દેશની એક લોકસભા બેઠક અને ચાર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. બંગાળની આસનસોલ લોકસભા બેઠક ઉપરથી TMCના શત્રુઘ્ન સિંહા, જ્યારે બાલીગંજ વિધાનસભા બેઠક પરથી TMCના જ બાબુલ સુપ્રિયોએ મોટી જીત હાંસલ કરી છે. બીજી બાજુ બિહારના બોચહાં વિધાનસભા બેઠક પર RJDના અમર પાસવાન વિજયી થયા છે.
મહારાષ્ટ્રના કોલ્હાપુર નોર્થ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જયશ્રી જાધવે ભાજપના સત્યજીત કદમને આશરે 19,000 મતથી હાર આપી હતી. છત્તીસગઢના ખૈરાગઢ વિધાનસભા બેઠક પરથી પણ કોંગ્રેસના યશોદા વર્મા 20,167 મતથી જીત મેળવી છે. ભાજપને આ પેટાચૂંટણીમાં કોઈ સ્થળે જીત મળી નથી.
બંગાળમાં TMની ભારે જીત
આસનસોલ લોકસભા બેઠક પર શત્રુઘ્ન સિંહાએ જીત મેળવી છે. તેમણે ભાજપના અગ્નિમિત્રા પોલને 3 લાખ 3 હજાર 209 મતોથી હાર આપી છે. આ બેઠક અગાઉ બાબુલ સુપ્રિયોના રાજીનામા બાદ ખાલી થઈ હતી. સુપ્રિયો ભાજપ છોડીને TMCમાં સામેલ થયા હતા.
બાલીગંજ વિધાનસભા બેઠક પર બાબુલ સુપ્રિયો 20 હજાર 228 મતથી જીત્યા છે. તેમણે ભાજપના કેયા ઘોષ અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના સાયરા શાહને હરાવ્યા છે. આ બેઠક ભૂતપુર્વ ધારાસભ્ય અને રાજ્યના મંત્રી સુબ્રત મુખર્જીના અવસાન બાદ ખાલી પડી હતી.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસની જીત
મહારાષ્ટ્રની કોલ્હાપુર ઉત્તર વિધાનસભા બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. કોંગ્રેસના જયશ્રી જાધવે ભાજપના સત્યજીત કદમને આશરે 19 હજાર મતોથી હરાવ્યા હતા. આ બેઠક પણ ડિસેમ્બર 2021માં કોવિડ-19થી કોંગ્રેસ ધારાસભ્ય ચંદ્રકાંત જાધવના અવસાન બાદ ખાલી થઈ હતી. તેને લીધે અહીં પેટાચૂંટણી યોજાઈ હતી. આ બેઠક પર 15 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા.
બિહારની બોચહા વિધાનસભા બેઠક
બિહારના મુઝફ્ફરપુર જિલ્લાની બોચહા વિધાનસભા બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ હતી. ધારાસભ્ય મુસાફિર પાસવાનના નિધન બાદ ખાલી થયેલી આ સીટ પર 13 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય થયો હતો.
RJDના અમર પાસવાને ભાજપના બેબી કુમારીને 36,653 મતથી હાર આપી જીત મેળવી છે. અહીં 13 ઉમેદવારોમાંથી ત્રણ મહિલાઓ હતી. પાસવાને વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP) તરફથી ચૂંટણી લડી હતી. આ વખતે VIPએ ગીતા દેવીને મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે જ ભાજપે બેબી કુમારીને ટિકિટ આપી હતી.
છત્તીસગઢની ખૈરાગઢ વિધાનસભા બેઠક
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત રાજનાંદગાંવ જિલ્લામાં ખૈરાગઢ વિધાનસભા બેઠક જનતા કોંગ્રેસના ધારાસભ્ય દેવવ્રત સિંહના નિધન બાદ ખાલી પડી હતી. અહીં કોંગ્રેસના યશોદા વર્માએ 20 હજાર 167 મતથી જીત હાંસલ કરી છે. આ બેઠક પર 10 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. અગાઉ પણ ખૈરાગઢ વિધાનસભા સીટ પર સૌથી વધુ કોંગ્રેસનો કબજો રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.