તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Bihar Assembly Election Dates May Be Announced, Announcement Of By Elections In 27 Seats Of Madhya Pradesh Possible

ચૂંટણીપંચની પ્રેસ-કોન્ફરન્સ:બિહારમાં 3 તબક્કામાં 28 ઓક્ટોબર, 3 અને 7 નવેમ્બરે મતદાન, 10 નવે. પરિણામ; સાંજે 5ની જગ્યાએ 6 વાગ્યા સુધી મતદાન થશે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • CEC સુનીલ અરોડાએ જણાવ્યું કે, 1.73 લાખ વીવીપેટ, 46 લાખ માસ્ક, 7.6 લાખ ફેસ શીલ્ડ, 23 લાખ જોડી હેન્ડ ગ્લવ્સ અને 6 લાખ PPE કીટનો ઉપયોગ થશે
  • 2015માં ગત વિધાનસભા ચૂંટણી વખતે 6.7 કરોડ મતદાતા હતા, હવે 7.29 કરોડ મતદાતા છે.

ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે અને હવે ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ રહી છે.અહીંયા 3 તબક્કામાં ચૂંટણી યોજાશે. પહેલા તબક્કામાં 28 ઓક્ટોબરે 71 બેઠકો પર ચૂંટણી યોજાશે. જેમાં 16 જિલ્લા, 31 હજાર પોલિંગ બૂથ હશે. બીજા તબક્કામાં 3 નવેમ્બરે 94 બેઠકો પર મતદાન થશે. જેમાં 17 જિલ્લા, 42 હજાર પોલિંગ બૂથ હશે. ત્રીજા તબક્કામાં 7 નવેમ્બરે 78 બેઠકો પર મતદાન યોજાશે. જેમાં 15 જિલ્લા, 33.5 હજાર પોલિંગ બૂથ હશે. 10 નવેમ્બરે પરિણામ આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કોરોના સંકટના કારણે દુનિયાના 70 દેશોમાં ચૂંટણીને ટાળી દેવાઈ છે. કોરોના સંકટ વચ્ચે બિહાર અને પેટાચૂંટણી અંગે સતત મંથન કરવામાં આવ્યું. બિહાર ચૂંટણી દેશના સૌથી મોટા રાજ્યોમાં અને આ ચૂંટણી કોરોના કાળમાં સૌથી મોટી ચૂંટણી છે.

ચૂંટણી જાહેરાતના મહત્વના મુદ્દા
એક બૂથ પર એક હજાર જ મતદાતા

બિહારમાં કુલ 243 બેઠકો પર ચૂંટણી યોજાશે, રાજ્યમાં 29 નવેમ્બર સુધી વિધાનસભાનો કાર્યકાળ છે. આ વખતે પોલિંગ સ્ટેશનની સંખ્યા અને મેનપાવર વધારવામાં આવ્યો છે. બિહારમાં 2020ની ચૂંટણીમાં સાત કરોડથી વધુ મતદાતા મતદાન કરશે. આ વખતે એક બૂથ પર માત્ર એક હજાર મતદાતા જ હશે.

માસ્ક અને ગ્લવ્સ આપવામાં આવશે
આ વખતે ચૂંટણીમાં 6 લાખ PPE કીટ રાજ્ય ચૂંટણી પંચને આપવામાં આવશે, 46 લાખ માસ્કનો ઉપયોગ પણ થશે.સાત લાખ હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરાશે. સાથે જ 6 લાખ ફેસ શિલ્ડનો પણ ઉપયોગ થશે.

મતદાનના સમયમાં વધારો
મતદાનનો સમય એક કલાક વધારી દેવાયો છે. નક્સલ પ્રભાવિત વિસ્તારને બાદ કરતા સામાન્ય વિસ્તારમાં સવારે 7થી સાંજે 5 વાગ્યાની જગ્યાએ સવારે 7 થી સાંજે 6 વચ્ચે મતદાન યોજાશે.

કોરોના કાળની સૌથી મોટી ચૂંટણી
અમે ઈચ્છતા હતા કે લોકોનો લોકતાંત્રિક અધિકાર જળવાઈ રહે છે. તેમના સ્વાસ્થ્યની પણ અમારે ચિંતા કરવાની હતી. આજ અમે અહીંયા બિહારની ચૂંટણીની જાહેરાત કરવા માટે આવ્યા છીએ. આ કોરોના સમયમાં દેશની જ નહીં પણ દુનિયાની સૌથી મોટી ચૂંટણી યોજાવા જઈ રહી છે.

