કોંગ્રેસે મોંઘવારી, GST અને કેન્દ્ર સરકારની નીતિઓ વિરૂદ્ધ શુક્રવાર સવારથી જ સંસદથી સડક સુધી પ્રદર્શન કર્યા. સૌથી પહેલા સોનિયાએ કોંગ્રેસના સાંસદોની સાથે સંસદમાં કાળા કપડાં પહેરીને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા.
રાહુલ સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કાઢવા ગયા પરંતુ પોલીસે તેમને રોકી લીધા અને અટકાયત કરી. જે બાદ પ્રિયંકા ગાંધી પોતાના સાંસદોની સાથે PM આવાસને ઘેરવા માટે નીકળ્યાં, પરંતુ અહીં પણ પોલીસે તેમને આગળ ન વધવા દીધા.
શાહે કહ્યું- આજે તો EDની પૂછપરછ પણ ન હતી, તો પછી વિરોધ કેમ
ગૃહ મંત્રી અમિત શાહે દિવસભર ચાલેલા પ્રદર્શન પછી સાંજે નિવેદન આપ્યું. તેમને કહ્યું- આજે તો EDની પૂછપરછ પણ ન હતી તો પછી કોંગ્રેસે પ્રદર્શન કેમ કર્યા. આજે રામ મંદિરનો પાયો નંખાયો હતો. કોંગ્રેસ ગુપ્ત રીતે તેનો વિરોધ કરી રહી છે. શાહે કાળા કપડાંમાં પ્રદર્શન કરવા પર પણ સવાલ ઉઠાવ્યો. કહ્યું કે જે દિવસે રામ મંદિરનું શિલાપૂજન થયું, તે દિવસે જ વિરોધ પ્રદર્શન કેમ કરવામાં આવ્યા. કોંગ્રેસ આ રીતે તુષ્ટિકરણની પોતાની નીતિને આગળ વધારી રહ્યાં છે.
રાહુલ બાદ પ્રિયંકા ગાંધીની પણ અટકાયત
રાહુલની અટકાયત બાદ હેડક્વાર્ટરમાં હાજર પ્રિયંકા ગાંધીએ મોરચો સંભાળ્યો હતો અને તેઓ તેમના સાંસદો સાથે પીએમ આવાસનો ઘેરાવ કરવા માટે નીકળ્યા હતા, પરંતુ અહીં પણ પોલીસે તેમને અટકાવ્યા હતા. પરિણામે તેઓ રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા. પોલીસે તેમની પણ અટકાયત કરી હતી. આ દરમિયાન અજય માકન, સચિન પાયલટ, હરીશ રાવત, અભિનાશ પાંડે સહિત કોંગ્રેસના તમામ મોટા નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.
રાહુલ ગાંધીની અટકાયત
કોંગ્રેસના વિરોધ વચ્ચે સમાચાર છે કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ રાષ્ટ્રપતિ ભવન તરફ આગળ વધી રહેલા કોંગ્રેસના સાંસદોને પોલીસે અટકાવી દીધા છે.
મોંઘવારી અને બેરોજગારી સામે કોંગ્રેસની માર્ચ, રાહુલ ગાંધી પણ જોડાયા
કોંગ્રેસના સાંસદોએ મોંઘવારી અને બેરોજગારી સામે પોતાનો વિરોધ નોંધાવવા સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કરી હતી. આ પદયાત્રામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પણ જોડાયા હતા. કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે કહ્યું હતું કે સ્પષ્ટ છે કે આ દેશમાં અમે લોકો પરના હુમલા સામે લડી રહ્યા છીએ. આ લડાઈ લાંબી છે અને અમે લડતા રહીશું. બેરોજગારી અને મોંઘવારી અમારા મુદ્દા છે.
રાહુલે કહ્યું- આજે દેશમાં લોકશાહી નહીં, માત્ર સરમુખત્યારશાહી; દરરોજ લોકશાહીની હત્યા થઈ રહી છે
મોંઘવારી, બેરોજગારી, જીએસટી અને તપાસ એજન્સીના દુરુપયોગના મુદ્દે કોંગ્રેસ શુક્રવારે દેશભરમાં વિરોધપ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. તેણે કહ્યું હતું કે આજે દેશમાં લોકશાહી નથી, માત્ર સરમુખત્યારશાહી જ છે.
જે કોઈ વિરોધ કરે છે તેની ધરપકડ કરવામાં આવે છે, આજે હિન્દુસ્તાનની આવી હાલત
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે આજે ભારતમાં લોકશાહી નથી. લોકશાહી મરી ગઈ છે. આજે ચાર લોકોની સરમુખત્યારશાહી છે. અમે મોંઘવારી અને લોકોને શું વહેંચવામાં આવી રહ્યું છે એના પર બોલવા માગીએ છીએ. અમને સંસદ ભવનમાં બોલવા દેવામાં આવતા નથી. જે કોઈ વિરોધ કરે છે તેની ધરપકડ કરવામાં આવે છે. આજે હિન્દુસ્તાનની આ હાલત છે.
પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં સતત વધારો, સૌથી વધુ બેરાજગારી ભારતમાં
તેમણે વધુમાં કહ્યું હતું કે આજે સૌથી વધુ બેરોજગારી ભારતમાં છે. પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે, પણ નાણામંત્રીને આ દેખાઈ રહ્યું નથી?. તમે દેશના કોઈપણ ગામ કે શહેરમાં જાઓ અને પૂછશો તો તે લોકો જણાવશે કે આજે મોંઘવારીમાં પિસાઈ રહ્યા છીએ, પણ સરકારને આ બધું દેખાતું નથી.
