• Gujarati News
  • National
  • Amid Heavy Protests From Farmers, President Ram Nath Kovinde Approved Three Agriculture Bills

કૃષિ વિધેયક કાયદો બન્યો:ખેડૂતોના ભારે વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે કૃષિક્ષેત્રના ત્રણ વિધેયકને મંજૂરી આપી

એક વર્ષ પહેલા

પંજાબ અને હરિયાણા સહિત દેશભરમાં ભારે વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કૃષિક્ષેત્રને લગતા ત્રણ વિધેયકને મંજૂરી આપી છે. આ સાથે આ વિધેયકો હવે કાયદાનું સ્વરૂપ ધારણ કરી લીધુ છે. સંસદે તાજેતરમાં કૃષિ ઉત્પાદન વ્યાપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા) વિધેયક 2020, મૂલ્ય આશ્વાસન અને કૃષિ સેવા પર ખેડૂત (સશક્તિકરણ અને સુરક્ષા) સમજૂતી, 2020, આવશ્યક ચીજવસ્તુ (સુધારા) વિધેયક,2020ને મંજૂરી આપવામાં આવી છે.

President gives his assent to the three #FarmBills :

કૃષિક્ષેત્રને લગતા ત્રણેય વિધેયકનો દેશભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે
અત્રે ઉલ્લેખનીય છે કે આ ત્રણેય વિધેયક તાજેતરમાં સંસદના ગૃહમાંથી પસાર કરવામાં આવ્યા હતા. ગૃહની અંદર અને ગૃહની બહાર વિપક્ષો તથા ખેડૂત સંગઠનો તેમ જ ખેડૂતોનો આ વિધેયકને લઈ ભારે વિરોધ હતો. 25 સપ્ટેમ્બરના રોજ આ વિધયકોના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ હતું. NDAના ઘટક પક્ષ તરીકે જૂના સાથી અકાલી દળે 22 વર્ષ જૂના તેમના જોડાણનો અંત લાવી દીધો હતો.

કૃષિ ઉત્પાદન વ્યાપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા) વિધેયક 2020- તેમા ખેડૂતોને પાક વેચવાને લગતી અનેક પ્રકારના સ્વતંત્રતા મળી છે. હવે ખેડૂતો તેમની ઈચ્છા પ્રમાણેની જગ્યા પર તેમના કૃષિ ઉત્પાદનોનું વેચાણ કરી શકે છે. કોઈ પણ અવરોધ કે અડચણ વગર અન્ય રાજ્યોમાં પણ પાક તેમના પાકનું ખરીદ-વેચાણ કરી શકે છે. એટલે કે હવે APMCના દાયરાથી બહાર પાકોનું ખરીદ-વેચાણ કરી શકાશે. આ ઉપરાંત પાંકના વેચાણ પર કોઈ જ કરવેરા લાદવામાં આવશે નહીં.

મૂલ્ય આશ્વાસન અને કૃષિ સેવા પર ખેડૂત (સશક્તિકરણ અને સુરક્ષા) સમજૂતી, 2020- આ વિધેયકમાં દેશભરમાં કોન્ટ્રેક્ટ ફાર્મિંગને લઈ વ્યવસ્થા તૈયાર કરવાની દરખાસ્ત છે. પાક ખરાબ થવાના સંજોગોમાં તેનાથી થતા નુકસાનની ભરપાઈ ખેડૂતોએ નહીં પણ એગ્રીમેન્ટ કરનારા પક્ષ અથવા કંપનીઓએ કરવાની રહેશે. ખેડૂત કંપનીઓને તેમની કિંમત પર પાકનું વેચાણ કરશે. તેનાથી ખેડૂતોની આવક વધશે અને વચેટીયાઓનું સામ્રાજ્ય ખતમ થશે તેવો સરકારનો દાવો છે.

આવશ્યક ચીજવસ્તુ (સુધારા) વિધેયક,2020- આવશ્યક અધિનિયમને વર્ષ 1955માં તૈયાર કરવામાં આવ્યો. નવા કાયદા બનવાથી હવે ખાદ્ય તેલ, તેલિબીયા, દાળ, ડુંગળી તથા બટાકા જેવા કૃષિ ઉત્પાદકો પર સ્ટોક લિમિટ હટી ગઈ છે. ખૂબ જ આવશ્યક હોવાના સંજોગોમાં જ સ્ટોક લિમિટ કરવામાં આવશે. આ સ્થિતિમાં રાષ્ટ્રીય આપદા, દુષ્કાળ જેવી સ્થિતિનો સમાવેશ થાય છે. પ્રોસેસર અથવા વેલ્યૂ ચેઈન પાર્ટીસિપેન્ટ્સ માટે એવી કોઈ સ્ટોક લિમિટ લાગૂ નહીં થાય. ઉત્પાદન, સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યુશન પર સરકારી નિયંત્રણ ખતમ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...