સુપ્રીમ કોર્ટના વકીલ અને ભાજપના પૂર્વ પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાય અને ચાર અન્ય લોકોની પોલીસે ધરપકડ કરી છે. તેમના પર દિલ્હીમાં જંતર-મંતર પર રવિવારે થયેલા એક વિરોધ પ્રદર્શનમાં મુસ્લિમ વિરોધી નારેબાજી કરવાનો આરોપ છે.
દિલ્હીના પોલીસ સૂત્રોનું કહેવું છે કે, પોલીસે ઉપાધ્યાયને સોમવારે રાતે ક્નોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં આવવાનું સમન્સ મોકલ્યું હતું. અમુક અન્ય શંકાસ્પદ લોકોની દરપકડ કરવા માટે શહેરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.
વિરોધ-પ્રદર્શનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ
સોમવારે સોશિયલ મીડિયા પર આ વિરોધ પ્રદર્શનનો વીડિયો વાયરલ થયા પછી પોલીસ એક્શનમાં આવી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, દિલ્હીના જંતર મંતર પર ભેગી થયેલી ભીડ 'રામ-રામ' અને 'હિન્દુસ્તાનમાં રહેવું હશે તો જય શ્રી રામ કહેવું પડશે' તેવા નારા લગાવી રહી છે.
પોલીસ મંજૂરી વગર થઈ હતી રેલી
પોલીસે જણાવ્યું કે, કોરોનાના કારણે તેમણે આ રેલીને મંજૂરી આપી નથી તેમ છતાં ત્યાં ભીડ જમા થઈ હતી. આ દરમિયાન કોઈ પોલીસકર્મી પણ ત્યાં નથી. ઉશ્કેરણીજનક ભાષણ માટે ચર્ચિત પંડિત નરસિંહનંદા સરસ્વતી અને ટીવી અભિનેતા અને ભાજપ નેતા ગજેન્દ્ર ચૌહાણ પણ આ પ્રદર્શનનો હિસ્સો બન્યા હતા.
અશ્વિની ઉપાધ્યાયે આરોપોનો ઈનકાર કર્યો
એક નિવેદનમાં અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે, રેલી સેવ ઈન્ડિયા ફાઉન્ડેશનની હતી. આ સંસ્થા સાથે મારે કોઈ સંબંધ નથી. હું આ રેલીમાં આરવીએસ મણી, બિરોઝબખ્ત અહમદ અને ગજેન્દ્ર ચૌહાણની જેમ મહેમાન તરીકે ગયો હતો. અમે ત્યાં 11 વાગે પહોંચ્યા હતા અને 12 વાગે નીકળી ગયા હતા. નારેબાજી કરનાર લોકોને પણ હું નથી મળ્યો. હું તમને મળીને મારુ લેખિતમાં નિવેદન આપવા તૈયાર છું.
આ પહેલાં તેમણે મીડિયામાં કહ્યું હતું કે, તેઓ આ વીડિયો વિશે કશુ નથી જાણતા. આ બધુ થયું ત્યારે તેઓ ત્યાં હાજર પણ નહતા, તેમને આ વિશે કશી જાણ નથી અને તેમણે આ લોકોને બોલાવ્યા પણ નથી. આ બધુ મારા ગયા પછી ત્યાં થયું હતું. વીડિયોમાં જે લોકો દેખાઈ રહ્યા છે તેમની સામે સખત કાર્યવાહી થવી જોઈએ. માત્ર 5-6 લોકોએ આવી નારેબાજી કરી હતી અને તે પણ રેલી ખતમ થઈ ગયા પછી. જોકે આવી નારેબાજી ના કરવી જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.