તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • BJP Leader Smriti Irani Now In Political Affairs Committee Know Every Thing About Smriti Irani Model To Minister

સ્મૃતિનું હવે સત્તાવાર રાજકીય વજન વધ્યું:પોલિટિકલ અફેર્સની મહત્ત્વની કમિટીમાં સૌથી નાની ઉંમરનાં મંત્રી, જાણો 18 વર્ષની રાજકીય કારકિર્દીમાં કેટલું વધ્યું કદ

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડલથી કરિયરની શરૂઆત કરી હતી, એક સમયે રેસ્ટોરાંમાં ફર્શ પણ સાફ કરી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી ટર્મમાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ કરી દીધું છે. સરકારના નવા મંત્રીમંડળમાં ઘણા યુવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યુવા નેતાઓ સામેલ થતાં જ મોદી મંત્રીમંડળમાં સૌથી યુવા સ્મૃતિ ઈરાનીનો રેકોર્ડ ભલે છીનવાઈ ગયો હોય, પરંતુ તેના રાજકીય કદમાં ચોક્કસ વધારો થયો છે. નવા મંત્રીમંડળમાં સ્મૃતિ ઈરાનીને મહિલા અને બાળવિકાસ મંત્રાલય આપવામાં આવ્યું છે. આ સાથે સાથે મંત્રીમંડળના વિસ્તરણના એક સપ્તાહ પછી જ જાહેર કરવામાં આવેલી કેબિનેટ કમિટીમાં પણ સ્મૃતિ ઈરાનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનો પોલિટિકલ અફેર્સ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારની કબિનેટ કમિટીમાં પોલિટિકલ અફેર્સ કમિટીને ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે. આમ, 2003થી રાજકીય સફરની શરૂઆત કરનાર સ્મૃતિ ઈરાનીનું કદ દિવસે ને દિવસે રાજકારણમાં વધતું ગયું છે. તો આવો, જાણીએ મોડલથી મંત્રી સુધીની કારકિર્દી ધરાવતી સ્મૃતિ ઈરાનીની સફર વિશે...

પોલિટિકલ અફેર્સ કમિટીમાં સ્મૃતિને સ્થાન
મોદી સરકારની બીજી ટર્મમાં પહેલા મંત્રીમંડળના વિસ્તરણ પછી આજે 8 અલગ અલગ કમિટી જાહેર કરવામાં આવી છે. આ કમિટીમાં સ્મૃતિ ઈરાનીને પોલિટિકલ અફેર્સ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ કેબિનેટમાં સ્મૃતિ ઇરાની સિવાય સર્વાનંદ સોનોવાલ, ગિરિરાજ સિંહ, મનસુખ માંડવિયા, ભૂપેન્દ્ર યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ચાલતી હોય છે. રાજકારણમાં પોલિટિકલ અફેર્સ કમિટીને મહત્ત્વની માનવામાં આવે છે.

કમિટીમાં સૌથી નાની ઉંમર સ્મૃતિની
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંચાલિત પોલિટીકલ અફેર્સ કમિટીમાં સ્મૃતિ ઈરાની સહિત અન્ય 4 કેબિનેટ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પાંચ મંત્રીઓમાં સ્મૃતિ ઈરાની સૌથી નાની ઉંમરના મંત્રી છે. કમિટીના આ નેતાઓમાં સ્મૃતિ ઈરાનીની ઉંમર 45 વર્ષ, ગુજરાત મૂળના મનસુખ માંડવિયાની ઉંમર 49 વર્ષ, ભુપેન્દ્ર યાદવની ઉંમર 52 વર્ષ, આસામના સર્બાનંદ સોનોવાલની ઉંમર 58 વર્ષ અને ગીરીરાજ સિંહની ઉંમર 68 વર્ષ છે. આમ આ કમિટીમાં સૌથી નાની ઉંમર સ્મૃતિ ઈરાનીની છે. આમ, સ્મૃતિ ઈરાની તેની રાજકીય સફરના 18 વર્ષની સફરમાં જ રાજનીતિમાં સૌથી મહત્વની માનવામાં આવતી પોલિટીકલ અફેર્સ કમિટીમાં સામેલ થઈ ગઈ છે.

એક સમયે 200 રૂપિયા માટે પણ કામ કર્યું છે સ્મૃતિએ
સ્મૃતિ ઈરાની મોદી સરકારમાં ધારદાર અને લોકપ્રિય નેતા છે. મોડલિંગથી પોતાની કરિયરની શરૂઆત કરનાર સ્મૃતિએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તે દેશના રાજકારણમાં આટલી ઊંચાઈએ પહોંચશે. સ્મૃતિનો જન્મ 23 માર્ચ 1976માં દિલ્હીમાં એક મધ્યવર્ગના પરિવારમાં થયો હતો. પિતા પંજાબી અને માતા બંગાળી છે. ત્રણ ભાઈ-બહેનોમાં સ્મૃતિ સૌથી મોટી છે.