રાહુલની પ્રેસ-કોન્ફરન્સની મોટી વાતો
1. દરેક સંસ્થામાં RSSનો માણસઃ દેશમાં દરેક સંસ્થામાં આરએસએસનો માણસ બેઠો છે. તે સરકારના નિયંત્રણમાં છે. જ્યારે અમારી સરકાર હતી ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન્યૂટલ હતું. અમે એમાં દખલગીરી કરી નથી. આજે એ સરકાર પાસે છે. જો કોઈ વિરોધ કરે છે, તો કેન્દ્રીય તપાસ એજન્સીઓ તેની સામે મૂકવામાં આવે છે.
2. આઠ વર્ષમાં લોકશાહી બરબાદઃ લોકશાહીના મૃત્યુ વિશે તમને કેવું લાગે છે? જે લોકશાહીને બનતાં 70 વર્ષ લાગ્યા એને આઠ વર્ષમાં જ ખતમ કરી દેવામાં આવી છે.
3. જેટલું સાચું બોલીશ એટલો હુમલો: મારી સમસ્યા એ છે કે હું સાચું બોલીશ, મોંઘવારી, બેરોજગારીના મુદ્દા ઉઠાવવાનું કામ કરીશ. જે ડરે છે તેને ધમકાવે છે. આજે દેશની જે સ્થિતિ છે એનાથી તેઓ ડરે છે, મોંઘવારી અને બેરોજગારીથી ડરે છે. તેઓ લોકોની શક્તિથી ડરે છે, કારણ કે તેઓ 24 કલાક ખોટું બોલે છે.
રાહુલ ગાંધીએ કહ્યું- હું જેટલું સાચું બોલીશ એટલું જ આક્રમણ વઘશે
કોંગ્રેસનેતાએ કહ્યું હતું કે હું જેટલું સાચું બોલીશ, મારા પર એટલું જ આક્રમણ વધુ થશે, પણ હું મારું કામ કરતો કરીશ, મોંઘવારી વિશે વાત કરીશ. હું બેરોજગારી વિશે વાત કરીશ. હું જેટલું આ બધાની વિરુદ્ધમાં બોલીશ એટલા જ મારા પર હુમલા વધશે. એ ફક્ત અમારી સાથે જ નહીં, દરેકની સાથે થશે. જે કોઈપણ સરકાર વિરુદ્ધ બોલે છે તેને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા ડરાવવામાં આવે છે. લોકો હજુ આ વાત નથી સમજતા, પરંતુ એક દિવસ તેઓ જરૂર સમજી જશે.
મોંઘવારી, GST અને તપાસ એજન્સીના દુરુપયોગના મુદ્દે કોંગ્રેસ શુક્રવારે દેશભરમાં વિરોધપ્રદર્શન કરી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત તમામ મોટા નેતાઓ રસ્તા પર ઊતર્યા હતા. પાર્ટીએ બે સ્તરે રણનીતિ તૈયાર કરી છે. ગુરુવારે મોડી રાત્રે કોંગ્રેસ મુખ્યાલયની બહાર મોટી સંખ્યામાં સુરક્ષા દળોના જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા.
દિલ્હીમાં 24 અકબર રોડ સ્થિત કોંગ્રેસ હેડક્વાર્ટરમાં ગુરુવારે મોડી રાત્રે જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો મુખ્યાલયની બહાર એકઠા થઈ ગયા હતા.
પ્રદર્શન અપડેટ્સ...
વિરોધને જોતા જંતર-મંતર વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે સરકાર અમને મોંઘવારી સામે વિરોધ કરતા રોકવા માગે છે, તેથી તે કોંગ્રેસના નેતાઓને સતત પરેશાન કરી રહી છે.
સાંસદોએ રાષ્ટ્રપતિ ભવન તરફ માર્ચ કરી હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસે બે સ્તરે પ્રદર્શન માટે રણનીતિ તૈયાર કરી છે. પાર્ટીના તમામ સાંસદો વિજય ચોક થઈને રાષ્ટ્રપતિ ભવન તરફ માર્ચ કરી હતી, જ્યારે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ કોંગ્રેસ મુખ્યાલયથી પીએમ હાઉસનો ઘેરાવ કરશે.
રાજ્યોમાં કોંગ્રેસીઓ રાજભવન સુધી માર્ચ કરશે
કોંગ્રેસે પણ પ્રદર્શનને લઈને રાજ્યોમાં રણનીતિ બનાવી છે. પાર્ટીના નેતાઓ રાજભવન સુધી કૂચ કરશે અને પછી રાજ્યપાલને આવેદનપત્ર આપશે. પ્રદર્શનનું મોનિટરિંગ માટે કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે ખાસ ટીમ બનાવવામાં આવી છે. પાર્ટીએ બ્લોક-જિલ્લા સ્તરના કાર્યકરોને પણ હેડક્વાર્ટર પર પ્રદર્શન કરવા જણાવ્યું હતું.
રાહુલે કહ્યું- મોદી અને BJPથી ડરીશું નહીં
ગુરુવારે ગૃહમાં પત્રકારોના પ્રશ્નના જવાબમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ લોકોના મુદ્દા ઉઠાવશે અને અમે લોકો કોઈનાથી ડરવાના નથી. તેમણે કહ્યું- હું મોદીથી બિલકુલ ડરતો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.