હિમાચલની પર્યટન નગરી મનાલીના ભજોગીમાં રવિવારે બપોરે પાંચ માળના મકાનમાં આગ લાગી હતી. આગ લાગી ત્યારે હિમવર્ષા થઈ રહી હતી. આગ પર કાબૂ મેળવાય તે પહેલાં જ ઘરમાં રહેલો સિલિન્ડર બ્લાસ્ટ થયો. આગના કારણે પાંચ માળનું મકાન આખેઆખું સળગી ગયું. આગ લાગવાથી લાખોના નુકસાનની આશંકા છે. આગ કયા કારણસર લાગી તેની જાણ થઈ નથી.
જે મકાનમાં આગ લાગી તે ઉત્તમ ચંદ નામની એક વ્યક્તિનું છે. આજુબાજુના લોકોએ મકાનમાંથી ધુમાડો નીકળતો જોયો અને તે અંગેની માહિતી ફાયરબ્રિગેડને આપી દીધી. સાથે જ લોકોએ પોતાની રીતે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. મકાનમાં રાખવામાં આવેલા સિલિન્ડરમાં વિસ્ફોટ થતા આગ વધુ ભયાનક બની હતી. જોરદાર વિસ્ફોટને કારણે આખો વિસ્તાર ધ્રુજી ગયો હતો.
મકાનમાંથી સુરક્ષિત નીકળ્યા લોકો
મકાન માલિક ઉત્તમ ચંદ આગ લાગી તે બાદ તાત્કાલિક જ ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. જાણ કરવામાં આવી તેના ઘણાં સમય પછી ફાયરબ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. ભારે હિમવર્ષાને કારણે ફાયરબ્રિગેડની ટીમને પહોંચવામાં સમય લાગતા આજુબાજુના લોકો એકઠાં થઈ ગયા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. ફાયરબ્રિગેડના જવાનોએ ભારે મથામણ કર્યા બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ફાયરબ્રિગેડના અધિકારી પ્રેમે જણાવ્યું કે માહિતી મળતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ સ્થિતિ કંટ્રોલમાં છે. આગને કારણે પાંચ માળના મકાનને નુકસાન થયું છે.
અનેક ઘરોને બચાવવામાં આવ્યા
જે મકાનમાં આગ લાગી તેની આજુબાજુ અનેક ઘર હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી અન્ય મકાનોમાં આગ ન ફેલાય તેની તકેદારી રાખવામાં આવી હતી. પડોસમાં રહેતા બાલકૂ અને યશપાલે જણાવ્યું કે આગ લાગવાથી તેમના ઘરોને પણ ખતરો ઊભો થઈ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.