• Gujarati News
  • National
  • Bhaskar Ground Report Of Delhi Mundka Building Fire Accident Case; Brother, Victims Relatives On Hospital And Police

દિલ્હી અગ્નિકાંડના પીડિતોની પીડા:મારી બહેન જીવતી છે કે આગમાં બળીને મરી ગઈ, કોઈ કંઈક તો કહો, કેટલાંય પરિવારજનો ભટકી રહ્યાં છે

10 દિવસ પહેલા

ઈસ્માઈલ ખાનની બહેન મુસ્કાન દિલ્હીની મુંડકાના એ જ બિલ્ડિંગમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતી હતી, જ્યાં શુક્રવારે સાંજે લાગેલી આગમાં 27 લોકોનાં મોત થયાં. ઈસ્માઈલને હજી સુધી એ પણ ખબર નથી પડી કે તેની બહેન જીવતી છે કે આગમાં બળીને તેનું મૃત્યું થયું છે. બહેનને શોધવા માટે તેણે 15 કલાક સુધી આસપાસની બધી હોસ્પિટલો તપાસી લીધી છે.

સાંજે અંદાજે 4 વાગે તેને મુસ્કાનનો ફોન આવ્યો હતો. એમાં મુસ્કાને કહ્યું હતું કે ભયંકર આગ લાગી છે. આવીને મને બચાવી લો. ઈસ્માઈલ ભાગીને 15 મિનિટમાં જ ત્યાં પહોંચી ગયો હતો. ઈસ્માઈલે બિલ્ડિંગ પર ચડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ત્યાં લાગેલા કાચના કારણે તેના હાથ લોહીલુહાણ થઈ ગયા અને તે અંદર ના જઈ શક્યો.

ઈસ્માઈલે તેની બહેન મુસ્કાનને શોધવા આસપાસની બધી હોસ્પિટલો તપાસી લીધી.
ઈસ્માઈલે તેની બહેન મુસ્કાનને શોધવા આસપાસની બધી હોસ્પિટલો તપાસી લીધી.

ઈસ્માઈલે જોયું કે ક્રેનમાં ફસાયેલા લોકોને ક્રેનમાંથી બહાર કાઢતી હતી. તેને આશા હતી કે તેની બહેન પણ બહાર આવી જશે, પરંતુ જે લોકો પણ બિલ્ડિંગમાંથી બહાર આવ્યા એમાં તેની બહેન ન હતી. ઈસ્માઈલ આખી રાત સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલ, સફદરજંગ હોસ્પિટલ, રામમનોહર લોહિયા હોસ્પિટલના આંટા મારતો રહ્યો અને હજી પણ તે તેની બહેનને શોધી જ રહ્યો છે.

ડઝનો લોકો તેમના સંબંધીઓને શોધી રહ્યા છે
આઉટર દિલ્હીના મુંડકામાં આવેલી ચાર ફ્લોરની ઈમારતમાં 13 મેના રોજ લાગેલી ભયાનક આગમાં 27 લોકોનાં મોત થયાં છે. જોકે હજી સુધી એ નામોની યાદી જાહેર કરવામાં આવી નથી. ઘટનાસ્થળ અને હોસ્પિટલોની બહાર આ બિલ્ડિંગમાં કામ કરનારા લોકોના પરિવાર ભટકી રહ્યા છે.

મુંડકાના આ બિલ્ડિંગમાં શુક્રવારે સાંજે ભીષણ આગ લાગી હતી, જેમાં 27 લોકોનાં મોત થયાં
મુંડકાના આ બિલ્ડિંગમાં શુક્રવારે સાંજે ભીષણ આગ લાગી હતી, જેમાં 27 લોકોનાં મોત થયાં

અંદાજે એક ડઝન પરિવારજનોને હજી સુધી એ નથી ખબર કે તેમની બહેન, ભાભી, ભત્રીજી, નણંદ અત્યારે ક્યાં છે. જીવે છે કે મરી ગયાં. આ બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા મેન્યુફેક્ચરિંગનું કામ થાય છે અને મોટા ભાગે મહિલાઓ આ બિલ્ડિંગમાં કામ કરતી હતી. અગ્નિકાંડમાં પીડિતોમાં પણ મોટા ભાગે મહિલાઓ જ છે.

ગર્લફ્રેન્ડનો વીડિયો કોલ આવ્યો હતો, પરંતુ હું કશું ના કરી શક્યો
ઈસ્માઈલની જેમ સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલની બહાર અમને એક 20 વર્ષનો છોકરો મળ્યો. તે તેની ગર્લફ્રેન્ડને શોધતો હતો. તે પણ એ જ બિલ્ડિંગમાં કામ કરતી હતી, જેમાં આગ લાગી હતી. તેણે જણાવ્યું, સાંજે 5 વાગે મારી ગર્લફ્રેન્ડનો ફોન આવ્યો. તે ચીસો પાડતી હતી કે અહીં આગ લાગી છે. મને બચાવી લો. પણ હું તેને હિંમત આપવા સિવાય બીજું કશું ના કરી શક્યો. ફોન પત્યોને હું તરત ત્યાં પહોંચ્યો ,પરંતુ હજી સુધી મારી ગર્લફ્રેન્ડની કોઈ માહિતી નથી મળી.