બિહારમાં 243 બેઠકો છે. 38 બેઠકો અનામત છે. અમે એક પોલિંગ બૂથ પર મતદાતાઓની સંખ્યા 1500ની જગ્યાએ 1000 રાખવાનો નિર્ણય કર્યો હતો 2015માં ગત વિધાનસભા ચૂંટણી વખતે 6.7 કરોડ વોટર હતા. હવે 7.29 કરોડ વોટર છે.

નોમિનેશન માટે નિયમ નક્કી
આ દરમિયાન ઉમેદવાર 5ની જગ્યાએ 2 જ ગાડીઓ સાથે લઈ જઈ શકશે. કોરોનાના જે દર્દી ક્વોરન્ટિન છે, તે મતદાનના છેલ્લા કલાકોમાં વોટિંગ કરી શકશે

સોશિયલ મીડિયા પર નજર
જે જગ્યાએ જરૂર અને માંગ હશે, ત્યાં પોસ્ટલ બેલેટની સુવિધા આપવામાં આવશે. સોશિયલ મીડિયાના ખોટા ઉપયોગ પર નજર રહેશે, જેથી સાંપ્રદાયિક સદ્ધાવ જળવાઈ રહે. હેટ સ્પીચ પર કડકાઈ ભર્યું વલણ અપનાવાશે.

ગત મહિને સુપ્રીમકોર્ટે કોરોનાને કારણે બિહાર ચૂંટણી ટાળવા અંગે કરવામાં આવેલી અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે કોરોનાને કારણે રાજ્યની ચૂંટણીને ટાળી ન શકાય. કોર્ટ ચૂંટણીપંચને આદેશ ન આપી શકે. ગત વખતે 5 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. કોરોનાને કારણે આ વખતે 2થી 3 તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે.

2015માં સાથે લડ્યા હતા RJD અને JDU
2015ની ચૂંટણીમાં RJD, JDU અને કોંગ્રેસે સાથે મળીને મહાગઠબંધન બનાવ્યું હતું. આ ગઠબંધનને 178 બેઠક મળી હતી, પરંતુ દોઢ વર્ષ પછી જ નીતીશ મહાગઠબંધનથી અલગ થઈને NDAમાં ચાલ્યા ગયા. આ ચૂંટણીમાં NDAમાં ભાજપ, LJP અને હમ(સેક્યુલર) સાથે JDU પણ છે, સાથે જ ગત ચૂંટણીમાં NDAનો ભાગ રહી ચૂકેલી રાલોસપા મહાગઠબંધન સાથે છે.

2019 લોકસભા ચૂંટણીમાં 223 વિધાનસભા બેઠક પર આગળ હતી NDA
2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં બિહારની 40માંથી 39 બેઠક NDAને મળી હતી, માત્ર એક બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જીતી હતી. લોકસભાનાં પરિણામોને જો વિધાનસભા ક્ષેત્રના હિસાબથી જોવામાં આવે તો NDA 223 સીટથી આગળ હતી, જેમાંથી 96 બેઠક પર ભાજપ તો 92 બેઠક પર JDU આગળ હતી. LJP 35 બેઠક પર આગળ હતી. એક બેઠક જીતનાર મહાગઠબંધન વિધાનસભાને ધ્યાનમાં રાખતા 17 બેઠક પર આગળ હતું, જેમાં 9 બેઠક પર RJD, 5 પર કોંગ્રેસ, બે પર હમ(સેક્યુલર) જે હવે NDAનો ભાગ છે અને એક બેઠક પર રાલોસપા આગળ હતી. અન્ય દળોમાં બે વિધાનસભા ક્ષેત્રમાં AIMIM અને એક પર CPI ML આગળ હતી.

70 દેશોએ ચૂંટણી ટાળી દીધી...આપણા માટે હવે આ જ ન્યૂ નોર્મલ
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે 70 દેશોએ ચૂંટણી ટાળી છે પણ દિવસો વીતતા ગયા તેમ ન્યુ નોર્મલ થતું ગયું. આ કોરોનાકાળમાં દેશની જ નહીં પણ દુનિયાની પહેલી સૌથી મોટી ચૂંટણી યોજાઇ રહી છે.

