સેવામાં મેવા:નવી નોકરીઓમાં 14 વર્ષનો સૌથી મોટો ઉછાળો

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સર્વિસ સેક્ટરમાં સારો દેખાવ, હવે અર્થતંત્રની ગતિ પણ વધશે
  • આ તેજીનું કારણ દેશની જીડીપીમાં 50% યોગદાન સર્વિસ સેક્ટરનું

તહેવારોની સિઝન પહેલાં દેશના સર્વિસ સેક્ટરે ઉત્તમ દેખાવ કર્યો છે. એસએન્ડપી ગ્લોબલ ઈન્ડિયા સર્વિસીઝ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (પીએમઆઈ) ઓગસ્ટમાં વધીને 57.2 થઈ ગયો, જે અનુમાનથી વધુ છે. સર્વિસ સેક્ટરની ગતિવિધિ જોતાં જુદી જુદી રેટિંગ એજન્સીઓએ તેનું સ્તર 55 રહેવાનું અનુમાન લગાવ્યું હતું. જુલાઈમાં તે 55.5 હતું. ખાસ વાત એ છે કે, આ સતત 13મો મહિનો છે જેમાં પીએમઆઈ 50થી વધુ રહ્યું છે.

સર્વિસ સેક્ટરે ઓગસ્ટમાં સારો દેખાવ કર્યો તેનું કારણ નવા વેપાર શરૂ થયા હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. આ કારણથી સર્વિસ સેક્ટરમાં નવી નોકરીઓ પણ વધી છે. એસએન્ડપીના સરવેમાં જાણવા મળ્યું છે કે ઓગસ્ટમાં 14 વર્ષ પછી સૌથી વધુ નોકરી વધી છે, જેમાં સૌથી વધુ યોગદાન સર્વિસ સેક્ટરનું છે. આ મુદ્દો ખૂબ મહત્ત્વનો છે કારણ કે દેશની જીડીપીમાં 50%થી વધુ યોગદાન સર્વિસ સેક્ટરનું જ છે.

આ ક્ષેત્ર પર કોરોનાની સૌથી વધુ અસર થઈ હતી. એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ઈન્ટેલિજન્સના એસોસિયેટ ડિરેક્ટર પોલીન્નાડી. લીમા કહે છે કે કોરોના મહામારીને લગતા પ્રતિબંધો ખતમ થયાની સકારાત્મક અસર હવે જોવા મળી રહી છે.

બીજા ત્રિમાસિકના મધ્યમાં સર્વિસ સેક્ટરમાં જોરદાર વધારો થયો છે. આ તેજી સાથે આ ક્ષેત્રે જુલાઈમાં ગુમાવેલું નુકસાન પણ ભરપાઈ કરી લીધું છે.

દેશમાં મોંઘવારી વધવા છતાં માંગમાં વધારો
એસએન્ડપી ગ્લોબલ સર્વિસ સેક્ટરની 400 અગ્રણી કંપનીના સરવેના આધારે આંકડા જારી કરે છે. સર્વિસ સેક્ટરમાં ટ્રેડ, હોટલ્સ-રેસ્ટોરન્ટ, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન, ફાઈનાન્સ સાથે સંકળાયેલી સર્વિસ તેમજ રિયલ એસ્ટેટ, બેન્કિંગ જેવા મોટા બિઝનેસ પણ આવે છે. તાજા સરવે પ્રમાણે, ફાઈનાન્સ અને વીમા ક્ષેત્રની કંપનીઓનો દેખાવ સૌથી સારો રહ્યો છે. ઓગસ્ટમાં મોંઘવારી વધુ રહી છે, છતાં બજારમાં માંગ વધી છે. તેનાથી કંપનીઓની કમાણી પણ વધી છે. એટલું જ નહીં, નવી નોકરીઓ આપવાનું પણ શરૂ થયું છે. તેની અસર આગામી સમયમાં દેખાશે.

આ સમય ઝડપનો છે, ભવિષ્યમાં કેટલાક પડકારો પણ...
એપ્રિલથી જૂન વચ્ચે અર્થતંત્ર સૌથી ઝડપથી વધ્યું છે. પરંતુ કેટલાક અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, આગામી ત્રિમાસિકમાં આ ગતિ ધીમી પડી શકે છે. સતત વધતું વ્યાજ, મોંઘવારી અને વૈશ્વિક મંદીની આશંકાની અસર આપણા અર્થતંત્ર પર પણ પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...