ભાસ્કર ઓપિનિયન:લંકા તો હનુમાને સળગાવી દીધી, હવે રાજતિલકમાં આવનારા કોઈપણ વિભીષણને અંતે શું મળશે?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક સવાલ છે- લંકા તો હનુમાને સળગાવી દીધી હતી, તો પછી રાજતિલકમાં વિભીષણે રામને કઈ લંકા સોંપી? સળગી ગયેલી કે રિપેર કરવામાં આવેલી? સવાલ જેટલો કઠિન છે એની સરખામણીમાં જવાબ એટલો જ સરળ છે કે અગ્નિથી સોનું સળગતું નથી, પરંતુ એમાં વધુ ચમક આવે છે. હવે ગોટબાયા રાજપક્ષેની લંકા પણ સળગી ચૂકી છે, જોકે સોનામાં ચમક આવશે કે કેમ એનો જવાબ તો ભવિષ્ય જ આપશે. ગોટબાયા લાંબા સમય સુધી શ્રીલંકા આર્મીમાં મોટા અધિકારી રહ્યા છે. સંઘર્ષ પણ કર્યો છે. લિબરેશન ટાઈગર્સ ઓફ તમિળ ઈલમ(લિટ્ટે)ની વિરુદ્ધ. આ લિટ્ટે તે છે, જેને આપણે ભારતીય ગૌરવ સાથે તમિળ ચિત્તા એમ લખતા હતા.

છેલ્લાં પંદર વર્ષમાં શ્રીલંકાનો ઈતિહાસ જોવામાં આવે તો રાજપક્ષે ભાઈઓએ અહીં રાજ કર્યું છે. 2004માં મહિન્દ્રા રાજપક્ષે વડાપ્રધાન રહ્યા હતા. 2005થી 2015 સુધી મહિન્દ્રા અહીં રાષ્ટ્રપતિની ગાદી પર આવ્યા હતા. ત્રણ વર્ષ ઘરે બેઠા પછી 2019થી 2022 સુધી એટલે કે ત્રણ મહિના પહેલાં સુધી તે ફરી વડાપ્રધાન તરીકે રહ્યા. 2019માં જ તેમના નાના ભાઈ ગોટબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ બન્યા.

આર્થિક અને નીતિગત મોરચા પર તેમણે દેશને એટલો અધારામાં રાખ્યો, એટલો લૂંટ્યો કે આજે તે રાષ્ટ્રપતિ હોવા છતાં લોકો રાષ્ટ્રપતિ ભવનની અંદર જઈને વિવિધ વસ્તુઓની તોડફોડ કરી રહ્યા છે. તોડફોડ તો ઠીક, અહીં કેટલાક ભૂખ્યા લોકો રસોડામાં જમવાનું બનાવીને ખાઈ રહ્યા છે. કેટલાક લોકો તો રાષ્ટ્રપતિ ભવનમાં જઈને સ્વિમિંગ પૂલમાં સ્નાન કરી રહ્યા છે. લોકોએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો છે. વડાપ્રધાન નિવાસસ્થાનમાં પણ આગ લગાડવામાં આવી છે.

એમ કહી શકાય કે વડાપ્રધાન વિક્રમસિંઘેના રાજીનામા અને રાષ્ટ્રપતિ ગોટબાયાના ભાગી ગયા પછી હવે શ્રીલંકામાં ખરેખર લોકોનું રાજ છે. સેના એને લોકોની મજબૂરી ગણે છે. આ કારણે તે પણ સામાન્ય લોકોને રોકતી નથી. લોકોમાં ખૂબ તાકાત હોય છે.

...સમય ભલભલાને સીધા કરી દે છે. ભારતીય કરતાં આ વાતને કોણ સારી રીતે સમજી શકે છે. બધા લોકોને ખ્યાલ છે કે આપણે ત્યાં અઢી સો વર્ષ સુધી રાજ કરનાર અંગ્રેજોના ભારતીય વાયસરોયોના યુનિફોર્મ હાલ આપણે ત્યાં બેન્ડબાજાવાળા પહેરે છે.

બીજી તરફ, ગોટબાયાએ હજી સુધી રાજીનામું આપ્યું નથી. તેઓ એમ કહી રહ્યા છે કે બુધવારે તેઓ પદ છોડશે. બધું થઈ ગયા પછી પણ તેઓ ત્રણ દિવસ વધુ શા માટે પદ પર રહેવા માગે છે એ કોઈ જાણતું નથી. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બંનેના ઔપચારિક રાજીનામાં પછી સ્પીકર મહિન્દ્રા યાપા કાર્યવાહક રાષ્ટ્રપતિ બનશે અને ફરી તમામ પક્ષો મળીને સરકાર બનાવશે, જે તમામ પક્ષની સરકાર હશે.

આ બધું ખોટી આર્થિક નીતિઓને કારણે થયું છે. લોકોને ભૂખ્યા રહેવાની સ્થિતિ આવી ગઈ છે. શ્રીલંકામાં આજે પેટ્રોલ 400 રૂપિયા લિટર છે અને એ પણ માત્ર જરૂરી સર્વિસમાં લાગેલા લોકોને જ મળી રહ્યું છે. સામાન્ય માણસોને તો બ્લેકમાં જ લેવું પડી રહ્યું છે અને એના છે લગભગ બે હજાર રૂપિયા લિટર. જેમની પાસે જમવાનું જ નથી, તેઓ બે હજાર રૂપિયાનું લિટર પેટ્રોલ કઈ રીતે અને ક્યાંથી લે? આના પરથી એ શીખ લેવાની છે. જે દેશોની આર્થિક સ્થિતિ ખરાબ છે કે અર્થવ્યવસ્થા દિશાહીન છે, તેમણે શ્રીલંકાની સ્થિતિ પરથી બોધપાઠ લેવા જેવો છે, નહિતર રાષ્ટ્રપતિ ભવન પર લોકો કબજો કરી લેશે અને પીએમ હાઉસમાં આગ લગાવશે.

અન્ય સમાચારો પણ છે...