• Gujarati News
  • National
  • Amravati MP Navneet Rana Phone Record Rajapeth Police Station; Video Goes Viral Maharashtra News

હનુમાન ચાલીસા પછી લવ-જેહાદ વિવાદમાં નવનીત રાણા:ફોન રેકોર્ડ થતાં નવનીત રાણા ગુસ્સે થયા, અધિકારીઓને કહ્યું- રેકોર્ડિંગ કરવાનો હક કોણે આપ્યો?

21 દિવસ પહેલા

મહારાષ્ટ્રના અમરાવતીથી સાંસદ નવનીત રાણાએ બુધવારે રાજપેઠ પોલીસ સ્ટેશન પહોંચી હોબાળો કર્યો હતો. તેઓ હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતાં. નવનીતનો આરોપ હતો કે લવ-જેહાદ મુદ્દે તેમણે પોલીસ અધિકારીને ફોન કર્યો હતો અને તેમનો ફોન રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ વાતથી તેઓ નારાજ હતાં. તેમણે ગુસ્સામાં ઓફિસરને પૂછ્યું હતું કે- રેકોર્ડિંગનો હક કોણે આપ્યો.

રાણાએ કહ્યું હતું- છોકરીનાં માતા-પિતા મારી પાસે ફરિયાદ લઈને આવ્યાં હતાં કે છોકરીને અજાણ રાખીને તેના લગ્ન કરવામાં આવ્યા છે. આ વિશે મેં જ્યારે પોલીસ સ્ટેશન ફોન કર્યો તો પોલીસે મારો ફોન રેકોર્ડ કરી લીધો, કોણે તમને મારો ફોન રેકોર્ડ કરવાનો અધિકાર આપ્યો. છોકરીનું અપહરણ થયું છે, તેને શોધીને સામે લાવો. પોલીસે રાણાને જવાબ આપ્યો કે તેમણે આ કેસમાં એક શાક વેચનારા યુવકની ધરપકડ કરી છે.

છોકરી ક્યાં છે કોઈ જવાબ નથી આપતું- રાણા
નવનીત રાણાએ આરોપ લગાવતાં કહ્યું હતું કે અમરાવતીને કેમ બદનામ કરવામાં આવે છે. તે 19 વર્ષની હિન્દુ છોકરી છે. છોકરાને પકડી લેવામાં આવ્યો છે. તેઓ રાતથી તપાસ કરી રહ્યા છે, પરંતુ કોઈ માહિતી મળતી નથી. છોકરી ક્યાં છે એ વિશે પણ કોઈ માહિતી મળી નથી. રાણાએ એવું પણ કહ્યું હતું કે છોકરાના પરિવારને પણ પકડીને અહીં લઈ આવો. એટલે એક કલાકમાં બધી ખબર પડી જશે.

છોકરીના પરિવારજનોએ કહ્યું- છોકરાને નથી ઓળખતા
મીડિયા સાથે વાત કરતાં છોકરીનાં માતા-પિતાએ કહ્યું હતું કે મારી દીકરી 12.30 વાગે બેન્ક ગઈ હતી, પરંતુ ત્યાર પછીથી તેનો ફોન સ્વિચઓફ થઈ ગયો. છોકરીનાં માતા-પિતાએ કહ્યું- છોકરો અમારા ઘરે કદી નથી આવ્યો.

પોલીસ પર આરોપ- કેસને ગંભીરતાથી નથી લેતા
BJP સાંસદ અનિલ બોંડેએ કહ્યું હતું કે ધરની અને અમરાવતીના આવા બે કેસ છે. ઘરનીની દીકરીને હૈદરાબાદ લઈ ગયા છે. તે છોકરીએ મને ફોન કર્યો. તે અમરાવતી આવવા માગે છે. મેં પોલીસને તે છોકરીઓ શોધવા અને છોડાવવાની વાત કરી છે, પરંતુ પોલીસ આ વાતને ગંભીરતાથી નથી લેતી. આવા જ 20 કેસ ધરનીમાં અને 4 કેસ અમરાવતીમાં સામે આવ્યા છે. જો આ દીકરીઓનાં માતા-પિતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા જાય છે તો તેમની ફરિયાદ પણ નોંધવામાં આવતી નથી.

અન્ય સમાચારો પણ છે...