તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhupendra Patel Is The Mask Of Delhi, Gujarat Needs Its Own CM; Changing The Chief Minister Will Not Cool The Anger Of The People

પટેલ મુખ્યમંત્રી પર હાર્દિકની પ્રતિક્રિયા:ભૂપેન્દ્ર પટેલ તો દિલ્હીનું મહોરું છે, ગુજરાતને પોતાનો CM જોઈએ; મુખ્યમંત્રી બદલાવવાથી જનતાનો રોષ ઠંડો નહીં પડે

નવી દિલ્હી2 દિવસ પહેલાલેખક: રવિ યાદવ

"સરકારના કામકાજ સામે સવાલ ઉઠવા લાગ્યા તો ભાજપે ગુજરાતમાં મુખ્યમંત્રી બદલી નાંખ્યા. તેઓ માની રહ્યાં છે કે તેનાથી જનતા પોતાની નારાજગી ભૂલી જશે,પરંતુ આવું શક્ય નથી. જનતા હવે ભ્રમમાં નથી રહેવાની. ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી ભલે જ બની ગયા હોય પરંતુ આદેશ તો દિલ્હીથી જ આવશે. જનતા બધું જ જાણે છે."

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ભાસ્કર સાથે વિશેષ વાતચીતમાં આ વાત કરી છે. અમે હાર્દિક પટેલને આગામી વિધાનસભા ચૂંટણી અને કોંગ્રેસની રણનીતિ અંગે પણ સવાલો કર્યા, જેના તેઓએ ખુલીને જવાબો આપ્યા. વાંચો આ ઈન્ટરવ્યુના મુખ્ય અંશ...

સવાલઃ ભાજપે ગુજરાત સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રી બદલ્યા છે, તેને લઈને તમારું શું મંતવ્ય છે?
જવાબઃ મુખ્યમંત્રી બદલવાની પાછળ કોરોનાના કાળ દરમિયાન સરકારના કામકાજ અને બેકારી મોટું કારણ છે. ભાજપે ઈન્ટરનલ સર્વે કરાવ્યો હતો, જેમાં વિજય રૂપાણીને લઈને પ્રજાની નારાજગી સામે આવી હતી. 2017માં પણ કંઈક આવો જ માહોલ હતો. વોટ બીજાના નામે જ મળે છે અને CM કોઈ બીજો જ બની જાય છે. આ માત્ર જનતાને ભ્રમમાં નાંખવાની જ વાત છે. જેને અહીંની જનતા સમજી ગઈ છે અને આ વખતે લોકોએ નક્કી જ કર્યું છે કે માત્ર CM જ નહીં સરકાર પણ બદલવી છે.

સવાલઃ શું મુખ્યમંત્રી બદલીને ભાજપ પાટીદાર સમાજને લોભાવવા માગે છે?

જવાબઃ જ્યારે રાજનીતિમાં કોઈ વ્યક્તિ ઉચ્ચ હોદ્દાએ આવે છે, તો તે કોઈ સમાજનો નથી હોતો. તેની જવાબદારી તમામ વર્ગોના લોકો પ્રત્યે હોય છે, માત્ર પટેલ પોલિટિક્સ કરીને ભાજપ સફળ નહીં થાય. ગુજરાતમાં 6 કરોડથી વધુ લોકો છે, મુખ્યમંત્રી જ્યારે તમામ વર્ગના લોકોનું ભલું ન કરી શકે તો તે એક સમાજનું શું ભલું કરશે?

ભૂપેન્દ્ર પટેલ તો ખાલી નામના મુખ્યમંત્રી છે, તેઓને કામ તો દિલ્હીના આદેશ મુજબ જ કરવાનું છે. તેઓ તેમના ઈશારે જ કામ કરશે. જો તેમને કામ કરવું જ છે તો તેઓએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને સરદાર પટેલ સ્ટેડિયમ કરી દેવું જોઈએ.

સવાલઃ 2022 વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ કઈ રણનીતિ સાથે આગળ વધવા માગે છે?
જવાબઃ ભાજપ તો જાતિ અને ધર્મના નામે રાજનીતિ કરે છે. કોંગ્રેસ હંમેશાથી મુદ્દાઓના આધારે જ રાજનીતિ કરે છે. યુવાનો અને ખેડૂતોનો મુદ્દો અમે સતત ઉઠાવીએ છીએ. જે વાયદાઓ ગુજરાતની જનતાને ભાજપે કર્યા હતા, તે પુરાં નથી થયા. તેને લઈને અમે સતત જન આંદોલન કરી રહ્યાં છીએ. જેના પરિણામ આવનારી ચૂંટણીમાં અમારા તરફ જોવા મળશે અને અમારી સરકાર બનશે.

