તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Baba Ka Dhaba:ઢાબાના માલિક કાંતા પ્રસાદે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, ભારે નુકસાન પછી બંધ થઈ ગઈ હતી રેસ્ટોરાં

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કાંતા પ્રસાદે ઊંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
  • તાજેતરમાં જ ગૌરવની માફી માગી હતી

એક વાઇરલ વીડિયોને કારણે દેશભરમાં લોકપ્રિય બનેલા 'બાબા કા ઢાબા'ના માલિક કાંતા પ્રસાદે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે.તેમને ગુરુવાર રાત્રે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસના જણાવ્યા મુજબ દારુ અને ઉંઘની ગોળીઓ ખાધા પછી તેઓ બેભાન થઈ ગયા હતા. તેમના પુત્રનું નિવેદન લેવાયું છે. હાલ સફદરજંગ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલે છે. પ્રારંભિક તપાસમાં પોલીસને આશંકા છે કે તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.

એક વાઇરલ વીડિયોએ પ્રસિદ્ધિ અપાવી
દિલ્હીના માલવીયનગરમાં 80 વર્ષીય વૃદ્ધ યુગલ 'બાબા કા ઢાબા' ચલાવતું હતું, પરંતુ પ્રથમ લૉકડાઉન અને ત્યાર બાદની પરિસ્થિતિને કારણે યુગલ આર્થિક તંગીનો સામનો કરતું હતું. ત્યાર બાદ સ્વાદ ઓફિશિયલના ગૌરવ વાસને ​​​​ઉતારેલો આ યુગલનો વીડિયો દેશભરમાં વાઇરલ થયો હતો અને 'બાબા કા ઢાબા' પર લોકોની ભીડ ઊમટી પડી હતી, સાથે દેશભરમાંથી બાબાને મદદનો ધોધ વહ્યો હતો.

ગૌરવ સાથે બાબા અને તેમનાં પત્ની.
ગૌરવ સાથે બાબા અને તેમનાં પત્ની.

બોલિવૂડ સેલિબ્રિટી પણ બાબાના સપોર્ટમાં આવી હતી
એક વાઈરલ વીડિયો બાદ અભિનેત્રી રવિના ટંડન, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર સહિત ઘણી સેલિબ્રિટી બાબાના સપોર્ટમાં આવી હતી. આ સેલિબ્રિટીએ લોકોને તેમની મદદ કરવાની અપીલી કરી હતી. બાબાની તે સમયની સ્થિતિ જોઈને મોટી સંખ્યામાં લોકો તેમના ઢાબા ઉપર ઉમટી પડ્યા હતા.

બાબાની દયનિય સ્થિતિનો વીડિયો વાઈરલ થતાં મોટી સંખ્યામાં લોકો તેમનું ફૂડ ખાવા માટે ઉમટી પડ્યા હતા.
બાબાની દયનિય સ્થિતિનો વીડિયો વાઈરલ થતાં મોટી સંખ્યામાં લોકો તેમનું ફૂડ ખાવા માટે ઉમટી પડ્યા હતા.

બાબા ચર્ચામાં આવતાં ફૂડ બ્રાન્ડ પણ એકબીજા સાથે ખેંચતાણ કરવા લાગી હતી. વાઈરલ વીડિયોના પાંચેક દિવસ બાદ એક બ્રાન્ડ સવારે પોતાનું પોસ્ટર લગાવે છે તો બીજી બ્રાન્ડ બપોર સુધીમાં એ પોસ્ટર હટાવીને પોતાનું પોસ્ટર લગાવી દેતી હતી, પરંતુ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે બાબાએ પોતાને જ ફેમસ બનાવનારા યુટ્યૂબર ગૌરવ વાસન સામે જ પોલીસ ફરિયાદ નોંધાવી કે તેણે મારી સાથે નાણાકીય છેતરપિંડી કરી છે અને મને મળેલી મદદના પૈસા ચાઉં કરી ગયો છે. ત્યાર બાદ ઘણા લોકો બાબાને નફરતની નજરે જોવા લાગ્યા અને ધમકી પણ આપવા લાગ્યા હતા.

પ્રસિદ્ધિ મળ્યા પછી બાબાએ રેસ્ટોરાં પણ ખોલી હતી.
પ્રસિદ્ધિ મળ્યા પછી બાબાએ રેસ્ટોરાં પણ ખોલી હતી.

રેસ્ટોરાં વધારે સમય ના ચાલી
લોકપ્રિય બન્યા બાદ તેમણે પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરીને રેસ્ટોરાં ખોલી હતી. તેમણે ત્રણ વ્યક્તિને કામે પણ રાખ્યા હતા. પરંતુ કોરોના મહામારીમાં બીજા રાઉન્ડમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાતા તેમને મહિને 1 લાખના ખર્ચ સામે 35 હજારની આસપાસ આવક થતી હતી. આવું લાંબો સમય આવતા તેમણે રેસ્ટોરાં બંધ કરવી પડી હતી.

ગૌરવની માફી માગી
બાબાને પોતાની ભૂલ સમજાતાં તેમણે ગૌરવની જાહેરમાં માફી માગી હતી, સાથે કહ્યું હતું કે ગૌરવનો હેતુ અમને મદદ કરવાનો હતો. રેસ્ટોરાં બંધ થયા પછી બાબા પોતાના ઓરિજિનલ ઢાબામાં પરત આવી ગયા હતા. તેમણે કહ્યું હતું કે હવે તેઓ પોતાના છેલ્લા શ્વાસ સુધી અહીં જ ઢાબા ચલાવતા રહેશે. સલામતી માટે તેમણે પોતાના અને પોતાની પત્ની બદામી દેવી માટે 20 લાખ રૂપિયા બચાવી રાખ્યા છે.

1960માં દિલ્હી આવ્યા
કાતાં પ્રસાદે કહ્યું હતું, '1960માં હું ઉત્તર પ્રદેશના આઝમગઢથી દિલ્હી આવ્યો હતો. શરૂઆતમાં હું શાહદરા રહેતો હતો. આને યુમાન પાર પણ કહેવામાં આવે છે. પછી 1988માં માલવીય નગરની ઝૂંપડપટ્ટીમાં આવીને રહેવા લાગ્યો. શરૂઆતમાં ફળોની લારી ચલાવતો હતો. ત્યારબાદ 1990માં લાઈસન્સ મળી ગયું તો 'બાબા કા ઢાબા' શરૂ કર્યું હતું.'

ત્રણ વર્ષની ઉંમરમાં લગ્ન
બાબાના પત્ની બદામી દેવીના જણાવ્યા પ્રમાણે અમારા લગ્ન થયા ત્યારે મારી ઉંમર ત્રણ વર્ષની હતી અને કાંતા પ્રસાદ પાંચ વર્ષના હતા. યુવાન થઈ ત્યારે આણું થયું હતું. સાસરે આવ્યાનાં થોડાં દિવસ બાદ જ અમે દિલ્હી આવી ગયા હતા. મને વિશ્વાસ હતો કે કાંતા પ્રસાદ અને હું કંઈક ને કંઈક જુગાડ કરી જ લઈશું. જ્યારે 'બાબા કા ઢાબા' શરૂ કર્યું તો હું શાક સમારતી અને કાંતા પ્રસાદ શાક બનાવતા હતા.'