અજમેરના બિરલા વોટરસિટીપાર્કમાં દુર્ઘટનામાં એક યુવકનું મોત થયું છે. હવે મૃતક મહેબૂબે બનાવેલા વીડિયો અને ફોટા સામે આવ્યા છે. વીડિયોમાં મૃતક સેલ્ફી લેતો જોવા મળી રહ્યો છે. તેના મિત્રો અને પરિવાર સાથે વોટરપાર્કમાં મજા માણી રહ્યો છે. આ વીડિયો 30મી મેના રોજ સાંજે 4.30 કલાકે બનાવવામાં આવ્યો હતો. આ પછી મૃતક વોટરપાર્કમાં આનંદ માણવા લાગ્યો. અડધો કલાક બાદ પૂરઝડપે સ્લાઇડરથી એક યુવક આવ્યો અને મહેબૂબના પેટ પર ટક્કર મારી દીધી હતી. આ દરમિયાન પરિવાર પણ ત્યાં હાજર હતો. ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ પ્રાથમિક સારવાર આપી હતી અને પછી હોસ્પિટલ લઈ ગયા. બાદમાં 3 જૂને મહેબૂબનું મોત થયું હતું. મૃતકનો 30 મેના રોજ સાંજે અજમેર જવાનો કાર્યક્રમ પણ હતો.
દરગાહ જિયારત કરીને પાર્કમાં પહોંચ્યા હતા
મૃતક મહેબૂબ પોતાની પત્ની શબાના, પુત્ર શમીર, પુત્રી શાલુ, મિત્ર નરેશ્ર આહુજા, તેની પત્ની દીપા, તેનો પુત્ર રેયાંશ, પુત્રી ત્રિશા અને મિત્ર શેખ જિયાદુલની સાથે 30 મેના રોજ સવારે નવ વાગે રાયપુરથી રવાના થઈને લગભગ બાર વાગે દરગાહ પહોંચ્યાં હતાં. જિયારત પછી લગભગ દોઢ-બે વાગે તેઓ બિરલા વોટરસિટી પાર્ક પહોંચ્યા. ત્યાં વોટરપાર્કમાં મિત્રો અને પરિવાર સાથે આનંદ માણ્યો. આ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી.
અજમેર જવાનો પણ કાર્યક્રમ હતો
મૃતકના મિત્ર નરેશ આહુજાએ જણાવ્યું હતું કે સાંજે અજમેરમાં ફરવાનો અને મોડી રાત્રે ઘરે પરત ફરવાનો કાર્યક્રમ હતો, પરંતુ એ પહેલાં જ દુર્ઘટના સર્જાઈ ગઈ હતી. મૃતકનાં પિતા અને બહેનના પતિનું પહેલેથી જ અવસાન થઈ ચૂક્યું છે. માતા અને બહેનની સાથે પત્ની અને બાળકોની જવાબદારી પણ તેના પર આવી ગઈ હતી. બિરલા વોટરસિટીપાર્કમાં પૂલ પાસે કોઈ સુરક્ષા ગાર્ડ હાજર નહોતો અને પાર્ક મેનેજમેન્ટની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હતો. મૃતકના આશ્રિતોને વળતર મળવું જોઈએ.
30મી મેના રોજ અકસ્માત થયો હતો, 3જી જૂને મૃત્યુ થયું
મૃતક યુવકના સંબંધી શેખ જિયાદુલે પોલીસ રિપોર્ટમાં જણાવ્યું હતું કે 30 મેના રોજ મહેબૂબ ખાન (44) અને પરિવારના સભ્યો અજમેર આવ્યા હતા. લગભગ 2 વાગ્યાની આસપાસ અમે બધા બિરલા વોટરસિટીપાર્ક ગયા હતા. 5 વાગ્યાની આસપાસ ઉપરથી પાઇપમાં એક યુવક પૂરપાટ ઝડપે આવ્યો હતો. પૂલમાં ઊભેલા મહેબૂબ સાથે તે ટકરાયો હતો. યુવક ટકરાતાં જ મહેબૂબ ત્યાં જ ઢળી પડ્યો હતો. તે જોર જોરથી બૂમો પાડી રહ્યો હતો અને તે ઊભો થઈ શકતો નહોતો. હોસ્પિટલમાં બધું ઠીક છે એમ કહીને તેને ઘરે લાવવામાં આવ્યો હતો, પરંતુ બીજા દિવસે તેને ફરીથી તકલીફ થઈ હતી, પછી તેને હોસ્પિટલ લઈ આવ્યા. તપાસ કરવામાં આવી તો બહાર આવ્યું કે તેના આંતરડાને ભારે નુકસાન થયું છે અને ઓપરેશન કરવું પડ્યું હતું. સારવાર ચાલી રહી હતી એ દરમિયાન 3 જૂનના રોજ તેનું મૃત્યુ થયું.
પોલીસે નોટિસ આપી હતી
આદર્શનગર પોલીસ સ્ટેશનના એએસઆઈ હરભાનસિંહે કહ્યું હતું કે તેમણે પીડિતાના મિત્રો અને પરિવારના સભ્યો સાથે સ્થળનું નિરીક્ષણ કર્યું હતુ. અહીં CCTVની તપાસ કરાતાં બિરલા વોટરસિટીપાર્કમાં અકસ્માત થયો હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. આ અંગે માલિકને નોટિસ પાઠવી જવાબ મગાવવામાં આવ્યો છે. બીજી તરફ મૃતકનાં સ્વજનો પણ પોલીસ સાથે વોટરપાર્કમાં પહોંચીને વિરોધ કર્યો હતો. આ દરમિયાન તેમણે મૃતકના પરિવારને વળતર આપવાની પણ માગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.