વીડિયોમાં બાળકી કહી રહી છે કે તેના ઓનલાઈન ક્લાસ 10 વાગ્યાથી શરૂ થાય છે અને બે વાગ્યા સુધી ચાલે છે. એમાં અંગ્રેજી, ગણિત, ઉર્દૂ અને ઈવીએસ ભણવું પડે છે. બાળકી પીએમ મોદીને રજૂઆત કરતાં કહે છે કે મોદી સાહેબ, બાળકોને આટલું કામ શા માટે કરવું પડે છે. ટ્વિટર પર શેર કરવામાં આવેલો આ વીડિયો લાખો વખત જોવાઈ ચૂક્યો છે. આ વીડિયોમાં બાળકીએ કરેલી ફરિયાદની જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાએ પણ નોંધ લીધી અને આ અંગે પગલાં લીધાં છે.
દેશમાં કોરોનાને કારણે સ્કૂલ બંધ
દેશમાં કોરોનાને કારણે સ્કૂલ બંધ છે. લાંબા સમયથી ઘરોમાં બંધ બાળકો સ્કૂલથી દૂર છે. એવામાં તેમના અભ્યાસમાં બ્રેક ન વાગે એ માટે ઓનલાઈન ક્લાસીસની વ્યવસ્થા શરૂ થઈ. જોકે બાળકો હવે આ ઓનલાઈન ક્લાસીસથી પરેશાન દેખાઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આવો જ એક 6 વર્ષની બાળકીનો ફરિયાદ કરતો વીડિયો ઘણો ચર્ચામાં છે. જોકે આ વીડિયોમાં બાળકીએ કરેલી ફરિયાદની જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાએ પણ નોંધ લીધી છે.
જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ વીડિયો શેર કર્યો
સોશિયલ મીડિયા પર વાઈરલ આ વીડિયોને જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ ટ્વિટર પર શેર કરતાં કહ્યું છે કે ખૂબ જ મનમોહક ફરિયાદ છે. તેમણે સ્કૂલનાં બાળકો પર પડતો હોમવર્કનો બોજો ઓછો કરવા માટે સ્કૂલ શિક્ષા વિભાગને 48 કલાકની અંદર નીતિ બનાવવાના નિર્દેશ આપ્યા છે.
બાળપણ ભગવાને આપેલી ભેટ
ટ્વીટમાં આગળ લખવામાં આવ્યું છે કે બાળપણ ભગવાને આપેલી ભેટ છે અને તેમના દિવસો આનંદથી ભરેલા હોવા જોઈએ. એવામાં એવું માનવામાં આવી રહ્યું છે કે આ રજૂઆત પછી ઓનલાઈન ક્લાસમાં સતત વધી રહેલા અભ્યાસના બોજામાંથી બાળકોને થોડી રાહત મળી શકશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.