ઝારખંડના દેવઘરમાં ત્રિકૂટ પર્વત ખાતે રોપ-વે દુર્ઘટનાના 45 કલાક બાદ રેસ્ક્યૂ-ઓપરેશન પૂર્ણ થયું હતું. રોપ-વેની ટ્રોલીમાં ફસાયેલા 48 લોકોમાંથી 46 લોકોને બચાવી લેવાયા છે. દુર્ઘટનામાં કુલ 4 લોકોનાં મોત થયાં છે અને 12થી વધુ લોકો ઘાયલ છે. બચાવ દરમિયાન બીજા દિવસે પણ એક મહિલાનું ટ્રોલીમાંથી પડી જવાથી મૃત્યુ થયું હતું. સોમવારે પણ એક યુવકે હેલિકોપ્ટરમાં ચઢતી વખતે પડી જવાથી જીવ ગુમાવ્યો હતો.
ઝારખંડના દેવઘરમાં ત્રિકૂટ પર્વત પર રોપ-વે અકસ્માતના ત્રીજા દિવસે પણ રેસ્ક્યૂ દરમિયાન અકસ્માત થયો હતો. ટ્રોલીમાંથી બહાર નીકળતી વખતે એક મહિલા અચાનક પડી ગઈ હતી અને તે મોતને ભેટી હતી. સોમવારે પણ રેસ્ક્યૂ દરમિયાન હેલિકોપ્ટરમાંથી પડી જવાથી એક યુવકનું મોત થયું હતું. એરફોર્સના જવાનોએ હેલિકોપ્ટર દ્વારા 2500 ફૂટની ઊંચાઈએ પહોંચીને રોપ-વેની બે ટ્રોલીમાં ફસાયેલા 46 લોકોને બચાવી લીધા છે.
સેના, વાયુસેના, આઈટીબીપી અને NDRFની ટીમ દ્વારા સોમવારે 12 કલાકના ઓપરેશન બાદ 33 લોકોને ત્રણ હેલિકોપ્ટર વડે બચાવી લેવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ દરમિયાન સેફ્ટી બેલ્ટ તૂટી જવાને કારણે એક વ્યક્તિનું હેલિકોપ્ટરમાંથી નીચે પડી જવાથી મોત થયું હતું. અંધારું અને ધુમ્મસને કારણે ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું. અત્યારસુધીમાં કુલ 4 લોકોનાં મોત થયાં છે. જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા છે.
બચાવનો સૌથી મુશ્કેલ તબક્કો
એરફોર્સ, આર્મી અને એનડીઆરએફની ટીમો વધારાની તકેદારી રાખી હતી. ટીમમાં સામેલ એક અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણ ટ્રોલી ટોચ ઉપર છે, તેથી આ લોકોને બહાર કાઢવા માટે ઘણી આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવી હતી. રોપ-વેના વાયરને કારણે લોકો સુધી પહોંચવું મુશ્કેલ બની રહ્યું હતું.
અત્યારસુધીમાં વાયુસેનાનાં ત્રણ હેલિકોપ્ટર આ ઓપરેશનમાં લાગેલાં છે. ઉચ્ચ અધિકારીઓ સતત સ્થળ પર પડાવ નાખ્યો હતો. કુલ 46 લોકોનો આબાદ બચાવ થયો છે. કેટલાક લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જેમાં મહિલાઓ અને યુવતીઓનો સમાવેશ થાય છે. કેટલાક ઘાયલોને ICUમાં પણ રાખવામાં આવ્યા છે.
બે પરિવારના સભ્યો પણ ફસાઈ ગયા
છેલ્લે ત્રણ ટ્રોલીમાં 4 લોકો ફસાયા હતા, જેઓ દેવઘરના રામ મંદિર રોડ વિસ્તારના રહેવાસી છે. આ લોકો 6 અને 7 નંબરની ટ્રોલીમાં ફસાઈ ગયા હતા, જેમાં છઠ્ઠી લાલ સાહ, તેમની પત્ની શોભા દેવી, પુત્ર અમિત કુમાર, પુત્રવધૂ ખુશ્બૂ કુમારી, જયા કુમારી, બે બાળક, 3 વર્ષનો વીર અને 10 વર્ષના કર્તવ્યનો સમાવેશ થતો હતો, તમામને બચાવી લેવાયા છે.
સ્થળ પર હાજર છઠ્ઠી લાલની પુત્રી અપર્ણાએ જણાવ્યું હતું કે આ લોકો આખી રાત ફોન દ્વારા તેમનાં માતા-પિતાને સાંત્વના આપતા રહ્યા. તે લોકો બહુ ડરેલા છે, પણ હવે તેમની હાલત ઠીક છે. તેઓ માત્ર બને એટલી જલદી નીચે ઉતરવાની વાત કરી રહ્યા છે. આખી રાત પાણી વગર વિતાવી. સવારે કોઈક રીતે પાણી પહોંચાડવામાં આવ્યું હતું. બાળકોને સૌથી વધુ તકલીફ પડી રહી છે, પરંતુ આખરે તેઓ ટ્રોલીમાં જ ફસાઈ ગયા હતા. બિલાસીના બે યુવક નમન નીરજ અને અભિષેક નંદન પણ બીજી ટ્રોલીમાં ફસાઈ ગયા હતા. તેમના પરિવારની હાલત પણ ખરાબ હતી.
રાત્રે ભૂખ્યા-તરસ્યા રહ્યા
ફસાયેલા લોકો સુધી ખોરાક અને પાણી પહોંચાડવા માટે પટનાથી ડ્રોન મગાવવામાં આવ્યાં હતાં, પરંતુ સાંજ પડવાને કારણે પહોંચી શક્યાં નહોતાં. લોકો ભૂખ્યા અને તરસ્યા રહ્યા હતા. એમાં 3 અને 4 વર્ષનાં બાળકો પણ હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.