યા છે. મલિકનો આ વીડિયોને હવે કોંગ્રેસ પણ શેર કરી રહી છે અને વડાપ્રધાન સહિત બીજેપી પર આકરા પ્રહાર કરી રહી છે. જોકે આજે પહેલીવાર એવું નથી કે કોઈએ મોદીને ઘમંડી કહ્યા હોય. આ પહેલાં પણ સમાજસેવક અણ્ણા હઝારે, બીજેપી નેતા સુબ્રહ્મણ્યમ સ્વામી, બીજેપીના સિનિયર નેતા કેશુભાઈ પટેલે પણ મોદીને ઘમંડી કહ્યા હતા. નવાઈની વાત એ છે કે સત્યપાલ મલિક પણ ઘણાં વર્ષો સુધી બીજેપી સાથે જોડાયેલા હતા અને હવે તેમણે પણ મોદીને ઘમંડી કહ્યા છે.

નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદનો ઘમંડ, મારા એકપણ પત્રનો જવાબ ના આપ્યો: અણ્ણા હઝારે

મહારાષ્ટ્રના અણ્ણા હઝારે 2011માં દિલ્હીમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટું આંદોલન કરી સમગ્ર દેશમાં ચર્ચામાં આવેલા.
મહારાષ્ટ્રના અણ્ણા હઝારે 2011માં દિલ્હીમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટું આંદોલન કરી સમગ્ર દેશમાં ચર્ચામાં આવેલા.

સામાજિક કાર્યકર્તા અણ્ણા હઝારેએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને તેમના પદનું અભિમાન છે અને એને કારણે તેઓ તેમનામાં જ ડૂબેલા રહે છે. 2011માં દિલ્હીમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટું આંદોલન કરી સમગ્ર દેશમાં ચર્ચામાં આવેલા મહારાષ્ટ્રના અણ્ણા હઝારેએ જાન્યુઆરી 2018માં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને તેમના વડાપ્રધાન બન્યા પછી છેલ્લાં ત્રણ વર્ષમાં મેં તેમને 30થી વધારે પત્ર લખ્યા છે, પરંતુ તેમને પદનું એટલું અભિમાન છે કે આજ સુધી તેમણે મને એકપણ પત્રનો જવાબ નથી આપ્યો.

BJP સાંસદ સ્વામીએ કહ્યું- ઘમંડી છે મોદી સરકાર

પોતાના વિવાદાસ્પદ નિવેદનોથી હંમેશાં ચર્ચામાં રહેનાર બીજેપી સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ ઘણીવાર મોદી સરકારની નીતિઓની નિંદા કરી છે. ખાસ કરીને મોદી સરકારની ડિસઈન્વેસ્ટમેન્ટ સ્કીમ, ખાનગીકરણ અને વિદેશનીતિની ઘણી નિંદા કરી છે. તેઓ આ વિશે ઘણીવાર ટ્વીટ પણ કરે છે. આ જ રીતે થોડા સમય પહેલાં જ ઓક્ટોબર 2021માં સ્વામીએ મોદી સરકારની અર્થવ્યવસ્થા અને વિદેશનીતિને નિષ્ફળ ગણાવી હતી. સ્વામીએ એવું પણ કહ્યું હતું કે હું મદદ કરવા તૈયાર છું, પરંતુ એમાં મોદી સરકારનો ઘમંડ નડે છે. સ્વામીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે લદાખ મુદ્દે આપણી નિષ્ફળતા આપણી રક્ષાનીતિની અત્યારસુધીની સૌથી મોટી નિષ્ફળતા છે.