સ્મૃતિએ મોડલથી કારકીર્દિની શરૂઆત કરી હતી.
સ્મૃતિએ મોડલથી કારકીર્દિની શરૂઆત કરી હતી.

પરિવારની મદદ માટે સ્મૃતિએ 10મા ધોરણ પછી મેક-અપનો સામાન વેચવાની શરૂઆત કરી દીધી હતી. એ બદલામાં તેને 200 રૂપિયા મળતા હતા. 1998માં સ્મૃતિએ મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો, પરંતુ ફાઈનલ સુધી નહોતી પહોંચી શકે. ત્યાર પછી તે મુંબઈ આવી ગઈ. મુંબઈમાં શરૂઆતમાં સ્મૃતિએ મેકડોનાલ્ડ્માં વેટ્રેસથી લઈને ક્લીનર સુધીનું પણ કામ કર્યું હતું.

2001માં પારસી વેપારી સાથે કર્યા લગ્ન, બે બાળકોની માતા
સ્મૃતિએ મુંબઈમાં ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઓડિશન આપવાની શરૂઆત કરી હતી. 2001માં સ્મૃતિએ પારસી વેપારી જુબીન ઈરાની સાથે લગ્ન કર્યા અને તેમનાં બે બાળકો પણ છે. સ્મૃતિએ અભિનેત્રી નીલમ કોઠારીને રિપ્લેસ કરીને 'ઉહ લા લા લા' શો હોસ્ટ કર્યો. ત્યાર પછી તેણે એકતા કપૂરની સિરિયર ક્યોંકિ સાસ ભી કભી બહુથીમાં લીડ રોલ કર્યો અને એને કારણે તે ઘરે ઘરે પ્રખ્યાત થઈ. આ સિવાય સ્મૃતિએ 'યે હે જલવા', 'આતીશ' અને 2001માં 'રામાયણ'માં સીતાનું પાત્ર પણ ભજવ્યું હતું.

સ્મૃતિએ તેની બહેનપણીના પતિ સાથે જ લગ્ન કર્યા હોવાથી વિવાદોમાં આવી હતી.
સ્મૃતિએ તેની બહેનપણીના પતિ સાથે જ લગ્ન કર્યા હોવાથી વિવાદોમાં આવી હતી.

2003માં સ્મૃતિનો રાજકારણમાં પ્રવેશ, ભાજપમાં સામેલ થઈ
સ્મૃતિ 2003માં રાજકારણમાં આવી અને ભાજપમાં સામેલ થઈ. ત્યાર પછી તેણે દિલ્હીના ચાંદની ચોકની સંસદીય સીટથી ચૂંટણી લડી હતી, પરંતુ કોંગ્રેસ ઉમેદવાર કપિલ સિબ્બલ સામે તે હારી ગઈ હતી. 2004માં તેને નવી જવાબદારી આપવામાં આવી હતી અને મહારાષ્ટ્ર યુથ વિંગની ઉપાધ્યક્ષ બનાવવામાં આવી હતી. પાર્ટીએ સ્મૃતિને પાંચ વાર કેન્દ્રીય સમિતિની કાર્યકારી સભ્ય તરીકે નિમણૂક કરી અને રાષ્ટ્રય સચિવનું પણ પદ આપવામાં આવ્યું હતું.

મહિલા મોરચાની કમાન પણ સંભાળી
2010માં સ્મૃતિને બીજેપી મહિલા મોરચાની કમાન સોંપવામાં આવી હતી. 2011માં તેને ગુજરાતના રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. 2014માં સ્મૃતિએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સામે અમેઠીની સંસદીય સીટથી ચૂંટણી લડી તેને ટક્કર આપી હતી. જોકે આ ચૂંટણીમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં મોદી સરકારમાં સ્મૃતિને શિક્ષણ મંત્રાલય આપવામાં આવ્યું હતું.

18 વર્ષની રાજકીય સફરમાં સ્મૃતિ રાજકારણના ઊંચા મુકામ સુધી પહોંચી.
18 વર્ષની રાજકીય સફરમાં સ્મૃતિ રાજકારણના ઊંચા મુકામ સુધી પહોંચી.

જોકે સ્મૃતિના એફિડેવિટ પ્રમાણે તેના શિક્ષણ વિશે વિવાદો ઊભા થતાં તેની પાસેથી આ વિભાગ પરત લઈ લેવામાં આવ્યો હતો. ત્યાર પછી તેનો કેબિનેટ મંત્રીમાં સમાવેશ કરીને તેને માનવસંસાધન મંત્રાલય આપવામાં આવ્યું હતું. ત્યારે મોદી કેબિનેટની સૌથી યુવા મહિલા સભ્ય બની ગઈ હતી. 2019ની લોકસભા ચૂંટણી પછી સ્મૃતિ ઈરાનીને કાપડ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી.

