નવી સંસદના ઉદઘાટનને હવે 2 દિવસ બાકી છે. આ પહેલાં શુક્રવારે પહેલો વીડિયો રિલીઝ કરવામાં આવ્યો. વીડિયો એન્ટ્રી ગેટથી શરૂ થાય છે. પછી ગુંબજ અને બહારની દીવાલો પર અશોકચિહ્ન, આ પછી લોકસભા અને રાજ્યસભાનો નજારો જોવા મળે છે.
લોકસભા અને રાજ્યસભાના સ્પીકરની સીટની પાછળ વિશાળ અશોકચક્ર છે. લોકસભાના કાર્પેટ પર મોરપીંછની ડિઝાઈન છે. સભ્યોના ડેસ્ક પર સમાન પ્રતીકાત્મક ડિઝાઇન બનાવવામાં આવી છે. દરેક ડેસ્ક પર સ્ક્રીન છે.
માય સંસદ માય પ્રાઇડ હેશ ટેગ સાથે વીડિયો શેર કરતાં પીએમ મોદીએ લખ્યું- નવી સંસદ દરેક ભારતીયને ગર્વ કરાવે છે. આ વીડિયો સંસદની ભવ્યતા દર્શાવે છે. લોકોને તેમના વિચારો અને વોઈસ ઓવર સાથે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવા અપીલ કરી છે. આમાંથી કેટલાક સારા વીડિયો તેઓ રીટ્વીટ કરશે.
બીજી તરફ, નવા સંસદભવનના ઉદઘાટનને લઈને કોંગ્રેસ અને ભાજપ સામસામે આવી ગયાં છે. કોંગ્રેસે સેંગોલ (રાજદંડ) પરના ભાજપના દાવાઓને ખોટા ગણાવ્યા છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે સત્તાના હસ્તાંતરણના પ્રતીક તરીકે સ્વતંત્રતા સમયે નેહરુને સેંગોલ સોંપવામાં આવ્યો હોવાના કોઈ દસ્તાવેજી પુરાવા નથી. આને લગતા તમામ દાવા ખોટા છે.
દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસીઓએ સેંગોલને વૉકિંગ સ્ટિક સમજીને મ્યુઝિયમમાં મોકલી દીધો. નવી સંસદના ઉદઘાટન દરમિયાન પીએમ મોદી 75 રૂપિયાનો સિક્કો પણ બહાર પાડશે.
જયરામ રમેશે કહ્યું- વ્હોટ્સએપ યુનિવર્સિટીમાંથી જૂઠ ફેલાવવામાં આવી રહ્યું છે
જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું છે કે નવી સંસદ વ્હોટ્સએપ યુનિવર્સિટીમાંથી મળેલા જ્ઞાનથી દૂષિત થઈ રહી છે એ આશ્ચર્યની વાત નથી. ભાજપ-RSS પુરાવા વગર તથ્યોને રજૂ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું- સેંગોલ વિશે વધુ જાણકારી ન હોવાના કારણે વધુ એકવાર ભાજપનો પર્દાફાશ થયો છે.
શાહે કહ્યું- કોંગ્રેસ સેંગોલને 'વૉકિંગ સ્ટિક' માને છે
સેંગોલનો વિરોધ કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે શુક્રવારે ટ્વીટ કર્યું - કોંગ્રેસ પાર્ટી ભારતીય પરંપરાઓ અને સંસ્કૃતિને આટલી બધી નફરત કેમ કરે છે? પંડિત નેહરુને તામિલનાડુમાં એક પવિત્ર શૈવ મઠ દ્વારા ભારતની સ્વતંત્રતાના પ્રતીક તરીકે પવિત્ર સેંગોલ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસે એને 'વૉકિંગ સ્ટિક' ગણીને મ્યુઝિયમમાં મોકલી દીધો. કોંગ્રેસ ખોટો ઇતિહાસ બતાવી રહી છે. કોંગ્રેસે તેની વિચારસરણી પર વિચાર કરવાની જરૂર છે.
₹75નો સિક્કો બહાર પાડવામાં આવશે, સિક્કાની એક તરફ અશોક સ્તંભ અને બીજી બાજુ સંસદની તસવીર હશે
28 મેના રોજ નવી સંસદના ઉદઘાટન પ્રસંગે 75 રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કરવામાં આવશે. એની એક તરફ અશોક સ્તંભ અને એની આજુબાજુ ભારત અને ઈન્ડિયા લખેલું હશે. એની નીચે રૂપિયાના ચિહ્ન સાથે 75 લખવામાં આવશે.
સિક્કાની બીજી બાજુ સંસદની તસવીર હશે અને તેની નીચે 2023 લખેલું હશે. આ સિક્કો કોલકાતાની ટંકશાળમાં બનાવવામાં આવ્યો છે. આ પ્રસંગે સ્ટેમ્પનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
PM મોદીના ઉદ્ઘાટન સામે 20 પક્ષોનો વિરોધ, 25 જોડાશે
વિપક્ષી દળો નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ પાસે કરાવવાની માંગ કરી રહ્યા છે. આ જ કારણ છે કે 20 વિરોધ પક્ષોએ સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. તેમનો આરોપ છે કે રાષ્ટ્રપતિને ન બોલાવવા એ દેશના સર્વોચ્ચ બંધારણીય પદનું અપમાન છે.
ઉદઘાટન સમારોહ શેડ્યૂલ
કેવી હશે સમારોહ? તેની સત્તાવાર માહિતી હજી આપવામાં આવી નથી, પરંતુ ANI સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, તે બે તબક્કામાં હશે. પ્રથમ તબક્કાના કાર્યક્રમો ગાંધી પ્રતિમા પાસેના પંડાલમાં યોજાશે. સવારે 9:30 વાગ્યા સુધી પૂજા અને અન્ય ધાર્મિક વિધિઓ થશે. બીજા તબક્કાની શરૂઆત બપોરે લોકસભા ચેમ્બરમાં રાષ્ટ્રગીત સાથે થશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.