આ મહિને મોદી કેબિનેટમાં ફેરબદલની સંભાવના:ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન અને અનુરાગ ઠાકુરને મળી શકે છે નવી જવાબદારી

21 દિવસ પહેલા

કેન્દ્ર સરકારના મંત્રાલયોમાં હાલ અસ્વસ્થતા જોવા મળી રહી છે. પાર્ટી હેડ ક્વાર્ટરથી લઈને PMO સુધીની ઉચ્ચ સ્તરીય બેઠકોનો ધમધમાટ મોદી કેબિનેટમાં મોટા ફેરબદલનો સંકેત આપે છે. સરકાર અને પક્ષનાં સૂત્રોનું કહેવું છે કે મોદી સરકારના બીજા કાર્યકાળનું આ અંતિમ પુનર્ગઠન હશે.

આ જ ટીમ આ વર્ષે 10 રાજ્યની વિધાનસભાની ચૂંટણી અને 2024ની લોકસભાની ચૂંટણીમાં પાર્ટીનો મોરચો સંભાળશે. એને લઈને માનવામાં આવી રહ્યું છે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, અનુરાગ ઠાકુરને નવી દિલ્હીમાં મહત્ત્વની જવાબદારી મળશે. આ જ રીતે ગુજરાત ચૂંટણીના રણનીતિકાર માનવામાં આવી રહેલા સીઆર પાટીલને દિલ્હીમાં મહત્ત્વની ભૂમિકા મળી શકે છે.

સૂત્રો અનુસાર, હાલ નક્કી નથી કે તેમને સંગઠનમાં મહત્ત્વપૂર્ણ પદ મળશે કે કેબિનેટ બનાવવામાં આવશે. બીજી તરફ, કેન્દ્રીય ઊર્જામંત્રી આરકે સિંહ માટે પણ નવી જગ્યા શોધવામાં આવી રહી છે.

કોણ હટશે, કોનો સમાવેશ થશે, આ મુદ્દે પાર્ટીમાં મૌન જોવા મળી રહ્યું છે. બધા કહે છે કે આ વિશે ફક્ત એક જ વ્યક્તિ (PM મોદી) જાણે છે.

દિલ્હીમાં બીજેપી હેડ ક્વાર્ટર ખાતે મહાસચિવો સાથે જેપી નડ્ડા.
દિલ્હીમાં બીજેપી હેડ ક્વાર્ટર ખાતે મહાસચિવો સાથે જેપી નડ્ડા.

20 જાન્યુઆરીથી 436 સીટ પર 3 દિવસ રહેશે કેન્દ્રીય મંત્રી
સામાન્ય ચૂંટણીની તૈયારીમાં જોડાયેલું ભાજપ 20 જાન્યુઆરીથી 436 લોકસભાની સીટ પર કેન્દ્રીય મંત્રીઓ તહેનાત કરશે. મંત્રી ત્યાં રોટેશનના આધારે ત્રણ દિવસ રોકાશે અને કેન્દ્રીય મંત્રી યોજનાઓની સમીક્ષા કરશે. સૂત્રોનું કહેવું છે કે દરેક મંત્રીને 7-8 સીટની જવાબદારી સોંપવામાં આવશે.

જાણકારી મેળવ્યા પછી લોકસભા સીટ માટે એક ટ્વિટર હેન્ડલ બનાવી એમાં ઓછામાં ઓછા 50 હજાર ફોલોઅર્સ જોડવામાં આવશે. સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનો, ધાર્મિક ગુરુ અને સમુદાય સાથે સંવાદ કરવામાં આવશે.

2023ની 10 વિધાનસભા ચૂંટણી, 2024 લોકસભા ચૂંટણીની તૈયારી
આ વર્ષે કર્ણાટક, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરામાં ચૂંટણી છે. જમ્મુ-કાશ્મીરમાં પણ આશા છે. પાર્ટી સામે આમાંથી 6 રાજ્યમાં સરકાર બનાવવાનો પડકાર છે. આવામાં મંત્રીમંડળમાં ત્યાંના નેતાઓને પ્રતિનિધિત્વ આપવાનું જોર રહેશે.

એક પૂર્વ મંત્રીએ ઈશારો કર્યો છે કે ગુજરાત ચૂંટણી પહેલાં ત્યાં સંપૂર્ણ ટીમને નિચોડવામાં આવી હતી, જેનું સારું પરિણામ આવ્યું, આથી માનવામાં આવી રહ્યું છે કે આ વખતે મોટા ફેરફાર કરવામાં આવી શકે છે.

નવી ટીમ માટે આ સમીકરણ બની શકે છે

  • સંગઠનમાં અનુભવી, ચતુર નેતાઓનો અભાવ. આથી ઓછામાં ઓછા ત્રણ કેબિનેટ મંત્રીને સંગઠનમાં સામેલ કરવામાં આવી શકે છે
  • એક પૂર્વ બ્યૂરોક્રેટ કેબિનેટ મંત્રીને પદ પરથી હટાવવાનું અનુમાન
  • મહિલા પ્રતિનિધિત્વ વધશે
  • કર્ણાટક, મધ્યપ્રદેશ-છત્તીસગઢ, રાજસ્થાનમાંથી પણ પ્રતિનિધિત્વ વધે એવી શકયતા છે.
  • 5 મંત્રીનો વધારાનો ચાર્જ ઘટાડી શકાય છે.
  • ઓબીસી, એસસી અને એસટીને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • હિમાચલ-દિલ્હી MCD ચૂંટણીમાં હારની અસર દેખાશે

પુનર્ગઠન ક્યારે?
રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક 16-17 જાન્યુઆરીએ છે. 23 જાન્યુઆરીના રોજ નડ્ડાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. બજેટ સત્ર 31 જાન્યુઆરીથી છે. આવામાં નવી ટીમ 18થી 25 જાન્યુઆરી વચ્ચે બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...