• Gujarati News
  • National
  • Bangal Election Mamata Banerjee Losing Nandigram Seat Now How Didi Can Remain Chief Minister

હારીને પણ જીત્યા મમતા:નંદીગ્રામ સીટ ગુમાવીને હવે મમતા કેવી રીતે બનશે મુખ્યમંત્રી? જાણો શું છે તેના નિયમો

5 મહિનો પહેલા
મમતાની પાર્ટી TMC બંગાળમાં 221 સીટથી જીત્યા
  • મમતાએ છ મહિનાની અંદર વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્ય થવું જરૂરી

પશ્ચિમ બંગાળનો ચૂંટણી સંગ્રામ પૂરો થઈ ગયો છે. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની બધી રણીનિત પર પાણી ફરી વળ્યું છે અને મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે ફરી એક વાર બહુમતી મેળવીને સત્તા પર કબજો જમાવી લીધો છે. જોકે મમતા માટે આ જીતનો સ્વાદ હજી અધૂરો રહી ગયો છે. કારણકે બંગાળમાં TMC પાર્ટીએ તો જીત મેળવી લીઘી છે પરંતુ મમતા પોતાની નંદીગ્રામ સીટ પરથી હારી ગયા છે. હવે આ સંજોગોમાં દરેકના મનમાં સવાલ ઉભો થાય કે શું તેઓ મુખ્યમંત્રી બનશે? તો આવે આજે અમે તમને જણાવીએ કે, વિધાનસભા સીટ હાર્યા પછી પણ કેવી રીતે મુખ્યમંત્રી બની શકાય છે અને તેના નિયમો શું હોય છે...

બંગાળની નંદીગ્રામ વિધાનસભા સીટથી મમતા બેનરજીની સામે તેમના પૂર્વ સહયોગી અને ભાજપના ઉમેદવાર શુભેન્દ્ર અધિકારી મેદાનમાં હતા. શુભેન્દુ અધિકારીએ માત્ર 1957 મતથી મમતાને હરાવી છે. નંદીગ્રામથી મમતા બેનરજી ચૂંટણી હારી ગયા છે પરંતુ રાજ્યમાં તેમની પાર્ટી ત્રીજી વાર બહુમતી સાથે પરત ફરી છે. આ સંજોગોમાં લોકોના મનમાં સવાલ છે કે, તેઓ મુખ્યમંત્રી કેવી રીતે બનશે અને તેઓ સત્તા કેવી રીતે સંભાળશે?

હારીને પણ સીએમ બની શકાય છે, તે માટે આ નિયમ
મુખ્યમંત્રી બનવા માટે આમ તો વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્ય હોવું જરૂરી છે. પરંતુ જો ઉમેદવાર વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્ય ના હોય તો છ મહિનાની અંદર સભ્ય બનવું જરૂરી હોય છે. નિયમો પ્રમાણે મુખ્યમંત્રી પદના શપથ વિધાયક ના હોવ તો પણ લઈ શકાય છે. ત્યારપછી મુખ્યમંત્રીને છ મહિનાનો સમય મળતો હોય છે. તે નક્કી કરેલી સીમાની અંદર તેમણે વિધાનસભા અથવા વિધાન પરિષદનું સભ્ય બનવું જરૂરી હોય છે. જો આવું ના થાય તો તેમણે મુખ્યમંત્રી પદ છોડવુ પડે છે.

દીદીએ હાર સ્વીકારી પણ એટિટ્યૂડ પણ દેખાડ્યો
નોંધનીય છે કે, મમતા બેનરજી કાંટાની ટક્કરમાં શુભેન્દુ અધિકારીથી 1957 મતથી હારી ગઈ છે. તેણે પોતાની હાર સ્વીકારી લીધી છે. પરંતુ તે સાથે જઆરોપ પણ લગાવ્યો છે કે, પહેલાં તેમને જીતેલા જાહેર કરવામાં આવ્યા અને પછી દબાણમાં આવીને ચૂંટણી પંચે તેમનો નિર્ણય બદલી દીધો. બંગાળમાં ટીએમસીએ જીત પછી મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, નંદીગ્રામ વિશે ચિંતા ના કરો. નંદીગ્રામના લોકો જે પણ જનાદેશ આપશે તેને હું સ્વીકારું છું. મને કોઈ પ્રોબ્લેમ નથી. અમે 221 કરતા વધારે સીટો જીતી અને ભાજપ ચૂંટણી હારી ગઈ છે. હું જનાદેશનો સ્વીકાર કરુ છું. પરંતુ હું કોર્ટ જઈશ, કારણકે મને ખબર છે કે, પરિણામોની જાહેરાત પછી જે હેરાફેરી કરવામાં આવી છે તેનો હું ખુલાસો કરીશ.

