ભારત અને ચીનમાં અનેક સ્રોતોમાંથી આવતા પાણીના ટ્રીટમેન્ટ પ્લાન્ટ એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (એએમઆર) પેદા થવાના મોટાં કારખાનાં બની ગયાં છે. એક સંશોધન પ્રમાણે ભારત અને ચીનમાં વેસ્ટવૉટર અને ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીના નમૂના લેવાયા હતા. તેની તપાસમાં અનેક સ્થળના પાણીમાં એન્ટિબાયોટિકની હાજરી નક્કી મર્યાદાથી વધુ નોંધાઇ. ચીનમાં એએમઆરનું સૌથી મોટું જોખમ નળના પાણીમાં છે.
ભારતમાં શહેરી વિસ્તારોમાં સ્થાનિક તંત્ર લોકોના ઘર સુધી પાણી પહોંચાડે છે. ત્યાં ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી હોસ્પિટલ, પોલ્ટ્રીફાર્મ, ડેરી અને દવા ફેક્ટરીઓ જેવા સ્રોતોમાંથી પણ પહોંચે છે. એ પાણીમાં એન્ટિબાયોટિક પણ હોય છે. આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હાલ આવાં તત્ત્વોનો નિકાલ કરી શકે એવા નથી. આમ તો એન્ટિમાઇક્રોબિયલ સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે અને બીમારી ફેલાતી રોકે છે. જોકે, એએમઆરમાં બેક્ટેરિયા એન્ટિબાયોટિક્સ સામે લડવાની ક્ષમતા વિકસાવી લે છે. તેના કારણે દવાઓની અસર નથી થતી.
એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ ખતરનાક, તે ગમે ત્યાં મેડિકલ વેસ્ટ નાંખવાથી વધી રહ્યું છે
દેશનાં જળસ્રોતોમાં એએઆર ઝડપથી વધી રહ્યું છે. આ સ્થિતિ ચિંતાજનક છે. તે વધવાનું કારણ ડેરી અને પોલ્ટ્રીફાર્મનું પાણી છે. ત્યાં જીવોને સંક્રમણથી બચાવવા માટે મોટા પાયે એન્ટિબાયોટિકનો ઉપયોગ થાય છે. એ ઉપયોગ પછી મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ નથી કરાતો, જે એ ક્ષેત્રના અન્ડરગ્રાઉન્ડ વૉટરમાં ભળી જાય છે. બીજું કારણ જાગૃતિ નથી તે પણ છે. લોકો નકામી કે સારવાર પછી વધેલી દવાઓ નાળાં કે રસ્તાની બાજુમાં ફેંકી દે છે. તેનાથી પણ જળ પ્રદૂષણ વધે છે. આ કારણસર જળાશયો, નદીઓનાં પાણીમાં એએમઆર વધે છે. આ ખતરાનું કારણ એ છે કે આપણી 85% વસતી ભૂજળનો ઉપયોગ કરે છે. ચોંકાવનારી વાત એ છે કે કોરોના દર્દીઓની સારવારમાં દવાઓ અસરકારક નહીં હોવાનું માલુમ પડ્યું છે કારણ કે દર્દીઓમાં એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ હતું.
ઉપાયઃ હોટ સ્પોટ ઓળખો, ગાઇડલાઇન સાથે જાગૃતિ વધે
જે વિસ્તારોમાં આર્સેનિક અને ફ્લોરાઇડ જેવાં ખતરનાક તત્ત્વો મળ્યાં છે ત્યાં સરકારે મોટા પાયે અભિયાન ચલાવ્યું છે. જોકે, એન્ટિબાયોટિકથી ઝડપથી પ્રદૂષિત થતાં પાણી તરફ ધ્યાન નથી અપાતું. એટલે જરૂરી છે કે જિલ્લા સ્તરે જ લેબ બને, જે એએઆરની તપાસ કરે. આ ઉપરાંત તમામ ડેરી, પોલ્ટ્રીફાર્મની સાથે સામાન્ય નાગરિકો માટે મેડિકલ વેસ્ટના નિકાલ માટે ગાઇડલાઇન પણ નક્કી કરાય. લોકો મેડિકલ વેસ્ટ નાળાંમાં ના ફેંકે અને તેની દેખરેખ રખાય. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ વગેરે રાજ્યો ડેરી વધુ હોય તેવા વિસ્તારોમાં એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ હોટસ્પોટની ઓળખ કરે. બીજી એક ખાસ વાત એ પણ છે કે ઘરોમાં ઉપયોગમાં લેવાતી આરઓ સિસ્ટમ પણ એએઆરને રોકી નથી શકતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.