હિંસાનો માહોલ:બંગાળમાં બીજા દિવસે હિંસા, યુપીમાં 250 લોકોની ધરપકડ

હાવડા/લખનઉ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પયગમ્બર મોહમ્મદ સાહેબ પર ભાજપના નેતા દ્વારા કરાયેલી ટિપ્પણીના વિરોધમાં બંગાળમાં શનિવારે પણ હિંસા ભડકી હતી. પંચલા બજાર વિસ્તારમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણ થઇ હતી. પથ્થરમારામાં અનેક પોલીસકર્મી ઘવાયા હતા. તોફાનીઓને કાબૂમાં લેવા પોલીસે ટિયરગેસનો મારો ચલાવ્યો હતો. શુક્રવારની હિંસા વિરુદ્ધ બીજા પક્ષે શનિવારે બંધનું એલાન આપ્યું હતું. બંગાળ ભાજપ અધ્યક્ષ સુકાંત મજુમદારની હાવડાના હિંસાગ્રસ્ત વિસ્તારમાં જતી વખતે ધરપકડ કરી લેવામાં આવી હતી. આ દરમિયાન બંગાળ સરકારે ન્યૂ હાવડાના પોલીસ કમિશનર અને એસપીની બદલી કરી દીધી છે.

હાવડા બાદ મુર્શિદાબાદમાં ઈન્ટરનેટ પણ બંધ કરી દેવાયું હતું. બંગાળનાં સીએમ મમતા બેનરજીએ કહ્યું કે ભાજપના પાપની સજા સામાન્ય લોકો કેમ ભોગવે? કેટલાક રાજકીય પક્ષો રમખાણો ભડકાવવા માગે છે. ઉલ્લેખનીય છે કે જુમ્માની નમાજ બાદ બંગાળ, ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં હિંસા ભડકી હતી. દરમિયાન ઝારખંડની રાજધાની રાંચીમાં શુક્રવારે બે લોકોનાં મોત બાદ સુરક્ષા વધારી દેવાઈ છે. રાજ્ય સરકારે ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો છે.

યુપીમાં તોફાનીઓ સામે કડક કાર્યવાહી, એનએસએ લગાવાશે
યુપીમાં તોફાનો મામલે શનિવાર સુધીમાં આશરે 250 લોકોની ધરપકડ કરાઈ હતી. તંત્રએ કાનપુરમાં બુલડોઝરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સૌથી પહેલા ત્રણ જૂને કાનપુરથી હિંસા તથા તોફાનોની શરૂઆત થઇ હતી. પ્રયાગરાજમાં પાંચ હજાર અજાણ્યા તોફાનીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તંત્રએ બળવો કરનારાઓ સામે એનએસએ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

મહારાષ્ટ્ર અને દિલ્હીમાં એફઆઈઆર
જમ્મુ ક્ષેત્રની ચિનાબ ખીણ નજીકના અમુક ભાગોમાં કર્ફ્યૂ લદાયો છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં કર્ફ્યૂ ભંગ મામલે 100થી વધુ લોકો સામે કેસ નોંધાયો હતો. દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી વાંધાજનક કન્ટેન્ટ અંગે પણ માહિતી માગી છે. જ્યારે જામા મસ્જિદની બહાર મોટી સંખ્યામાં દેખાવો કરવા સામે પણ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...