કેન્દ્રિય રાજ્ય મંત્રી અને લખનઉના બીજેપી સાંસદ કૌશલ કિશોરના ભત્રીજા નંદકિશોરે આત્મહત્યા કરી દીધી છે. નંદકિશોર પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈને જીવનનો અંત લાવ્યો હતો. પોલીસ હાલમાં આપઘાતનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલો લખનઉના દુબગ્ગા વિસ્તારના બિગરિયાનો છે.
કેન્દ્રિય શહેરી વિકાસ રાજ્યમંત્રી અને લખનઉના મોહનલાલગંજ સીટ પરથી બીજેપી સાંસદ કૌશલ કિશોરની ભત્રીજા નંદકિશોરે આપઘાત કરી લીધો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસમાં લાગી છે.
અગાઉ પણ કેન્દ્રિય મંત્રી માર્ચ 2021માં ચર્ચામાં આવ્યા હતા
આની પહેલા પણ કેન્દ્રિય મંત્રી કૌશલ કિશોર ચર્ચામાં આવ્યા હતા. માર્ચ 2021માં તેમની વહુ અંકિતાએ પણ સુસાઈડ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમની વહુ અંકિતાએ તેમના ઘરની બહાર જ પોતાના હાથની નસ કાપી લીધી હતી. તેણે આપઘાત કરવાનો પ્રયાસ કરતા પહેલા વીડિયો પણ બનાવ્યા હતો. જેમાં તેણે પોતાના પતિ આયુષને જણાવ્યું હતું કે 'હું કોઈનાથી લડી શકું તેમ નથી. કારણ કે તારા પપ્પા સાંસદ છે અને મા ધારાસભ્ય છે. મારી વાત કોઈ સાંભળશે જ નહિ. આજ સુધી કોઈને પણ તને હાથ પણ લગાવવા દીધો નથી. તો પછી હું કેવી રીતે તને મારી શકું? તે કેટલું ખોટું બોલ્યું છે, તે અને તારા ઘરના લોકોએ મારું જીવવું હરામ કરી દીધું છે.'
તેણે આગળ પણ વધુ કહ્યું હતું કે 'ઘરનું ભાડુ નથી આપ્યું, ગેસ સિલિન્ડર પણ ભરાવ્યો નથી, ત્યારે એકપણ વિચાર ના આવ્યો કે હું શું ખાઈશ. જો તું મારી પાસે નહિ આવ, મારે પણ રહેવું નથી, હું જઈ રહી છું. તું મને યાદ રાખીશ અને વિચારીશ કે મારાથી વધુ ચાહનાર તને કોઈ નહોતું. મારા મરવાનું કારણ તું અને તારા ઘરવાળા છે, હું જઈ રહી છું.'
હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાતમાં છે
એકતરફ તેમના ભત્રીજાએ ગળંફાંસો ખાઈ લીધો હતો. તો બીજીતરફ કૌશલ કિશોર ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાતમાં છે. તેઓ હાલ પાટણમાં ચૂંટણી વિશે હાલ જાણવા આવ્યા છે. તેમણે જ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આ વિશે જાણ કરી હતી. તેમણે પોતાની ટ્વિટમાં જણાવ્યું હતું કે 'હું ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાતના પાટણમાં આવ્યો છું, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાનુમતી બેન મકવાણા અને વિજયકુમાર મકવાણા જી, રાજસ્થાનના પૂર્વ મંત્રી અને હાલમાં જાલોરના માનનીય ધારાસભ્ય જોગીન્દર ગર્ગજી અને પક્ષના મુખ્ય અધિકારી અને કાર્યકર ભાઈઓએ ઉષ્માભેર આવકાર આપ્યો હતો. તમામ સાથે મીટીંગ કરી હતી અને તેમનો પરિચય આપીને ચૂંટણીનો માહોલ જાણ્યો હતો અને આગળની રણનીતિ અંગે ચર્ચા કરી હતી.'
શ્રદ્ધા વોકર કેસમાં પણ ચર્ચામાં આવ્યા હતા
કેનદ્રિય મંત્રી કૌશલ કિશોર હાલમાં જ શ્રદ્ધા વોકર કેસમાં નિવેદન આપવાના કારણે ચર્ચામાં આવ્યા હતા. તેમણે લિવ-ઇન-રિલેશનશિપને ખોટું ગણાવીને છોકરીઓને સલાહ આપી હતી. બિહારના ગયામાં કૌશલ કિશોરે શ્રદ્ધા મર્ડર કેસ પર કહ્યું હતું કે આ ખોટું છે. કોઈએ પણ લિવ-ઇન-રિલેશનશિપમાં રહેવું જોઈએ નહિ. જે છોકરીઓ લિવ-ઇન-રિલેશનશિપમાં જાય છે, તેમણે કોર્ટમાં પેપર બનાવીને રહેવુ જોઈએ. જો કોઈ છોકરા સાથે રહેવુ હોઈ, તો લગ્ન કરીને રહેવુ જોઈએ. લિવ-ઇન-રિલેશનશિપ તો એક દોસ્તીની રીતે છે, જે થોડા દિવસ ચાલે છે. અને પછી તૂટી જાય છે. પછી છોકરીઓ લગ્ન માટે દબાણ કરે છે, અને પછી આવી ઘટનાઓ બને છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે આ હત્યાકાંડ પાછળ કોઈને કોઈ કારણ જરૂરથી હશે. છોકરીઓને અનુરોધ છે કે તેમણે આ બધાથી બોધપાઠ લેવો જોઈએ. આમ તો ભણેલી છોકરીઓ લિવ-ઇન-રિલેશનશિપમાં વધુ જાય છે. આ ઘટનાઓથી તેમણે અને જે ભણેલી છોકરીઓ નથી, તેમણે આમાંથી સીખ લેવી જોઈએ. પોતાના માતા-પિતાની મરજીથી જ કોઈની સાથે રહેવુ જોઈએ. આ લિવ-ઇન-રિલેશનશિપ પર રોક લગાવવી જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.