શ્રદ્ધાની હત્યા કરીને તેના લિવ ઈન પાર્ટનર આફતાબે આરી વડે મૃતદેહના 35 ટુકડા કરી નાંખ્યા હતા. શ્રદ્ધાના ઓટોપ્સી રિપોર્ટમાં આ વાત જણાવવામાં આવી છે. તેના 10 દિવસ પહેલા માઈટોકોન્ડ્રિયલ DNA રિપોર્ટમાં શ્રદ્ધાના વાળ અને હાડકાના સેમ્પલ મેચ થયાની પુષ્ટિ કરવામાં આવી હતી. જ્યારે ગયા મહીને આવેલ વઘુ એક DNA રિપોર્ટમાં મહેરોલી અને ગુરુગ્રામના જંગલોમાંથી પોલીસને મળેલા હાડકા પણ શ્રદ્ધાના જ હોવાનું સામે આવ્યું હતુ.
જે ફ્લેટમાં 26 વર્ષીય શ્રદ્ધા આરોપી આફતાબ સાથે રહેતી હતી ત્યાં મળેલા લોહીના નિશાન પણ શ્રદ્ધાના લોહી સાથે મેચ થયા છે. પોલીસે શ્રદ્ધાના પિતાના પણ સેમ્પલ લીધા બાદ આ DNA ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ રીતે પોલીસે ત્રણ મહત્વની તપાસમાં આરોપીઓ સામે પુરાવા મળ્યાનો દાવો કર્યો છે. આરોપી આફતાબ પૂનાવાલા જેલમાં છે.
આફતાબે 18 મેના રોજ શ્રદ્ધાની હત્યા કરી હતી
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર 28 વર્ષના આફતાબે 18 મેના રોજ 27 વર્ષની શ્રદ્ધાની હત્યા કરી હતી. બંને લિવ-ઈનમાં રહેતા હતા. આફતાબે શ્રદ્ધાની ડેડ બોડીના 35 ટુકડા કરી નાંખ્યા હતા. આ ટુકડાને રાખવા માટે 300 લિટરનું ફ્રિજ પણ ખરીદ્યું હતું. તે 18 દિવસ સુધી દરરોજ રાત્રે 2 વાગે મૃતદેહના ટુકડા ફેંકવા જંગલમાં જતો હતો.
આફતાબે નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટમાં હત્યાની કબૂલાત પણ કરી હતી
ગયા મહિને આફતાબનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેણે શ્રદ્ધાની હત્યાની કબૂલાત કરી હતી. દિલ્હીની બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલમાં 2 કલાક સુધી આફતાબનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આફતાબે ટેસ્ટમાં પૂછાયેલા મોટાભાગના પ્રશ્નોના જવાબ અંગ્રેજીમાં આપ્યા હતા. તેણે પોલીગ્રાફ ટેસ્ટમાં પણ શ્રદ્ધાને મારવાની વાત કબૂલ કરી હતી, જો કે તેણે પછી કહ્યું હતું કે તેને હત્યા કર્યાનો કોઈ અફસોસ નથી.
ક્રાઈમ શો વેબ સિરીઝ જોયા બાદ ગુનો છુપાવવાનો આઈડિયા આવ્યો
એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આફતાબને વેબ સિરીઝ અને ખાસ કરીને ક્રાઈમ શો જોવાની આદત હતી. તે જોઈને જ તે શીખ્યો હતો કે કેવી રીતે શ્રદ્ધાને પરિવાર અને મિત્રોની નજરમાં જીવતી બતાવી શકાય. શ્રદ્ધાના શરીરના અંગોને કરવતથી કાપીને ફ્રીજમાં રાખવામાં આવ્યા હતા અને 18 દિવસ સુધી સતત જંગલોમાં ઠેકાણે પાડવા માટેનો આઈડિયા પણ આ વેબ સિરીઝ અને ક્રાઈમ શોમાંથી જાણ્યો હતો. તેણે ગૂગલ દ્વારા લોહી સાફ કરવાનો રસ્તો પણ શોધી કાઢ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.