આ પહેલાં આ મુખ્યમંત્રીઓ પણ ધારાસભ્ય નહતા
આ પહેલાં ઘણાં નેતાઓ ધારાસભ્ય બન્યા વગર પણ મુખ્યમંત્રી પદ સંભાળી ચૂક્યા છે. તેમાં ઉત્તર પ્રદેશથી રાજનાથ સિંહ, મુલાયમ સિંહ યાદવ, માયાવતી, અખિલેશ યાદવ અને હાલના સીએમ યોગી આદિત્યનાથ પણ સામેલ છે. બિહારથી લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને નીતીશ કુમાર જેવા પણ ઉદાહરણ છે. મધ્યપ્રદેશથી કમલનાથ, મહારાષ્ટ્રથી ઉદ્ધવ ઠાકરે પણ મુખ્ય ઉદાહરણ છે.
તાજેતરમાં ઉત્તરાખંડના સીએમ બનનાર તીરથ સિંહ રાવત પણ કોઈ ગૃહમાંથી સભ્ય નથી. મમતા બેનરજી પોતે પણ જ્યારે 2011માં પહેલીવાર પશ્ચિમ બંગાળમાંથી મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ પણ ધારાસભ્ય નહતા.
2017માં જ્યારે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ કોઈ ગૃહના સભ્ય નહતા. તેઓ તે પછીના છ મહિનામાં વિધાનપરિષદના MLCના સભ્ય બન્યા હતા. એટલું જ નહીં રાજ્યના બે ઉપમુખ્યમંત્રી દિનેશ શર્મા અને કેશવ પ્રસાદ મૌર્ય પણ શપથ લીધા ત્યાં સુધી કોઈ ગૃહના સભ્ય નહતા અને આગામી છ મહિનામાં તેઓ MLCમાં ચૂંટાયા હતા.

આ મુખ્યમંત્રીઓ પણ વિધાનસભા ચૂંટણીમાં તેમની સીટ નહતા બચાવી શક્યા

સિદ્ધારમૈયા

​​​​​​2013માં કોંગ્રેસે કર્ણાટક ચૂંટણી જીતી હતી અને સિદ્ધારમૈયા મુખ્યમંત્રી બન્યા હતા. 2018માં તેમણે બે સીટ પરથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. પહેલી મૈસુર લોકસભા સીટની ચાંમુડેશ્વરી સીટ અને બીજી બગલકોટ લોકસભા સીટની બાદામી સીટ. તેઓ ચામુંડેશ્વરીમાં 36.042 વોટથી હારી ગયા હતા. જ્યારે બાદામી સીટ પરથી પણ 1696 વોટથી જ જીત મળી હતી.

હરીશ રાવત-

કોંગ્રેસના હરીશ રાવત 2014થી 2017 સુધી ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહ્યા. ચાર વાર સાંસદ અને એક વખત ધારાસભ્ય બન્યા. 2014માં ધરચુલા વિધાનસભા સીટની પેટા ચૂંટણી જીતીને મુખ્યમંત્રી બન્યા. જોકે ત્રણ વર્ષ પછી 2017માં ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં તેઓ બે સીટ પરથી ચૂંટણીમાં ઉભા રહ્યા અને બંને હારી ગયા. પહેલી સીટ હરિદ્વાર રુરલ પર તેમને બીજેપીના યતીશ્વરાનંદે 12278 મતથી હરાવ્યા. જ્યારે બીજી સીટ કિચ્ચા પર પણ બીજેપી ઉમેદવાર રાજેશ શુક્લાએ તેમને 2,127 મતથી હરાવ્યા હતા.

રઘુબર દાસ-

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં રઘુબર દાસ સાથે પણ આ જ થયું હતું. પાંચ વર્ષ સુધી સરકાર ચલાવનાર પહેલાં સીએમ 2019ની ચૂંટણીમાં પોતાની સીટ ગુમાવી દીધી હતી. જ્યારે 24 વર્ષના ધારાસભ્ય ચૂંટણી જીતી કહ્યા હતા. જમશેદપુરની સીટ પર તેમને તેમના જ કેબીનેટ મંત્રી રહેલા સરયુ રાયે હરાવ્યા હતા. સરયુએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.

લક્ષ્મીકાંત પારસેકર-

નવેમ્બર 2014થી માર્ચ 2017 સુધી ગોવાના મુખ્યમંત્રી રહેલા પારસેકર તેમના નિવેદનોના કારણે ખૂબ ચર્ચામાં રહ્યા હતા. તેમણે તેમની પહેલી ચૂંટણી 1988માં લડી હતી. જેમાં તેઓ હારી ગયા હતા. 1999ની ચૂંટણી પણ તેઓ હારી ગયા હતા. 2002માં પહેલીવાર જીત મળી હતી. 2000-2003 અને 2010-2012 સુધી ગોવા બીજેપીના અધ્યક્ષ રહ્યા હતા. 2014માં તેમને ત્યારે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા જ્યારે સીએમ મનોહર પર્રિકરને કેન્દ્રમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ પોતાની સીટ પરથી હારી ગયા હતા. મેંદરિમ સીટ પર તેમને કોંગ્રેસના દયાનંદ રઘુનાથ સોપતેએ 7,119 વોટથી હરાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...