3 IDIOTS ફેમ વાંગચુક કરશે -40 ડીગ્રીમાં ભૂખહડતાળ:PM મોદીને કરી અપીલ- લદાખમાં ALL IS NOT WELL

લેહ6 દિવસ પહેલા
સોનમ વાંગચુકે પોતાના ટ્વિટર પર PM મોદીના નામે આ વીડિયો મેસેજ શેર કર્યો છે.

લદાખના સમાજ સુધારક સોનમ વાંગચુક, જેમના જીવન પર ‘3 ઈડિયટ્સ’ ફિલ્મ બની છે, તેમણે વડાપ્રધાન મોદીને અપીલ કરી છે કે, તે લદાખને બચાવી લે, કેમ કે સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, અહીં લગભગ બે તૃતીયાંશ ગ્લેશિયર લુપ્ત થવાને આરે છે. સોનમે એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં તે લદાખની જનજાતિઓ, ઉદ્યોગો અને ગ્લેશિયરની વાત કરતા જોવા મળી રહ્યા છે.
વીડિયોના અંતમાં વાંગચુકે કહ્યું કે, PMનું ધ્યાન લદ્દાખ તરફ લાવવા માટે 26 જાન્યુઆરીથી પાંચ દિવસ સુધી ભૂખહડતાળ કરવાનો છું. તેમની ભૂખ હડતાળ -40 ડીગ્રી ટેમ્પરેચરવાળા ખાર્દુંગલામાં થશે. સોનમે આને ક્લાઈમેટ ફાસ્ટ ગણાવ્યું છે.
PM મોદીને કહ્યું- જીવિત રહ્યો તો ફરી મળીશ
સોનમે વીડિયોમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને લદ્દાખ અંગે હાઈ લેવલ પર એક્શન લેવાની માગ કરી છે. તેમણે કહ્યું- પીએમ મોદીને મારી અપીલ છે કે, લદ્દાખ અને અન્ય હિમાલયન પ્રદેશોને ઓદ્યોગિક શોષણથી બચાવે કેમ કે, એ લદાખના લોકોના જીવન પર અસર કરશે. તમારું ધ્યાન આ તરફ લાવી શકું, એ માટે હું ગણતંત્ર દિવસથી પાંચ દિવસની ભૂખહડતાળ પર બેસવાનો છું. જો -40 ડીગ્રી ટેમ્પરેચરવાળા ખાર્દુંગલામાં ભૂખ હડતાળ બાદ હું બચી ગયો તો તમને ફરીથી મળીશ.

લદાખમાં એક વ્યક્તિ રોજ 5 લિટર પાણી વાપરે છે
સોનમ વાંગચુકે કહ્યું કે, જો લદ્દાખમાં બેદરકારી ચાલુ રહી, લદાખને ઉદ્યોગોથી સુરક્ષા ન અપાઈ, તો અહીંના ગ્લેશિયર વિલુપ્ત થઈ જશે. કેમ કે ઉદ્યોગના કારણે અહીં પાણીની કમી ઉદ્ભવશે. લદ્દાખના લોકો પાંચ લિટર પ્રતિ દિવસ પ્રમાણે પાણીનો ઉપયોગ કરે છે. જો અહીં સેંકડો ઉદ્યોગ ઊભા થયા, માઈનિંગ થયું તો ધૂળ અને ધુમાડાથી ગ્લેશિયર ખતમ થઈ જશે.
કાશ્મીર યુનિવર્સિટી અને અન્ય રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના તાજેતરના રિપોર્ટથી જાણવા મળ્યું છે કે, જો લદ્દાખ પર ધ્યાન આપવામાં ન આવ્યું તો લેહ-લદ્દાખમાં બે તૃતીયાંશ ગ્લેશિયર સમાપ્ત થઈ જશે.

ક્લાઈમેટ ફાસ્ટની ટ્રાયલ પણ કરી
સોનમે રવિવાર રાત્રે ફયાંગમાં 11,500 ફુટની ઊંચાઈ પર બનેલા તેમના ઈન્સ્ટિટ્યૂટ હિમાલયન ઈન્ટિટ્યૂટ ઓફ અલ્ટરનેટિવ્સ, લદ્દાખની છત પર ક્લાઈમેટ ફાસ્ટની ટ્રાયલ કરી હતી. જેનો એક વીડિયો પણ તેમણે શેર કર્યો હતો. જેમાં તેમના માથા પાસે રાખેલા ટેમ્પરેચર ડિવાઈસ પર -16 ડિગ્રી તાપમાન દેખાઈ રહ્યું હતું. વીડિયોમાં વાંગચુક કહી રહ્યા છે કે, અહીં ઠંડી ઘણી છે, પરંતુ હું જીવિત છું.

કોણ છે સોનમ વાંગચુક અને કેમ છે તે સેલિબ્રિટી

1966માં જન્મેલા વાંગચુક, એક મિકેનિકલ એન્જિનિયર અને હિમાલયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ અલ્ટરનેટિવ્સ, લદ્દાખ(HIAL)ના ડિરેક્ટર છે. તેમને 2018માં મેગસેસે એવોર્ડ મળ્યો હતો. 2009ની ફિલ્મ થ્રી ઈડિયટ્સમાં આમિર ખાનનો રોલ પુનસુખ વાંગડૂ, વાંગચુકના વ્યક્તિત્વથી પ્રભાવિત હતો. વાંગચુક લદ્દાખમાં તેમની શાળા, સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ(SECMOL) બનાવવા માટે જાણીતા છે. તેમનું કેમ્પ્સ સૌર ઊર્જા પર ચાલે છે. ભોજન બનાવવું, પ્રકાશ કે હીટિંગ માટે ઇંધણનો ઉપયોગ થતો નથી. 1994માં વાંગચુકે સરકારી શાળા સિસ્ટમમાં સુધારો લાવવા માટે ઓપરેશન ન્યૂ હોપ લોન્ચ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...