• Gujarati News
  • National
  • BJP Minister And Congress MP Clash On Stage, Mic Pulled, Police Officers Rushed To The Spot

કર્ણાટકમાં CMના કાર્યક્રમમાં ધબાધબી:ભાજપના મંત્રી અને કૉગ્રેસના સાંસદ વચ્ચે સ્ટેજ પર લડાઈ, માઈક ખેંચાયાં, પોલીસ અધિકારીઓ દોડી દોડીને પહોંચ્યા

17 દિવસ પહેલા

કર્ણાટકના રામનગરમાં મુખ્યમંત્રી બસવરાજ બોમ્બઈના કાર્યક્રમમાં જોવા જેવી થઈ. ચાલુ કાર્યક્રમમાં સ્ટેજ પર ભાજપના મંત્રી અને કૉંગ્રેસના સાંસદ સામસામે આવી ગયા. મંત્રી સીએન અશ્વથ નારાયણે આક્રમક અંદાજમાં ફટકાબાજી કરતાં કૉંગ્રેસના સાંસદ ડી. કે. સુરેશ ઉભા થઈ ગયા. મુખ્યમંત્રી અને અન્ય નેતાઓ સ્ટેજ પર હોવા છતાં સાસંદ ઉભા થઈને ભાષણ કરી રહેલા મંત્રી અશ્વથ નારાયણ સુધી ધસી ગયા. જોતજોતામાં બન્ને વચ્ચે સ્ટેજ પર જ તૂ તૂ મૈં મૈં થવા લાગી. આ દરમિયાન કાર્યક્રમમાં હાજર પોલીસ અધિકારી પણ દોડતાં દોડતાં સ્ટેજ પર પહોંચી ગયા. આ તરફ સ્ટેજ પર હાજર નેતાઓ પણ ઉભા થઈ ગયા અને મામલો થાળે પાળવા લાગ્યા. ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને કેંપેગૌડાના મૂર્તિના અનાવરણ કાર્યક્રમ વખતે આ ઘટના બની.

મીડિયા રિપોર્ટ મુજબ અશ્વથ નારાયણ રામનગરમાં થઈ રહેલા વિકાસના કાર્યો અંગે ભાષણ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ હાજર લોકોને વેધક સવાલ પણ કરી રહ્યા હતા. એટલું જ નહીં વિકાસના કાર્યોમાં બાધા નાખતા હોવાનો કૉંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો. આ જ કારણે સાંસદ ડી..કે સુરેશના સમર્થકોએ હોબાળો શરૂ કર્યો હતો. જેના કારણે મંત્રીના ભાષણમાં વિક્ષેપ પડ્યો હતો. આ પછી સાંસદ ડી.કે. સુરેશ પણ પોતાની ખુરશી પરથી ઉભા થઈને મંત્રી પાસે પહોંચ્યા અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. આ દરમિયાન કૉંગ્રેસના ધારાસભ્ય પણ પહોંચી ગયા અને માઈક ખેંચવાનો પ્રયાસ કર્યો. જો કે મામલો વધુ બિચકે એ પહેલા પોલીસ અધિકારીએ અને નેતાઓએ વચ્ચે પડીને બાજી સંભાળી લીધી.