સ્વામી મોદી સરકાર વિરુદ્ધ આવી ઘણીવાર ટ્વીટ કરે છે

મોદી નંબર વન છે, પણ ઘમંડ અને ડ્રામેબાજીમાં- કેશુભાઈ પટેલ
ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી કેશુભાઈ પટેલને હટાવીને પહેલીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે કેશુભાઈએ કહ્યું હતું કે 10 વર્ષની મહેનત પછી પાર્ટી પહેલીવાર બીજેપીમાં આવી અને પાર્ટીએ મને મુખ્યમંત્રીની ખુરશી આપી હતી. જોકે હવે મેં એ પદ છોડી દીધું છે અને નવા મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીનો સ્વીકાર કરી લીધો છે, કારણ કે મારા માટે ખુરશી નહીં પણ પાર્ટી મહત્ત્વની છે. હાલના સમયે ગુજરાતને એક અહંકારીએ હાઈજેક કરી લીધું છે. કેશુભાઈએ કહ્યું હતું કે મોદી નંબર વન છે, પણ ઘમંડ અને ડ્રામેબાજીમાં. ત્યારે તેમણે દાવો કર્યો હતો કે 2012ની ચૂંટણીમાં તેઓ સંપૂર્ણ રીતે મોદીની વિરુદ્ધમાં કામ કરશે.

કેશુભાઈએ દાવો કર્યો હતો કે 2012ની ચૂંટણીમાં તેઓ સંપૂર્ણ રીતે મોદીની વિરુદ્ધમાં કામ કરશે.
કેશુભાઈએ દાવો કર્યો હતો કે 2012ની ચૂંટણીમાં તેઓ સંપૂર્ણ રીતે મોદીની વિરુદ્ધમાં કામ કરશે.

ખેડૂત આંદોલન મુદ્દે વડાપ્રધાનને મળવા ગયો, તો 5 મિનિટમાં જ ઝઘડો થઈ ગયો: રાજ્યપાલ સત્યપાલ મલિક
મેઘાલયના ગવર્નર સત્યપાલ મલિકે કહ્યું હતું કે હું ખેડૂતોના મુદ્દે વડાપ્રધાન મોદીને મળવા ગયો હતો. ત્યાં મારે 5 જ મિનિટમાં તેમની સાથે ઝઘડો થઈ ગયો હતો. વડાપ્રધાન બહુ ઘમંડી છે. જ્યારે મેં તેમને કહ્યું કે 500 ખેડૂતો મરી ગયા છે, તો તેમણે સામે સવાલ કર્યો, મારા માટે મર્યા છે? તો મેં તેમને કહ્યું કે- તમે રાજા બન્યા છો એટલે તમારા માટે જ મર્યા છેને. ત્યાં તેમની સાથે વાત શરૂ કર્યાને 5 જ મિનિટમાં મારે તેમની સાથે ઝઘડો થઈ ગયો.

વિપક્ષના રાહુલ-સોનિયા ગાંધી પણ મોદીને કહી ચૂક્યા છે ઘમંડી
હાલ કોંગ્રેસના વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ 2015માં નાગાલેન્ડ શાંતિ સમજૂતી પર નરેન્દ્ર મોદી સરકારની નિંદા કરીને તેમના પર આરોપ લગાવ્યા હતા કે પૂર્વોત્તરના મુખ્યમંત્રીઓ સાથે આ વિષય પર ચર્ચા-વિચારણા જ કરવામાં આવી નથી. આ સરકારે બધાને સાથે લઈને ચાલવાની વાત કરી હતી અને એવું પણ કહ્યું હતું કે તેઓ બધા સાથે ચર્ચા-વિચારણા કરશે અને મુખ્યમંત્રીનાં સૂચનો પણ લશે, પરંતુ એવું કશું થયું નથી. આ મોદી સરકારનો અહંકાર દર્શાવે છે.

રાહુલ ગાંધીએ કોરોનાની બીજી લહેર દરમિયાન મે 2015માં પીટીઆઈને દેશમાં કોરોનાની સ્થિતિ વિશે એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશમાં કોરોનાની બીજી લહેર વડાપ્રધાન મોદીને કારણે આવી છે. વડાપ્રધાન કેન્દ્રીયકૃત, વ્યક્તિગત સરકારી મશીનરી ચલાવી રહ્યા છે. આ ઈન્ટરવ્યુમાં રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું હતું કે મોદી સરકાર ઘમંડી છે, વાસ્તવિકતાની જગ્યાએ ધારણા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ કોવિડ-19ની બીજી લહેર નહીં, સુનામી છે, જેણે બધું બરબાદ કરી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...