શ્રદ્ધા મર્ડર કેસમાં દિલ્હી પોલીસે મંગળવારે સાકેત કોર્ટમાં કહ્યું કે આરોપી આફતાબ અમીન એક ટ્રેન્ડ શેફ છે, તેથી તે જાણે છે કે માંસને કેવી રીતે સુરક્ષિત રાખવું. કોર્ટમાં સુનાવણી દરમિયાન પોલીસે જણાવ્યું કે આફતાબ ફાઈવ સ્ટાર હોટલમાં શેફ તરીકે કામ કરતો હતો. શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબે ડ્રાય આઈસ અને અગરબત્તી મગાવી હતી.
પોલીસે કોર્ટમાં જણાવ્યું કે શ્રદ્ધાની હત્યા કર્યા પછી આફતાબે બીજી ગર્લફ્રેન્ડ બનાવી હતી. આફતાબે તેને વીંટીં પણ આપી હતી. કોર્ટમાં સરકારી વકીલ અમિત પ્રસાદ દિલ્હી પોલીસનો પક્ષ રાખી રહ્યા છે. કોર્ટમાં તેમણે કહ્યું કે આફતાબે કેવી રીતે પોતાની લિવ ઇન પાર્ટનરની હત્યા કરી અને પછી તેના ટુકડા જંગલમાં ફેંક્યા. કેસની આગામી સુનાવણી 20 માર્ચે થશે.
આફતાબની 12 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી
આફતાબ પર મે 2022માં તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વાલકરનું ગળું દબાવી હત્યા કરવાનો આરોપ છે. બાદમાં તેના શરીરના 35 ટુકડા કરી ફ્રિજમાં રાખવામાં આવ્યા હતા. પછી તેમને જંગલમાં ફેંકી દીધા. દિલ્હી પોલીસે 12 નવેમ્બર 2022ના રોજ તેની ધરપકડ કરી હતી. 24 જાન્યુઆરીએ પોલીસે આ મામલામાં આફતાબ વિરુદ્ધ 6,629 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.
તમને જણાવી દઈએ કે તપાસ દરમિયાન દિલ્હી પોલીસે આફતાબનો નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તેણે શ્રદ્ધાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. આ કેસમાં પોલીસે 150થી વધુ સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા. પોલીસે આફતાબનો વોઈસ સેમ્પલ પણ રેકોર્ડ કર્યો હતો, હાલ મામલો કોર્ટમાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.