પક્ષોએ કલંકિત ઉમેદવાર કેમ પસંદ કર્યા તે જણાવવું પડશે
બિહાર વિધાનસભા ચૂંટણી દેશની એવી પહેલી ચૂંટણી હશે કે જેમાં રાજકીય પક્ષોએ તેમની વેબસાઇટ પર જણાવવું પડશે કે તેમણે જેમની સામે ગુનાઇત કેસો પડતર હોય તેવા ઉમેદવાર કેમ પસંદ કર્યા? મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ જણાવ્યું કે સુપ્રીમકોર્ટના ફેબ્રુઆરી, 2020ના આદેશાનુસાર આવા ઉમેદવારોની વિસ્તૃત માહિતી તેમની વેબસાઇટ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને એક સ્થાનિક તથા રાષ્ટ્રીય અખબારમાં પ્રકાશિત કરવી ફરજિયાત રહેશે. પક્ષે તેમની યોગ્યતા, સિદ્ધિ તથા ગુણોની વિગત આપવી પડશે.

...અને પરિણામ આઇપીએલ ફાઇનલની સાથે
સંયોગ છે કે આઇપીએલની આ સિઝનની ફાઇનલ અને બિહારની ચૂંટણીનું પરિણામ એક જ દિવસે છે. પ્રથમ તબક્કાના જાહેરનામાથી પરિણામ સુધીના 41 દિવસમાં ચૂંટણી પ્રક્રિયા પૂરી થઇ જશે.

મુખ્યમંત્રીપદના દાવેદાર
નીતીશ કુમારઃ 2010ની ચૂંટણીમાં નીતીશ NDA તરફથી તો 2015માં મહાગઠબંધન તરફથી મુખ્યમંત્રીપદનો ચહેરો હતા. આ વખતે ફરી તેઓ NDA તરફથી CM પદનો ચહેરો હશે. છેલ્લાં 15 વર્ષથી રાજ્યમાં નીતીશની પાર્ટી સત્તામાં છે, જેમાં 14 વર્ષથી વધુ નીતીશ જ મુખ્યમંત્રી રહ્યા છે.

તેજસ્વી યાદવઃ મહાગઠબંધન તરફથી આ વખતે તેજસ્વી યાદવ ચહેરો બની શકે છે. લાલુ યાદવના જેલમાં ગયા પછી મહાગઠબંધનની સૌથી મોટી પાર્ટી RJDનો ચહેરો તેજસ્વી જ છે. તાજેતરમાં જ RJDના પાર્ટી કાર્યાલયની બહારથી ચૂંટણી સાથે જોડાયેલું જે પોસ્ટર લગાડવામાં આવ્યું છે એમાં માત્ર તેજસ્વી જ જોવા મળી રહ્યા હતા. પાર્ટી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવનો ચહેરો પોસ્ટરમાંથી ગાયબ છે.

ચૂંટણીમાં મહત્ત્વના મુદ્દા
કોરોનાઃ કોરોના વચ્ચે યોજાઈ રહેલી ચૂંટણીમાં કોરોના મહત્ત્વનો મુદ્દો હશે. તેજસ્વી યાદવ કોરોના અંગે સતત સરકાર પર હુમલો કરી રહ્યા છે. કોરોનાકાળમાં નીતીશ કુમારના ઘરની બહાર ન નીકળવાને પણ તેમણે મુદ્દો બનાવ્યો છે. સાથે જ નીતીશ તરફથી સરકાર દ્વારા છેલ્લા છ મહિનામાં લેવામાં આવેલાં પગલાંને પણ ગણાવાઈ રહ્યાં છે.
ખેડૂત અને ખેતીઃ કેન્દ્ર સરકારના કૃષિ સાથે જોડાયેલાં બે નવાં બિલ પણ આ ચૂંટણીમાં મોટો મુદ્દો હશે.
બેરોજગારીઃ RJD બેરોજગારીના મુદ્દાને સતત ઉઠાવી રહી છે. વડાપ્રધાનના જન્મદિવસને RJDએ રાષ્ટ્રીય બેરોજગારી દિવસ તરીકે ઊજવ્યો હતો. નીતીશ સરકારે લોકડાઉન દરમિયાન બિહાર પાછા આવેલા પ્રવાસીઓને બિહારમાં જ રોજગારી આપવાનો દાવો કર્યો હતો.

વિકાસઃ JDU અને ભાજપ જ્યાં ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલાં કામોને ગણાવી રહ્યા છે. તો RJD છેલ્લાં 15 વર્ષમાં કરવામાં આવેલા વિકાસના દાવાને સતત પડકારી રહ્યા છે.