મંત્રીમંડળના વિસ્તરણમાં સ્મૃતિને બાળ-વિકાસ
7 જુલાઈએ મોદી કેબિનેટનું સૌથી મોટું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. 7 જુલાઈએ સાંજે 6 વાગે સર્વાર્થસિદ્ધિયોગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના 43 મંત્રીએ શપથ લીધા હતા. વર્તમાન મંત્રીઓ પૈકી 7 મંત્રીને પ્રમોટ કરવામાં આવ્યા છે. આ કેબિનેટ વિસ્તરણમાં સ્મૃતિ ઈરાનીને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. 2014માં પહેલીવાર મંત્રીમંડળમાં 7 અને 2019માં 6 મહિલા મંત્રી હતા. તેમાં અંતે હરસિમરત સિંહ કૌરને કેબિનેટમાંથી હટાવવામાં આવ્યાં હતાં. જ્યારે આ વખતે 2021ના મંત્રીમંડળના વિસ્તરણમાં નિર્મલા સીતારમણ અને સ્મૃતિ ઈરાની થઈને 11 મહિલાની બ્રિગેડ બનાવવામાં આવી છે.

રાજકીય ક્ષેત્રે સ્મૃતિનાં ઘણી વખત ખાતાં બદલવામાં આવ્યાં હતાં.
રાજકીય ક્ષેત્રે સ્મૃતિનાં ઘણી વખત ખાતાં બદલવામાં આવ્યાં હતાં.

રાજકીય ક્ષેત્રે વિવાદોથી ઘેરાયેલી રહી છે સ્મૃતિ
સ્મૃતિ ઈરાની રાજકીય ક્ષેત્રે ઘણી વખત વિવાદોમાં ઘેરાયેલી રહી છે. પહેલો વિવાદ તેના શિક્ષણને લઈને થયો હતો. વિપક્ષે કહ્યું હતું કે સ્મૃતિ શિક્ષણમંત્રી બનવા માટેની યોગ્યતા નથી ધરાવતાં. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સ્મૃતિએ 2004 અને 2014માં શૈક્ષણિક યોગ્યમાં અલગ અલગ માહિતી આપી હતી. 2004માં સ્મૃતિએ એફિડેવિટમાં દિલ્હી યુનિવર્સિટી અને આર્ટ ડીગ્રીમાં સ્નાતક થઈ હોવાની વાત કહી હતી. 2014માં સ્મૃતિએ અમેઠીથી રાહુલ સામે ચૂંટણી લડી હતી ત્યારે તેણે 1994માં દિલ્હી યુનિવર્સિટીથી કોર્સ પાર્ટ-1માં સ્નાતક હોવાની વાત લખી હતી. એ ઉપરાંત જેએનયુ અને હૈદરાબાદ યુનિવર્સિટીના રિસર્ચ સ્કોલર રોહિત વેમૂલાની આત્મહત્યા કેસમાં પણ સ્મૃતિ વિવાદોમાં આવી હતી.

આ રીતે અમેઠી હારીને પણ લોકોના દિલ જીતી હતી સ્મૃતિ.
આ રીતે અમેઠી હારીને પણ લોકોના દિલ જીતી હતી સ્મૃતિ.

અંતિમ યાત્રામાં સુરેન્દ્ર સિંહને કાંધ આપી હતી
ઉત્તરપ્રદેશ અમેઠીથી નવા ચૂંટાયેલા સાંસદ, કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીના નજીક રહેલા બરૌલિયા ગામના પૂર્વ પ્રધાનની કોઇ અજાણ્યા શખસોએ ગોળી મારી કથિત રીતે હત્યા કરી દીધી, જેને લઇને ઉત્તરપ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે પાર્ટી કાર્યકર્તાનું મોત અત્યંત દુઃખદ છે. તેો ઘણા પરિશ્રમી કાર્યકર્તા હતા. તેમણે આ સાથે કહ્યું હતું કે ભલે તેમની હત્યા કરનાર પાતાળમાં કેમ ન છુપાયા હોય, તેમને પકડવામાં આવશે અને સખત કાર્યવાહી કરાશે. આ ઘટના અમેઠીમાં બની હતી. જ્યાં તાજેતરમાં સાંસદ બનેલાં સ્મૃતિ ઈરાની સુરેન્દ્ર સિંહના પરિવારને મળવા પહોંચ્યાં, જ્યાં તેમણે અંતિમ યાત્રા દરમિયાન મૃતદેહને પોતાનો ખભો પણ આપ્યો હતો. સ્મૃતિ ઈરાનીની આ તસવીર સોશિયલ મીડિયામાં ઘણી વાઇરલ થઈ હતી અને એમાં તેણે અમેઠીના આર્યન લેડી તરીકે એક નવી છાપ ઊભી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...