જશોદા દેવી 5-6 હજાર રૂપિયા કમાતી હતી, આગ લાગ્યા પછીથી ગુમ છે
મૂળ બિહારની રિંકુ કુમારની 35 વર્ષની ભાણી જશોદા દેવીનું આગ લાગ્યાના 8 કલાક પછી પણ કોઈ ખબર મળ્યા નથી. રિંકુએ 3-4 હોસ્પિટલોના આંટા મારી લીધા છે અને પોલીસવાળાઓને પણ પૂછ્યું છે, પરંતુ હજી સુધી કોઈ માહિતી મળી નથી.

રિંકુ તેની ભાણી જશોદાને શોધવા 5 હોસ્પિટલો ખૂંદી વળ્યો છે, પરંતુ હજી તે ક્યાં છે ખબર નથી પડી.
રિંકુ તેની ભાણી જશોદાને શોધવા 5 હોસ્પિટલો ખૂંદી વળ્યો છે, પરંતુ હજી તે ક્યાં છે ખબર નથી પડી.

સાંજે અંદાજે 5 વાગે રિંકુને ખબર પડી કે કેમેરા બનાવતી તે બિલ્ડિંગમાં આગ લાગી છે, જ્યાં તેની ભાણી કામ કરે છે. રિંકુ અત્યારે ઘટનાસ્થળની સામે હાથમાં તેની ભાણીનો ફોટો લઈને ઊભો છે, જેથી આવતાજતા કોઈને પૂછી શકે કે તેની ભાણી ક્યાં છે. રિંકુએ જણાવ્યું હતું કે જશોદા દેવી CCTV બનાવતી આ ફેક્ટરીમાં છેલ્લાં 3 વર્ષથી કામ કરતી હતી અને તેને અંદાજે 5-6 હજાર પગાર મળતો હતો.

કોઈક તો કહો મારી બહેન ક્યાં છે, કોઈ જવાબ નથી આપતા
હોસ્પિટલ બહાર બાંકડા પર બેઠેલી મુન્નીની આંખોમાં પાણી આવી ગયા છે. મુન્નીની 45 વર્ષની નણંદ ભારતી એ જ બિલ્ડિંગમાં નોકરી કરતી હતી, જ્યાં આગ લાગી છે. હજી સુધી ભારતી ક્યાં છે એ કોઈને ખબર નથી. ભારતીનો ભાઈ ગૌરવ હતાશ થઈ ગયો છે. લોકોને તેના વિશે કહીને તે હવે કંટાળી ગયો છે અને અંતે તે ખિજાઈને કહે છે કે તમે મારી બહેન વિશે માહિતી પછી લેજો, અત્યારે કોઈક એ તો કહો કે એ છે ક્યાં. ના હોસ્પિટલ કહે છે, ના પોલીસ.

સંજય ગાંધી હોસ્પિટલની બહાર જ સલમાન અંસારી તેની 35 વર્ષની મામી મુસર્રતનો ફોટો લઈને લોકોને પૂછી રહ્યો છે કે શું તમે આમના વિશે કંઈ જાણો છો? મુસર્રત દોઢ વર્ષથી તે જ બિલ્ડિંગમાં હેલ્પર તરીકે કામ કરે છે. સલમાને જણાવ્યું કે તેને 5 વાગ્યા આસપાસ ખબર પડી કે બિલ્ડિંગમાં આગ લાગી છે, પરંતુ હજી સુધી તેની મામીની કંઈ ખબર નથી પડી.

મુન્ની તેની નણંદ ભારતીને શોધવા ઠેર ઠેર ફરી રહી છે.
મુન્ની તેની નણંદ ભારતીને શોધવા ઠેર ઠેર ફરી રહી છે.

ઘટનામાં મોટે ભાગે મહિલાઓ
મુંડકાના જે બિલ્ડિંગમાં આગ લાગી ત્યાં મોટા ભાગે મહિલા કર્મચારીઓ જ કામ કરતી હતી અને અગ્નિકાંડમાં પીડિતોમાં પણ મોટે ભાગે મહિલાઓ જ છે. ઘટનાસ્થળે મોડી સાંજે પહોંચ્યા ત્યારે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે બિલ્ડિંગમાં મોટે ભાગે મહિલાઓ જ કામ કરતી હતી. ઘટનાસ્થળે પણ તમામ જગ્યાએ મહિલાઓનાં ચંપલ અને સેન્ડલ વિખેરાયેલાં પડ્યાં હતાં, જેનાથી જણાતું હતું કે અહીં મોટા ભાગે મહિલાઓ જ કામ કરતી હતી.

અન્ય સમાચારો પણ છે...