જામનગર 9 જાન્યુઆરીએ રાતે 11 વાગ્યાની આસપાસ મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી. એને લઇને જામનગર એરપોર્ટ ખાતે ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી હતી, જેમાં 236 પેસેન્જર અને આઠ ક્રૂ એટલે 244 લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા અને આ લોકોને એરપોર્ટના વેઈટિંગ લોન્જમાં બેસાડવામાં આવ્યા છે. ત્યારે બોમ્બ-સ્કવોડ દ્વારા બૉમ્બ-ડિટેકશન અને ડિસ્પોઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. NSGની બે ટીમે પણ આખી રાત વિમાનની તપાસ કરી હતી અને હવે સવારે મુસાફરોના તમામ સામાનની તપાસ કરવામાં આવી રહી છે. વિમાનમાંથી બોમ્બ કે કોઈ શંકાસ્પદ વસ્તુઓ ન મળતાં. NSG ક્લિયરન્સ આપ્યા બાદ બપોરે 12:48 વાગ્યે ફ્લાઈટે ઉડાન ભરી હતી.
ગોવા ATCને ધમકીનો મેલ મળ્યો હતો
ફ્લાઈટમાં બોમ્બની ધમકીનો મેલ ગોવા ATCને મળ્યો હતો, જેના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. ગોવા એર ટ્રાફિક કંટ્રોલને મેલ દ્વારા વિમાનમાં બોમ્બ હોવાની જાણકારી આપવામાં આવી હતી. જોકે હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ મેલ કોણે અને શા માટે મોકલ્યો હતો. આ AZUR ફ્લાઇટમાં 236 મુસાફર હતા, જે તમામ રશિયન નાગરિકો છે.
કંઈપણ શંકાસ્પદ ન મળ્યું
અધિકારીઓએ જણાવ્યું હતું કે મુસાફરો અને ક્રૂ-મેમ્બર, તેમના સામાન અને ફ્લાઈટની બે વખત તપાસ કરવામાં આવી છે. કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. બીજી તરફ ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર મળ્યા બાદ ગોવા એરપોર્ટ પર પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
રશિયન એમ્બેસીએ નિવેદન બહાર પાડ્યું
રશિયાએ કહ્યું, 'અમને ભારત તરફથી સમાચાર મળ્યા છે કે મોસ્કોથી ગોવા જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની વાત છે, તમામ મુસાફરો સુરક્ષિત છે.' રશિયન એરલાઈન્સ અઝુર એરએ એક નિવેદન જારી કરીને કહ્યું કે ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર મળ્યા બાદ ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. તપાસ બાદ જ આગળનો કોઈ નિર્ણય લેવામાં આવશે.
પોણા એક વાગ્યે ફ્લાઇટ ગોવા જવા રવાના થઇ
બીજી તરફ એસપી જામનગરે જણાવ્યું હતું કે તમામ મુસાફરો અને ક્રૂ-મેમ્બર સુરક્ષિત છે. બધાના નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. એ જ સમયે, ફ્લાઇટ ચેકિંગ માટે એનએસજી ટીમને બોલાવવા પર તેમણે કહ્યું હતું કે એ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ છે, આવા કિસ્સાઓમાં એનએસજી ટીમ દ્વારા ચેકિંગ માટે એસઓપી રહે છે. એનએસજી ટીમ તરફથી એનઓસી મળ્યા બાદ જ ફ્લાઈટ અહીંથી રવાના થઈ શકશે. જોકે, બાદમાં પોણા એક વાગ્યે ફ્લાઇટ ગોવા જવા રવાના થઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.