તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bengal Governor Calls Mamata Reasons False Narrative, Jagdeep Dhankhar, Mamata Banerjee, PM Modi

કેન્દ્ર Vs બંગાળ સરકાર:બંગાળના રાજ્યપાલ ધનખડે કહ્યું- મમતા જુઠ્ઠી છે, PMની મીટિંગમાં હાજર ના રહેવાનું જે કારણ જણાવ્યું છે એ ખોટું છે

21 દિવસ પહેલા

મમતા બેનર્જીના મુખ્ય સલાહકાર અલાપન બેનર્જી વિશે કેન્દ્ર અને બંગાળ સરકારનો વિવાદ હજી પૂરો થયો નથી, ત્યાં બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે મંગળવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીને જુઠ્ઠી ગણાવી દીધી છે. તેમણે કહ્યું હતું કે યાસ વાવાઝોડામાં થયેલા નુકસાનના રિવ્યૂ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક કરી હતી. આ બેઠકમાં મમતા પહોંચ્યાં નહોતાં. બેઠકમાં હાજર ન રહેવાનું કારણ તેમણે જે ગણાવ્યુંં છે એ ખોટું છે.

ધનખડે કહ્યું- જનતાની સેવા પર અભિમાન ભારે થઈ ગયું
ધનખડે ટ્વીટમાં કહ્યું- મમતા બેનર્જીએ 27 મે રાતે સવા અગિયાર વાગે મને મેસેજ કર્યો. તેમણે કહ્યું હતું કે શું હું અત્યારે તમારી સાથે વાત કરી શકું? અર્જન્ટ છે. મમતાએ ફોન પર એ વાતના સંકેત આપ્યા કે વડાપ્રધાનની મીટિંગમાં તે અને તેમના અધિકારીઓ નહીં જાય. જનતાની સેવાનું તેમના પર અભિમાન હાવી થઈ ગયું છે. ખોટી વાતોથી મજબૂર થઈને મેં આખો રેકોર્ડ રજૂ કરી દીધો.

મમતાએ થોડી મિનિટો માટે કરી હતી મોદી સાથે મુલાકાત
28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમી મિદનાપુરમાં બેઠક દરમિયાન વાવાઝોડા દરમિયાન થયેલા નુકસાનનો રિવ્યૂ કર્યો હતો. આ બેઠકમાં તેમણે મમતાની ઘણી રાહ જોવી પડી હતી. ત્યારે બંગાળના મુખ્ય સચિવ અલાપન બંધોપાધ્યાય પણ નહોતા પહોંચ્યા. ત્યાર પછી અલાપનને કેન્દ્રએ દિલ્હી બોલાવ્યા હતા, પરંતુ અહીંથી મમતા અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો હતો. મમતાએ અલાપનને મુખ્ય સચિવના પદ પરથી નિવૃત્ત કરીને પોતાના મુખ્ય સલાહકાર બનાવી દીધા છે. ત્યાર પછી કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તેઓ અલાપનને ચાર્જશીટ મોકલશે. ભલે તેઓ નિવૃત્ત થઈ ગયા હોય, પરંતુ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

મમતાએ બેઠક વિશે મોદીને પત્ર લખ્યો
મમતા બેનર્જીએ સોમવારે મોદીને પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું હતું કે તમે બેઠકનું સ્વરૂપ બદલી દીધું. તમે ગવર્નર અને અમુક મંત્રીઓને બેઠકમાં બોલાવ્યા. મેં એનો વિરોધ નથી કર્યો. તમે બેઠકમાં તમારી પાર્ટીના એક સ્થાનિક ધારાસભ્યને પણ બોલાવ્યો, જેની મને કોઈ જરૂર નહોતી લાગતી. PM અને CMની બેઠકમાં એક લોકલ ધારાસભ્યનું હોવું સ્વીકારી શકાય એવું નથી.

મીટિંગમાં રાહ જોવડાવવા મામલે મમતાનો ખુલાસો
આ વિશે પોતાનો પક્ષ રજૂ કરવા મમતા બેનર્જીએ શનિવારે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે ATCએ વડાપ્રધાનનું હેલિકોપ્ટર આવવાનું હોવાની વાત કહીને મને 20 મિનિટના અંતરે સાગર દ્વીપથી કલાઈકુંડા માટે રવાના થવાનું કહ્યું હતું. ત્યાર પછી કલાઈકુંડામાં પણ અંદાજે 15 મિનિટ પછી હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી મળી હતી. ત્યાં સુધીમાં વડાપ્રધાન પહોંચી ગયા હતા. મેં ત્યાં જઈને તેમને મળવાની મંજૂરી માગી, પરંતુ ઘણી રાહ જોયા પછી મને તેમને મળવાની મંજૂરી આપવામાં આવી હતી.

મમતાની પ્રેસ-કોન્ફરન્સની 3 મહત્ત્વની વાતો
1. વિપક્ષના નેતાને મીટિંગમાં બોલાવવાનું શું મહત્ત્વ

​​​​​​ પહેલાં સમીક્ષા બેઠક વડાપ્રધાન અને મુખ્યમંત્રી વચ્ચે થવાની છે. એ માટે મેં મારી મુલાકાતોમાં ઘટાડો કર્યો અને કલાઈકુંડા જવાનો કાર્યક્રમ બનાવ્યો. ત્યાર પછી બેઠકમાં આમંત્રિત લોકોની યાદીમાં રાજ્યપાલ, કેન્દ્રીય મંત્રીઓ અને વિપક્ષનાં નેતાનાં નામ પણ સામેલ હતાં, તેથી મેં બેઠકમાં ભાગ ના લીધો, કારણ કે ગુજરાત અને ઓડિશાની બેઠકમાં તો વિપક્ષના નેતાઓને બોલાવવામાં આવ્યા નહોતા.

2. મને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે

સાંજે વડાપ્રધાન અને ગૃહમંત્રી ઓફિસથી મને બદનામ કરવાના અભિયાન અંતર્ગત સતત નિવેદનો જાહેર કરવામાં આવ્યાં. ત્યાર પછી રાજ્ય સરકાર સાથે ચર્ચાવિચારણાં કર્યા વગર મુખ્ય સચિવને અચાનક દિલ્હી બોલાવવામાં આવ્યા. વડાપ્રધાન અને કેન્દ્ર સરકાર હંમેશાં ઝઘડો કરવાના મૂડમાં જ હોય છે. હકીકતમાં ભાજપ તેની હાર પચાવી નથી શકતી. એથી બદલાના રાજકારણ અંતર્ગત આવું વર્તન કરવામાં આવી રહ્યું છે.

3. રાજ્ય સરકારને અશાંત કરવાનો આરોપ લગાવાયો

મુખ્ય સચિવને દિલ્હી બોલાવીને કેન્દ્ર સરકાર વાવાઝોડા રાહત અને કોવિડ સામેની લડાઈમાં સરકારને અશાંત કરવા માગે છે. ખબર નહીં કેમ, કેન્દ્ર સરકાર બંગાળથી આટલી નારાજ કેમ છે? જો મારાથી કોઈ નારાજગી હોય તો બંગાળના લોકોના હિત માટે હું વડાપ્રધાનના પગ પકડીને માફી માગવા તૈયાર છું. કેન્દ્ર સરકાર અહીં ગંદી રમત રમી રહી છે. મમતાએ કેન્દ્રને મુખ્ય સચિવને પ્રતિનિયુક્તિ માટે બોલાવાના આદેશને રદ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર મુખ્ય સચિવને રાજકીય બદલાનો શિકાર ના બનાવે.