અર્નબ જેલની બહાર:જેલમાંથી બહાર આવતાંની સાથે જ અર્નબ કારની ઉપર બેસી ગયા, 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા અને કહ્યું- આ ભારતના લોકોની જીત છે

એક વર્ષ પહેલા

ઈન્ટીરિયર ડિઝાઈનરને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં પકડાયેલા અર્નબ ગોસ્વામીને 7 દિવસ બાદ બુધવારે સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. જામીન મળ્યા બાદ અર્નબ જેલની બહાર આવી ગયા છે. જેલની બહાર આવતાંની સાથે તેઓ કાર ઉપર બેસી ગયા હતા અને 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા હતા, સાથે એમ પણ કહ્યું કે તેઓ જેલની બહાર આવ્યો એમાં ભારતના લોકોની જીત છે.

અર્નબની સાથે આ મામલે બે અન્ય આરોપી નીતીશ સારદા અને ફિરોઝ મોહમ્મદ શેખને પણ જામીન આપવામાં આવ્યા છે. અર્નબની અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે ઉદ્ધવ સરકારની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું, જો રાજ્ય સરકાર કોઈને નિશાન બનાવે તો તેમને તેમ થવું જોઈએ કે આપણે તેની સુરક્ષા કરીશું.

અર્નબ પોતાની જામીનને લઈને હાઈકોર્ટ પણ ગયા હતા, પરંતુ હાઈકોર્ટે તેમને કહ્યું હતું કે વચગાળાના જામીન માટે તેમની પાસે લોઅર કોર્ટનો વિકલ્પ પણ છે, પરંતુ 4 નવેમ્બરે ધરપકડ બાદ જ અલીબાગ સેશન કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. જોકે અલીબાગ કોર્ટે પોલીસને રિમાન્ડ ન આપતાં અર્નબને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. સુપ્રીમ કોર્ટમાં અર્નબની વકીલાત કરતા સિનિયર વકીલ હરીશ સાલ્વેએ આ કેસમાં CBI તપાસની માગણી કરી છે. જ્યારે અર્નબની અરજી વિશે મહારાષ્ટ્ર સરકારે કેવિએટ દાખલ કરીને કહ્યું છે કે તેમનો પક્ષ સાંભળ્યા વગર કોઈ આદેશ ન આપવો જોઈએ.

બુધવારે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ

ડેમોક્રેસી પરઃ આપણું લોકતંત્ર અસાધારણ રીતે ફ્લેક્સિબલ છે. મહારાષ્ટ્ર સરકારે આ બધું નજરઅંદાજ કરવું જોઈએ.
આઝાદી પરઃ જો કોઈ વ્યક્તિની અંગત સ્વતંત્રતા પર અંકુશ લગાવવામાં આવે છે તો એ ન્યાયનું અપમાન છે. શું મહારાષ્ટ્ર સરકારે આ મામલે કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવી જરૂરી છે. આપણે વ્યક્તિગત આઝાદીના મુદ્દા સામે લડવું પડે છે.
SCની દરમિયાનગીરી પરઃ આજે જો કોર્ટે દરમિયાનગીરી ન કરી હોત તો આપણે વિનાશના રસ્તે જઈ રહ્યા છીએ. આ માણસને (અર્નબ) ભૂલી જાઓ. તમે તેમની વિચારધારાને પસંદ નથી કરતા. અમારા પર છોડી દો, અમે તેમની ચેનલ નહીં જોઈએ. બધું જ અલગ રાખો.
રાજ્ય સરકાર પરઃ જો આપણી રાજ્ય સરકાર આવા લોકો માટે આવું જ કરી રહી છે, તેમને જેલમાં જવાનું છે તો પછી સુપ્રીમ કોર્ટે દરમિયાનગીરી કરવી પડશે.
હાઈકોર્ટ પરઃ HCએ એક સંદેશો આપવો પડશે. કૃપયા, વ્યક્તિગત આઝાદીને બનાવી રાખવા માટે પોતાના અધિકારક્ષેત્રનો ઉપયોગ કરો. અમે વારંવાર જોઈએ છીએ. કોર્ટ પોતાના અધિકારક્ષેત્રના ઉપયોગ કરવામાં નિષ્ફળ રહી છે.

અર્નબ પર માતા-પુત્રને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ

મુંબઈના ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય અને તેમની માતાને કથિત રીતે આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં 4 નવેમ્બરે અર્નબની ધરપકડ કરવામાં આવી હતી. શનિવારે રાત સુધીમાં તેમને અલીબાગની એક સ્કૂલમાં બનેલી અસ્થાયી જેલમાં રાખવામાં આવ્યા હતા. રવિવારે સવારે તલોજા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા.

અર્નબ મામલે ગૃહમંત્રીને મળ્યા રામ કદમ
ભાજપના ધારાસભ્ય રામ કદમે મંગળવારે અર્નબની ધરપકડ વિશે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે મુલાકાત લીધી હતી. તેમણે એક પત્ર આપ્યો હતો, જેમાં અર્નબની સામે બદલાની ભાવનાથી કાર્યવાહી કરનારા પોલીસકર્મીઓની યોગ્ય તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
પત્રમાં લખ્યું છે કે ધરપકડ વખતે અર્નબ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું અને તેની સાથે મારઝૂડ પણ કરવામાં આવી. તેઓ બદલાની ભાવનાથી તેમની સામે કાર્યવાહી કરી રહ્યા હતા. અર્નબ સાથે થયેલું ખરાબ વર્તન જોઈને લોકો નારાજ છે. આ ખોટી રીતે કરવામાં આવેલી કાર્યવાહીથી આખો દેશ દુઃખી છે.

કોર્ટમાં સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકારના વકીલ કપિલ સિબ્બલ અને અમિત દેસાઈ, જ્યારે અર્નબ માટે વકીલ હરીશ સાલ્વે, સહઆરોપી નીતીશ શારદાની દલીલો રજૂ કરવા વકીલ મુકુલ હાજર થયા હતા.

સાલ્વેએ કહ્યું - ગત વર્ષે બંધ થઈ ચૂકેલા કેસને મહારાષ્ટ્ર સરકારે અર્નબ વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ કરી ખોલાવ્યો અને મુંબઈ પોલીસે તેમની સાથે ખરાબ વર્તન કર્યું. અન્વય નાઈકે 2018માં આર્થિક તંગીને લીધે આપઘાત કર્યો. તેમની માની હત્યા ગળે ટૂંપો આપી કરાઈ હતી. અર્નબને તેમના રિપોર્ટિંગ માટે નિશાન બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

સિબ્બલે તેના અંગે કહ્યું - આ કેસ ટીઆરપી કે પાલઘરનો નથી. એક વ્યક્તિના પૈસા લેવાના નીકળે છે અને તેણે આપઘાત કર્યો.

સાલ્વે : અર્નબના ઘરે સશસ્ત્ર પોલીસકર્મી નોટિસ વિના ઘૂસી આવ્યા અને મારપીટ કરી રાયગઢ લઈ ગયા. શું એ આતંકી છે?

જસ્ટિસ ચંદ્રચૂડ : ભૂલી જાઓ કે આ વ્યક્તિ કોણ છે. તમે તેમની વિચારધારાને પસંદ નથી કરતા તો તમે તમારી જાતને અલગ રાખો. જો મારા પર છોડશો તો હું તેમની ચેનલ નહીં જોઉં. જો આપણી રાજ્ય સરકારો આવા લોકો માટે આવું કરવા જઈ રહી છે જેમને જેલ મોકલવા છે તો સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવો જ પડશે.

વકીલ દુષ્યંતનો સવાલ - ગોસ્વામીની અરજી તાત્કાલિક લિસ્ટ કેવી રીતે થઈ
વકીલ અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનના અધ્યક્ષ દુષ્યંત દવેએ સુનાવણીના એક દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટના મહાસચિવને ગોસ્વામી મામલે પત્ર લખ્યો છે. તેમાં દવેએ સવાલ કર્યો કે જ્યારે પહેલાંથી આ પ્રકારની અનેક અરજીઓ લંબિત છે એવામાં ગોસ્વામીની અરજીને સુનાવણી માટે કયા આધારે તાત્કાલિક ધોરણે આગળ વધારાઈ? તેમણે સવાલ કર્યો કે શું એવું કરવા માટે ખુદ ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેએ નિર્દેશ આપ્યો છે?

રિપબ્લિક ટીવીના ડિસ્ટ્રિબ્યુશન હેડ ઘનશ્યામ સિંહની ધરપકડ
ટીઆરપીકૌભાંડમાં રિપબ્લિક ટીવીના ડિસ્ટ્રિબ્યુશન હેડ ઘનશ્યામ સિંહની ધરપકડ કરાઈ છે. તેઓ રિપબ્લિક મીડિયા નેટવર્કના આસિસ્ટન્ટ વાઈસ-પ્રેસિડેન્ટ પણ છે. મુંબઈ પોલીસસૂત્રોના જણાવ્યાનુસાર, ઘનશ્યામ સિંહની સવારે આશરે પોણાઆઠ વાગ્યે તેમના ઘરેથી ધરપકડ કરાઈ હતી. આ કેસમાં અત્યારસુધી કુલ 12 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. ટીઆરપીકૌભાંડનો ઘટસ્ફોટ ગયા મહિને એ સમયે થયો હતો જ્યારે બ્રોડકાસ્ટ ઈન્ડિયન્સ રિસર્ચ કાઉન્સિલે (બાર્ક) હંસા રિસર્ચ ગ્રુપ થકી ફરિયાદ નોંધીને આરોપ લગાવ્યો હતો કે કેટલીક ન્યૂઝ ચેનલો ટીઆરપી રેટિંગના આંકડામાં છેડછાડ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...