એક તરફ લોકસભા ચૂંટણી 2024 માટે વિપક્ષની પાર્ટીઓ હાકલ કરીને એકજૂથ થવાનું અભિયાન ચલાવી રહી છે. જ્યારે, આ તરફ તૃણમુલ કોંગ્રેસ (TMC)એ વિપક્ષના એકજૂથના આ અભિયાનથી પોતાને અલગ કરી લીધું છે. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકસભાની ચૂંટણી એકલા જ લડવાનો નિર્ણય લીધો છે. તેમણે ગુરુવારે કહ્યું કે અને 2024ની ચૂંટણી એકલા જ લડીશું. TMC કોઈપણ રાજકીય પાર્ટી સાથે ગઠબંધન કરશે નહીં. TMCનું ગઠબંધન જનતા સાથે થશે.
મમતાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગયા બુધવારે (1 માર્ચ) તમિલનાડુના CM એમકે સ્ટાલિનના જન્મદિવસે વિપક્ષી એકતાનું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું હતું. મંચ પરથી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તમામ વિપક્ષની પાર્ટીઓને એક થવા અપીલ કરી હતી.
મમતાએ કહ્યું- જેઓ ભાજપને હરાવવા માંગે છે તેઓ TMCને મત આપશે
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે જે લોકો ભાજપને હરાવવા માંગે છે, મને વિશ્વાસ છે કે તેઓ અમારી પાર્ટીને મત આપશે. તેમણે દાવો કર્યો હતો કે લોકો તેમની સાથે છે અને આશા વ્યક્ત કરી હતી કે 2024 લોકસભાની ચૂંટણીમાં પણ આવું જ થશે.
વાસ્તવમાં બંગાળના CM ત્રિપુરા વિધાનસભા ચૂંટણીનાં પરિણામોના સંદર્ભમાં બોલી રહ્યા હતા. મમતાએ કહ્યું- જેઓ સીપીઆઈ(એમ) અને કોંગ્રેસને વોટ આપી રહ્યા છે, ખરેખરમાં તેઓ ભાજપને જ વોટ આપી રહ્યા છે. આ સત્ય આજે જ સામે આવ્યું છે. જણાવીએ કે ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીને એક પણ સીટ મળી નથી.
ભાજપે સાગરદિઘી વિધાનસભા બેઠકના મત કોંગ્રેસને ટ્રાન્સફર કર્યા-મમતા
સાગરદિઘીમાં કોંગ્રેસ-ડાબેરી ગઠબંધનના ઉમેદવારની જીત બાદ મમતા બેનર્જીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે સાગરદીઘી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પોતાના વોટ કોંગ્રેસને ટ્રાન્સફર કર્યા છે. મમતાનું આ નિવેદન સાગરદિઘી પેટાચૂંટણીમાં કોંગ્રેસના બાયરન બિસ્વાસની લગભગ 23 હજાર મતોથી જીત બાદ આવ્યું છે.
મમતા UPA સાથે જવા માગતાં નથી
આ પહેલીવાર નથી જ્યારે TMCએ કોંગ્રેસ પર ટિપ્પણી કરી હોય. એક સમયે મમતા બેનર્જીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે UPA શું છે, હવે કોઈ UPA નથી આપણને મજબૂત વિકલ્પની જરૂર છે. મમતાએ ગયા વર્ષે મુંબઈમાં એનસીપી ચીફ શરદ પવાર સાથેની મુલાકાત દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
રાહુલે મેઘાલયમાં કહ્યું હતું - TMC ભાજપને લાવવા માંગે છે
કોંગ્રેસ અને TMC વચ્ચેની ખટાશ ત્યારે સામે આવી જ્યારે રાહુલ ગાંધીએ શિલોંગમાં ભાજપ અને TMC પર નિશાન સાધ્યું. તેમણે લોકોને કહ્યું કે તમે TMCનો ઈતિહાસ જાણો છો. બંગાળમાં થયેલી હિંસા વિશે પણ આપણે જાણીએ છીએ. આખી દુનિયા તેમની પરંપરા જાણે છે. TMC ગોવા ગઈ અને ચૂંટણી દરમિયાન ઘણા પૈસા ખર્ચ્યા કારણ કે તેમનો ઉદ્દેશ્ય ભાજપને મદદ કરવાનો હતો. મેઘાલયમાં પણ TMCનો ઉદ્દેશ્ય ભાજપને સત્તામાં લાવવાનો છે.
લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષની એકજૂથતા બાબતના આ સમાચાર પણ વાંચો
ચેન્નાઈમાં વિપક્ષના અનેક નેતાઓ એક થયા, ખડગે-અબ્દુલ્લાએ કહ્યું- સાથે મળીને ચૂંટણી લડો, PM બાબતે પછી નિર્ણય લઈશું
તમિલનાડુમાં બુધવારે ચેન્નાઈમાં ડીએમકે અધ્યક્ષ એમકે સ્ટાલિનના 70મા જન્મદિવસની ઉજવણીના પ્રસંગે વિપક્ષી નેતાઓ એક થયા હતા. સમારંભમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- મેં ક્યારેય નથી કહ્યું કે કોણ વડાપ્રધાન બનશે અથવા કોણ નેતૃત્વ કરશે. આ કોઈ પ્રશ્ન નથી, હું માત્ર એટલું ઈચ્છું છું કે આપણે સાથે મળીને લડવું જોઈએ.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લાએ ખડગેની વાતનું સમર્થન કરતા કહ્યું કે આપણે સાથે મળીને ચૂંટણી લડવી જોઈએ. વડાપ્રધાન કોણ બનશે તે પછી નક્કી કરીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.