અમેરિકાના સંરક્ષણ વિભાગના કાર્યાલય પેન્ટાગોને ડિફેન્સ સ્ટ્રેટેજીથી સંબંધિત માર્ચમાં બાઇડેન વહીવટીતંત્રને સોંપેલા ગોપનીય દસ્તાવેજોને જાહેર કર્યા છે. તેમાં અમેરિકાએ ભારત અને ચીન વચ્ચે તણાવને લઇને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.
પેન્ટાગોને વ્યૂહાત્મક ઉપરાંત પરમાણુ સમીક્ષા તેમજ મિસાઇલ ડિફેન્સ સમીક્ષા પણ જારી કરી છે. 80 પેજના દસ્તાવેજમાં વૈશ્વિક ખતરા વિશે રશિયાનો 89 વાર તો ચીનનો 88 વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં ચીનની વિસ્તારવાદી નીતિનો પણ ઉલ્લેખ કરાયો છે. તે ઉપરાંત કહેવાયું છે કે ચીન પોતાના પાડોશી દેશોની સરહદ પર દબાણ ઊભું કરી રહ્યું છે.
પૂર્વ ચીનથી લઇને દક્ષિણ ચીન સમુદ્ર, તાઇવાન અને ભારત પાસેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LaC)ને લઇને પણ ચીનનું આવું જ જક્કી વલણ છે. બાઇડેન વહીવટીતંત્રની નીતિ અંગે સ્પષ્ટતા વિશે દસ્તાવેજમાં કહેવાયું છે કે ચીન ધોંસ જે ક્ષેત્રોમાં વધી રહ્યું છે, તે કાબુમાં રાખવા અમેરિકા ભારત સાથે સંરક્ષણ સમજૂતી કરવા પ્રતિબદ્વ છે. અમેરિકા હિન્દ મહાસાગર ક્ષેત્રમાં મુક્ત રીતે અવરજવર થાય તે પણ સુનિશ્વિત કરવા માંગે છે.
ચીન સાથે વાતચીતનો વિકલ્પ રહેશેઃ પેન્ટાગોને ચીન સાથે વાતચીતની ચેનલ ખુલ્લી રાખવાનું નક્કી કર્યું છે, જેથી તકરારના ક્ષેત્રોમાં વ્યૂહાત્મક સ્તર પર સ્થિરતા જળવાઇ રહે અને ચીનને શાંતિપૂર્ણ રીતે સમજાવવાનો પ્રયાસ થઇ શકે.
ચીનનું આક્રમક વલણઃ સંરક્ષણના દસ્તાવેજમા ચીનના સૈન્ય PLA અને કોમ્યુનિસ્ટ નેતૃત્વના આક્રમક વલણના ત્રણ મામલાનો ઉલ્લેખ કરાયો છે. તેમાં પાડોશી દેશોને ધમકી આપવી, તાઇવાનમાં અસ્થિરતા પેદા કરવી તેમજ LAC પર ગતિવિધિઓ વધારવી સામેલ છે.
અમેરિકાની સુસંરક્ષણ ભાગીદારીને પ્રભાવિત કરવાનો ચીનનો ઇરાદોઃ ચીનનો ઇરાદો ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પોતાની તાકાત મારફતે અમેરિકાની સુસંરક્ષણ ભાગીદારીને પ્રભાવિત કરવાનો છે. ચીન પોતાના આર્થિક પ્રભુત્વ તેમજ પીપલ્સ લિબરેશન આર્મીની તાકાતના જોરે પોતાના પાડોશી દેશોના હિતોને નુકસાન પહોંચાડવા તેમજ તેને ડરાવવા અને ધમકાવવાના પ્રયાસોમાં છે.
ચીન તાઇવાનમાં અસ્થિરતાની ફિરાકમાંઃ દસ્તાવેજ અનુસાર ચીની નેતૃત્વ તાઇવાન વિશે ભડકાઉ નિવેદનબાજી કરી રહ્યું છે અને તાઇવાનમાં અસ્થિરતા અને અશાંતિ માટે જોર લગાડી રહ્યું છે.
અમેરિકા સહયોગી દેશો સાથે મળીને કામ કરશેઃ અમેરિકન સંરક્ષણ વિભાગે પ્રતિબદ્વતા જાહેર કરી છે કે અમેરિકન નીતિઓ તેમજ આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરીને બાઇડેન વહીવટીતંત્ર પોતાના સહયોગી દેશો સાથે મળીને એવા પગલાં ભરશે કે પૂર્વી અને દક્ષિણ ચીન સમુદ્ર, તાઇવાન અને ભારતના LAC પર ચીન તેની દાદાગીરી બંધ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.