આઇપીએલના ઈતિહાસમાં પહેલીવાર મીડિયા રાઇટ્સ માટે ઇ-હરાજી થવા જઈ રહી છે. રવિવાર સવારે 11 વાગ્યાથી બોલી લગાવવાનું શરૂ થશે અને સંભવત: બે દિવસ સુધી ચાલી શકે છે. વર્ષ 2023-2027 સુધીના મીડિયા રાઇટ્સ માટે બીસીસીઆઇએ 32,890 કરોડ રૂપિયા બેઝ પ્રાઇસ રાખી છે. ટીવી રાઇટ્સ માટે બેઝ પ્રાઇસ 49 કરોડ રૂપિયા પ્રતિ મેચ છે જ્યારે ડિજિટલ રાઇટ્સ 33 કરોડ રૂપિયા પ્રતિ મેચ છે.
બ્રોકરેજ ફર્મ એલોરા સિક્યુરિટીઝ મુજબ, આ વખતે બોલી 60 હજાર કરોડ રૂપિયા સુધી જઈ શકે છે. એટલે કે પ્રતિ મેચ વેલ્યૂ લગભગ 100 કરોડ રૂપિયાથી પણ વધુ થઈ જશે. આવું થયું તો તે દુનિયાની સૌથી મોંઘી નેશનલ ફુટબોલ લીગ (એનએફએલ) બાદ બીજા નંબરે આવી જશે. એનએફએલની પ્રતિ મેચ વેલ્યૂ લગભગ 135 કરોડ રૂપિયા છે. સ્ટાર ઈન્ડિયાએ 2018થી 2022 સુધીના મીડિયા રાઇટ્સ 16,348 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. પ્રતિ મેચ સરેરાશ વેલ્યૂ લગભગ 66 કરોડ રૂપિયા હતી.
એક્સપર્ટ બોલ્યા- આ વખતે ટીવી રાઇટ્સમાં 30% તથા ડિજિટલ રાઇટ્સમાં તેનાથી વધુ વૃદ્ધિ શક્ય
સ્પોર્ટ્સ મીડિયા રાઇટ્સ વેટરન આશીષ ચડ્ઢાએ કહ્યું, પ્રતિ મેચ ટીવી રાઇટ્સમાં 20-25%નો વધારો થવાની આશા નથી, પરંતુ ડિજિટલ રાઇટ્સના પેકેજમાં મોટો વધારો થઈ શકે છે. અમારા અનુમાન મુજબ બધું મળીને વેલ્યૂ 115-120 કરોડ રૂપિયા પ્રતિ મેચ સુધી પણ પહોંચી શકે છે.
ખરાખરીનો જંગ… 10 કંપનીઓ મેદાનમાં+ બીસીસીઆઇના વરિષ્ઠ અધિકારીએ કહ્યું, અમેઝોન રેસમાંથી બહાર થઈ ગઈ છે. તેનું કારણ નથી જણાવ્યું. ગૂગલે દસ્તાવેજ જમા નથી કરાવ્યા. એવામાં રિલાયન્સ, વૉલ્ટ ડિઝ્ની, ઝી અને સોનીમાં જોરદાર ટક્કર છે. અન્ય કંપનીઓમાં ડ્રીમ 11, ટાઇમ્સ ઇન્ટરનેટ, ફનએશિયા, ફનકોડ, સ્કાય સ્પોર્ટ્સ તથા સુપરસ્ટોર્સ સામેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.