અંબાલા કેન્ટ રેલ્વે સ્ટેશન પર એક માનસિક રીતે બીમાર યુવકે એક સફાઈકર્મીને ટ્રેનની આગળ ધક્કો માર્યો હતો. ધક્કો લાગતા ટ્રેનની નીચે આવી જતાં ચંદ્રપુરીના રહેવાસી મહેન્દ્રનો ડાબો હાથ કપાઈ ગયો હતો. ઈજાગ્રસ્ત સફાઈ કર્મચારીને અંબાલા કેન્ટ સિવિલ હોસ્પિટલમાંથી પીજીઆઈ ચંદીગઢ રીફર કરવામાં આવ્યો છે. તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. દુર્ઘટનાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
વીડિયોમાં જોવા મળે છે કે સફાઈ કર્મચારી પ્લેટફોર્મ પર ચાલી રહ્યો છે ત્યારે એચાનક એક યુવક તેને ધક્કો મારી રહ્યો છે. જેના કારણે તે સીધો ટ્રેક પર પડી જાય છે અને ટ્રેન તેની ઉપરથી પસાર થતી રહે છે. આ દુર્ઘટના સોમવારે રાત્રે 12.30 વાગ્યે પ્લેટફોર્મ નંબર-1 પર જ્યારે જમ્મુ મેલ ટ્રેન પસાર થઈ રહી હતી તે દરમિયાન બની હતી. દુર્ઘટના બાદ સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ હતી.
માનસિક રીતે બીમાર યુવકે ધક્કો મારી દીધો હતો
મળતી માહિતી મુજબ માનસિક રીતે બીમાર યુવક તોપખાનાનો રહેવાસી છે. પરિવારે તે યુવકને કાઢી મૂકયો છે. સુપરવાઈઝર વિનીતે જણાવ્યું કે મહેન્દ્ર ઓફિસથી નીકળ્યા બાદ પ્લેટફોર્મ નંબર-1 પર ડ્યુટી પર જઈ રહ્યો હતો. આ દરમિયાન પ્લેટફોર્મ પર ઉભેલા એક માનસિક બીમાર યુવકે મહેન્દ્રને ધક્કો માર્યો હતો અને તે પ્લેટફોર્મ વચ્ચેની ગેપમાં પડી ગયો હતો.
સફાઈ કર્મચારીનો હાથ કપાઈ ગયો, પીજીઆઈમાં મોકલવામાં આવ્યો
ટ્રેન નીચે ફસાઈ જતા મહેન્દ્રનો હાથ કપાઈ ગયો હતો. મહેન્દ્રને તાત્કાલિક કેન્ટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ અહીંથી મહેન્દ્રની ગંભીર હાલતને જોતા તેને પીજીઆઈ ચંદીગઢ રિફર કરવામાં આવ્યો.
પીડિતનું નિવેદન નોંધવામાં આવ્યું નથી
મળતી માહિતી મુજબ, PGIમાં મહેન્દ્રનું ઓપરેશન કરવામાં આવ્યું છે. પીડિત મહેન્દ્રનું નિવેદન નોંધવા જીઆરપી પીજીઆઈ ગઈ હતી, પરંતુ તેની હાલત ગંભીર હોવાથી નિવેદન નોંધવામાં આવ્યું ન હતું. જીઆરપીનું કહેવું છે કે નિવેદન નોંધ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.