પ્રવાસી મજૂરઃ લોકડાઉન દરમિયાન બિહાર પાછા આવેલા પ્રવાસી મજૂરોનો મુદ્દો પણ આ ચૂંટણીમાં મહત્ત્વનો હશે. સરકાર જ્યાં તેમને રાજ્યમાં જ દરેક શક્ય મદદ કરવાની વાત કરી રહી છે. ત્યાં જ વિપક્ષ પ્રવાસીઓ માટે યોગ્ય વ્યવસ્થા ન કરવા માટે સવાલ કરી રહ્યો છે.
રામમંદિરઃ છેલ્લાં 30 વર્ષથી ચૂંટણી મુદ્દો રહી ચૂકેલું રામ મંદિર આ વખતે પણ મહત્ત્વનો મુદ્દો રહેશે. ફરક માત્ર એટલો હશે કે આ વખતે ભાજપ તેના શિલાન્યાસને પોતાની મહત્ત્વની સિદ્ધિ તરીકે ગણાવશે.

ચૂંટણીપ્રચારના ચહેરા
નરેન્દ્ર મોદીઃ ભાજપે 2013માં નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા પછી દરેક ચૂંટણીમાં મોદી જ ભાજપ માટે પ્રચારનો મુખ્ય ચહેરો રહ્યા છે. તેમની રેલીઓ ભાજપના પક્ષમાં માહોલ બનાવવા માટેની રીત છે. આ વખતે મોટી રેલીઓ થવી મુશ્કેલ છે. એવામાં મોદીની વર્ચુઅલ રેલીઓ વોટર્સ પર કેટલી અસર કરે છે એ જોવાનું રહેશે.

નીતીશ કુમારઃ JDU અને એ પહેલાં મમતા પાર્ટીના સમયથી જ નીતીશ દરેક ચૂંટણીપ્રચારમાં પાર્ટીનો સૌથી મોટો ચહેરો રહ્યા છે. આ ચૂંટણીમાં NDA ગઠબંધન તેમના ચહેરા પર ચૂંટણી લડશે.
તેજસ્વી યાદવઃ ચૂંટણી રાજકારણમાં લગભગ પાંચ વર્ષનો અનુભવ ધરાવતા તેજસ્વી યાદવના હાથમાં આ વખતના ચૂંટણીપ્રચારની કમાન હશે. RJDની રચના પછી આ પહેલી વિધાનસભા ચૂંટણી હશે, જ્યારે પાર્ટી લાલુ વગર લડશે.

રાહુલ ગાંધીઃ રાહુલ ગાંધી ભલે કોંગ્રેસ-અધ્યક્ષ નથી, પણ ચૂંટણીપ્રચારમાં તે કેટલા સક્રિય રહે છે એની પર નજર રહેશે. પ્રિયંકા ગાંધીના ચૂંટણીપ્રચાર પર પણ બધાની નજર રહેશે. કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયતને ધ્યાનમાં રાખીને પાર્ટી રાહુલ અને પ્રિયંકાના આગળ કરી શકે છે.
ચિરાગ પાસવાનઃ LJP અધ્યક્ષ ચિરાગ પાસવાન ચૂંટણીપ્રચારમાં પોતાની પાર્ટીનો સૌથી મોટો ચહેરો હશે. NDA યુવાનો અને દલિતોને લોભાવવા માટે તેમનો ઉપયોગ કરી શકે છે. જોકે પાસવાન અને તેમની પાર્ટી તરફથી જે પ્રકારની બેઠકો અંગે નિવેદન આવી રહ્યાં છે એનાથી નક્કી છે કે NDAમાં બેઠકોની વહેંચણી એટલી સરળ નહીં હોય.

બિહારઃ 2015માં કોને કેટલી બેઠકો મળી

પાર્ટીબેઠકોવોટ શેર(%)
RJD8018.8
JDU7117.3
ભાજપ5325
કોંગ્રેસ276.8
અપક્ષ49.6
અન્ય822.5
કુલ બેઠકો243

મધ્યપ્રદેશઃ માર્ચમાં કોંગ્રેસ સરકાર પડી હતી
મધ્યપ્રદેશમાં 15 મહિના ચાલેલી કમલનાથ સરકાર આ વર્ષે માર્ચમાં પડી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક 22 કોંગ્રેસ ધારાસભ્યનાં વિધાનસભાના સભ્યપદ પરથી રાજીનામાં આપીને તેઓ ભાજપમાં જોડાયા હતા. બે ધારાસભ્યનું નિધન થઈ ગયું હતું.

વિધાનસભાની સ્થિતિ

પાર્ટીબેઠકો
ભાજપ107
કોંગ્રેસ88
બસપા2
સપા1
અપક્ષ88
ખાલી બેઠકો28
કુલ બેઠકો230

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો