લદાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC)પર તહેનાત ભારતીય સેનાએ પોતાની પ્રવૃત્તિઓ વધારી દીધી છે. આ દરમિયાનની સેનાની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તેઓ ગલવાન ઘાટી પાસે ક્રિકેટ રમી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, જ્યાં ભારતીય સેનાના જવાનો ક્રિકેટ રમી રહ્યા છે, તે જગ્યાનો ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ આ જગ્યા એ જ છે, જ્યાં જુન 2020માં ભારત-ચીનની સેના વચ્ચે અથડામણ થઈ હતી.
આ તરફ જવાનોએ હાલમાં LACના આસપાસના વિસ્તારોમાં ઘોડા અને ખચ્ચરો સાથે સર્વે કર્યો છે. પેંગોંગ તળાવ પર પણ હાફ મેરેથોન જેવું આયોજન કર્યું હતું.
જો કે ગલવાન ઘાટીમાં સંઘર્ષ બાદથી જ બંને દેશોની સેનાઓ એલર્ટ પર છે. અરુણાચલ પ્રદેશના તવાંગમાં પણ કેટલાક મહિના પહેલા ચીન-ભારતની સેનાઓ વચ્ચે અથડામણ થઈ હતી.
ભારતીય સેનાએ કહ્યું- અમે અશક્યને પણ શક્ય કરીએ છીએ
જણાવવામાં આવી રહ્યું છે કે ખુબ ઉંચાઈવાળા આ ક્ષેત્રમાં તહેનાત સેનાની ટુકડીઓ શિયાળા દરમિયાન અનેક રમતોનું આયોજન કરે છે. જ્યારે આ તસવીર ભારતીય સેનાની લેહ ખાતેની 14મી કોરે પણ ટ્વિટર પર શેર કરી છે. તેમણે લખ્યું કે પટિયાલા બ્રિગેડ ત્રિશુળ ડિવિઝને ઉત્સાહ અને જુસ્સા સાથે માઈનસ ડિગ્રી તાપમાનમાં અને ખુબ જ ઉંચાઈવાળા ક્ષેત્રમાં એક ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. અમે અશક્યને પણ શક્ય બનાવીએ છીએ.
એક્સરસાઈઝના બહાને સૈનિકોને તહેનાત કર્યા હતા
2020માં ચીને ઈસ્ટર્ન લદાખના સરહદી વિસ્તારમાં એક્સરસાઈઝના બહાને સૈનિકોને તહેનાત કર્યા હતા. ત્યારબાદ આ વિસ્તારમાં અનેક જગ્યાઓ પર ચીનના સૈનિકોએ ઘુસણખોરી કરી હતી. તેના જવાબમાં ભારતીય સેનાએ પણ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં જવાનોને તહેનાત કરી દીધા હતા.
સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે 4 દાયકાથી વધુ સમય બાદ LAC પર ગોળીબાર થયો હતો. આ દરમિયાન 15 જુને ગલવાન ઘાટીમાં ચીનની સેનાની સાથે થયેલી અથડામણમાં 20 ભારતીય સૈનિક શહીદ થયા હતા. જ્યારે ચીને ઘણા સમય બાદ સ્વીકાર્યું હતું કે તેના પણ 5 જવાન માર્યા ગયા હતા.
આ સમાચાર પણ વાંચો...
ગલવાન જેવી ઘટના બાબતે બોલ્યા આર્મી ચીફ, ચીને સરહદ પર સેના ઘટાડી નથી
સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ ભારત-ચીન સરહદ વિવાદ બાબતે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતુ્ં કે પૂર્વ લદાખમાં સ્થિતિ સ્થિર છે, પરંતુ અનપ્રિડેક્ટેબલ છે. એટલે કે અહીં સ્થિતિ ક્યારે બદલાઈ જાય તે કહેવું મુશ્કેલ છે. તેમનું કહેવું છે કે આપણે LAC (લાઈન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલ) પર આપણી કાર્યવાહીને ખુબ જ સાવધાનીથી મૂલ્યાંકન કરવાની જરૂર છે જેથી આપણે આપણા હિતોનું રક્ષણ કરી શકીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.