સવાલઃ શું કોંગ્રેસમાં જોવા મળતા કલેશનો ફાયદો ભાજપ લઈ રહી છે?
જવાબઃ ગુજરાતમાં આવો કોઈ મુદ્દો જ નથી, અમારા આંદોલનને દેખાડવામાં નથી આવતા. કોંગ્રેસ સતત જનતાની વચ્ચે જાય છે. મને 2 વર્ષની સજા થઈ અને 32થી વધુ કેસ છે. હું દરરોજ કોર્ટમાં ધક્કા ખાઉં છું. પહેલાં મને ગુજરાતથી બહાર જવાની મંજૂરી ન હતી. અમે સંઘર્ષ કરી રહ્યાં છીએ ત્યારે જ તો આ બધું ભોગવી રહ્યાં છીએ. માત્ર કોંગ્રેસ પાર્ટી જ છે જે જનતાના મુદ્દાઓને ઉઠાવે છે.

સવાલઃ શું આવનારી ચૂંટણીમાં ફરી મોદીનો જાદૂ ચાલશે?

જવાબઃ ગુજરાતની જનતા આ વખેત એક સારા મુખ્યમંત્રી ઈચ્છે છે. પ્રદેશની જનતાને જ્યારે કોઈ સમસ્યા થશે તો તેઓ દિલ્હી નહીં જાય. જનતાને એેવા મુખ્યમંત્રી જોઈએ છે જે હંમેશા જનતાનો અવાજ સાંભળે, તેઓને પોતાના ગણે અને પોતાનું દર્દ સમજે. 2022માં આવા મુખ્યમંત્રી હશે જે તમામ વર્ગના લોકોનું ધ્યાન રાખશે અને ગુજરાતની જનતા સાથે ઊભો રહેશે.

સવાલઃ શું આગામી મુખ્યમંત્રીની રેસમાં હાર્દિક પટેલનું નામ પણ હશે?
જવાબઃ આ બધું તો રાજ્યની જનતા જ નક્કી કરે છે. અમે ચહેરો નથી બનતા, અમે તો પરિવારનો જ ચહેરો છીએ. ગામડાંમાં સારું કામ કર્યું તો ગામડાંનો ચહેરો બનીએ છીએ. શહેરમાં સારું કામ કર્યું તો શહેરનો ચહેરો બની જઈએ છીએ. જો પ્રદેશના હિતમાં વાત કરીશું તો અમે પ્રદેશનો ચહેરો છીએ. મારી ઉંમર હાલ 27 વર્ષ છે. હજુ કામ દેખાડવા માટે મારે લાંબી મજલ કાપવાની છે.

સવાલઃ શું કોંગ્રેસ આ વખતે મુખ્યમંત્રીના ચહેરા સાથે ચૂંટણી લડશે?
જવાબઃ ગુજરાતની જનતા જ અમારો ફેસ છે, જેઓ મોદી સમક્ષ પોતાની સાથે થયેલા અન્યાયનો બદલો લેવા માગે છે. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે, કેમકે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે જનતાની સામે એક્સપોઝ થઈ ગઈ છે.

સવાલઃ ગુજરાતની ચૂંટણીને લઈને રાહુલ ગાંધીનો શું પ્લાન છે?
જવાબઃ રાહુલ ગાંધીએ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. તેઓ સતત અમારા સંપર્કમાં જ છે. તેમનું કહેવું છે કે આ ગુજરાતે જ મને ગાંધી સરનેમ આપી છે. અને તેઓ ગુજરાત સાથે ઘણી લાગણી ધરાવે છે. હકીકત તો એ છે કે નરેન્દ્ર મોદી પહેલાં ગાંધી પરિવારનો સંબંધ ગુજરાત સાથે છે. આ તે જ ગુજરાત છે જ્યાંથી ઈન્દિરાજીને ગાંધી સરનેમ મળી હતી. થોડાં દિવસમાં જ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવવાના છે.

અન્ય સમાચારો પણ છે...