જમ્મુ-કાશ્મીરના સરહદી રાજોરીના ડાંગરી વિસ્તારમાં ત્રાસવાદી હુમલા બાદ સેના વધારે સક્રિય થઇ ગઇ છે. 26મી જાન્યુઆરીને ધ્યાનમાં લઇને નિયંત્રણ રેખાની નજીક જવાનોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ધુમ્મસના કારણે પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી વધારી દેવામાં આવે છે. આના કારણે નિયંત્રણ રેખા નજીક પહાડી વિસ્તારોમાં વધારાના જવાનો તૈનાત કરાયા છે.
સુરક્ષાને વધારે અસરકારક બનાવવા માટે ગૃહમંત્રાલય દ્વારા 18થી વધારે વધારાની સીઆરપીએફ કંપનીઓને જમ્મુ મોકલવામાં આવી રહી છે. રાજોરી જિલ્લાના પોલીસ અધિકારી મોહમ્મદ અસલમે કહ્યું છે કે સરકારે કેન્દ્રીય સુરક્ષા દળોની જે ટુકડીઓને રાજોરી અને પૂંચના વિસ્તારમાં મોકલી છે તે ટુકડીઓ પહોંચવા લાગી છે. વન્ય વિસ્તારો અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં તેમને ફરજ પર મોકલવામાં આવી છે.
બીજી બાજુ, ગ્રામ સુરક્ષા સમિતિઓના સભ્યોને હથિયારો પરત આપવાની માંગણીને સ્વીકારી લેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે પોલીસના અધિકારીઓ પોતપોતાના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ગ્રામ સુરક્ષા સમિતિઓના સભ્યોને મળીને તેમના થોડાક સમય પહેલાં જમા લેવામાં આવેલાં હથિયારો પરત કરી રહ્યાં છે. જે લોકોનાં હથિયારો યોગ્ય રીતે કામ કરી રહ્યાં નથી, તેમનાં હથિયારો સ્થળો પર જ બદલવામાં આવી રહ્યાં છે. ગ્રામ સુરક્ષા સમિતિઓના જે સભ્યોને બંદૂક ચલાવવામાં મુશ્કેલી આવી રહી છે તેમને પોલીસના જવાનો ફાયરિંગ રેન્જમાં પ્રેકટીસ કરાવી રહ્યા છે.
હુમલાના સંબંધમાં ડઝન લોકોની પૂછપરછ
રાજોરીમાં થયેલા ત્રાસવાદી હુમલામાં તપાસ ચાલી રહી છે. સર્ચ ઓપરેશન પણ ચાલું છે. પોલીસ દ્વારા હુમલાના જવાબદાર લોકોની ઓળખ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. હુમલાખોરોની ઓળખ કરવા માટે હજુ સુધી આશરે એક ડઝન લોકોને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી તેની તપાસ રાષ્ટ્રીય એજન્સીને સોંપવામાં આવી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.